Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ શકે છે વધારો

ક્રૂડની કિંમતોમાં ભડકાના એંધાણ

એકવાર ફરી બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની નજીક

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩ જૂન ૨૦૨૬ — પશ્ચિમ એશિયા સંકટ અને મોંઘા કાચા તેલની વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એકવાર ફરી બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. તો ૧૫ મેથી અત્યાર સુધી તેલ કંપનીઓ ચાર વખત કિંમત વધારી ચુકી છે, જેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭.૫ રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે. એક બેરલ કાચા તેલમાં ૧૦ ડોલરના વધારાને કારણે કંપનીઓને આશરે ૬ રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થાય છે.

સૌથી પહેલા ૧૫ મેએ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ ૩ રૂપિયાની છલાંગ લગાવી હતી. ત્યારબાદ બીજીવાર પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૯ મેએ વધ્યા હતા. તેમાં આશરે ૯૦ પૈસાનો વધારો થયો હતો. ત્યારબાદ ત્રીજીવાર ૨૩ મેએ પેટ્રોલની કિંમતમાં ૮૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૯૧ પૈસાનો વધારો થયો હતો. ચોથી વાર ૨૫ મેએ પેટ્રોલ ૨.૬૧ રૂપિયા અને ડીઝલ ૨.૭૧ રૂપિયા મોંઘુ થયું હતું.

હવે રેટિંગ એજન્સી ક્રિસિલે ચેતવણી આપી છે કે તેલ કંપનીઓની ખોટને જોતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૨.૫ રૂપિયા પ્રતિ લીટરના વધારાની જરૂર પડી શકે છે. જો આવું થાય તો કુલ વધારો ૧૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી જશે.
આ પહેલા પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૦-૨૦ રૂપિયાના વધારાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે સરકારે તત્કાલ પેટ્રોલ-ડીઝલ પર ૧૦-૧૦ રૂપિયા ટેક્સ ઘટાડી દીધો હતો. હવે સરકારની આ રાહતને સામેલ કરીએ તો માત્ર ૨.૫૦ રૂપિયાના વધારાની સંભાવના બાકી છે.

ક્રિસિલ અનુસાર ફ્યૂલની કિંમતોમાં વધારાની અસર માત્ર પેટ્રોલ પંપ સુધી સીમિત રહેશે નહીં. ડીઝલ મોંઘુ થવાથી ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને માલની હેરફેરનો ખર્ચ વધશે, જેની અસર દૂધ, શાકભાજી, અનાજ, ફળ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પડી શકે છે.

એજન્સીનું અનુમાન છે કે પેટ્રોલ અને ડીઝલમાં અત્યાર સુધી ૭.૫ રૂપિયા પ્રતિ લીટરના વધારાથી CPI પર લગભગ ૦.૩૬ ટકાનો વધારાનો દબાવ આવી શકે છે. જો કુલ વધારો ૧૦ રૂપિયા સુધી પહોંચે છે તો મોંઘવારી પર અસર વધી આશરે ૦.૪૭ ટકા થઈ શકે છે.

પરંતુ ઈંધણના ભાવ વધારવા છતાં સરકારી તેલ કંપનીઓ હજુ ખોટ સહન કરી રહી છે. ઉદ્યોગના અનુમાન અનુસાર પેટ્રોલ અને ડીઝલ પર અન્ડર-રિકવરી હજુ બનેલી છે અને કંપનીઓને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

નિષ્ણાંતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઊંચી બની રહે છે અને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતો નથી તો આવનાર દિવસમાં ઈંધણની કિંમતમાં વધારાથી ઇનકાર કરી શકાય નહીં.

Related posts

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

Master Admin

મારુતિ સુઝુકી દ્વારા ‘જાગૃતિ’ ની શરૂઆત: ટ્રક ડ્રાઇવરો માટે 5-દિવસીય માર્ગ સુરક્ષા અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

Master Admin

ઇન્ડિગોએ ૨૩૦૦ રૂપિયા સુધી વધાર્યા ફ્લાઈટના ભાડા

Master Admin

Leave a Comment

Translate »