Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
DharmikGujarat

ફાગણી પૂનમે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોંચ્યા

જય રણછોડના ગગનભેદી નાદથી ગૂંજ્યું મંદિર

પદયાત્રીઓના થાકને દૂર કરવા અને તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે રસ્તાઓમાં ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડા, તા.૨ માર્ચ ૨૦૨૬ –– ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના પવિત્ર અવસરે આસ્થાનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. “જય રણછોડ, માખણ ચોર” ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રીઓના થાકને દૂર કરવા અને તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે રસ્તાઓમાં ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. આ ભક્તિમય માહોલમાં માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ રાજકીય આગેવાનો પણ સેવાના રંગે રંગાયા છે. ગુજરાત સરકારના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ પોતાનો મંત્રીપદનો મોભો બાજુ પર મૂકીને પદયાત્રીઓની અનોખી સેવા કરી સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના શિવાજી ફાઉન્ડેશન દ્વારા પદયાત્રીઓ માટે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં આસ્થા અને સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મંત્રીએ એક સામાન્ય સેવકની જેમ કેમ્પમાં ઉપસ્થિત રહીને, કોઈ પણ જાતના સંકોચ વિના મોટા તપેલામાં પોતાના હાથે ચા બનાવી હતી.

એટલું જ નહીં, ડાકોર જતા પદયાત્રીઓને તેમણે જાતે પતરાળામાં નાસ્તો પણ પીરસ્યો હતો.

આ ઉપરાંત, કેમ્પમાં ઉપસ્થિત રહીને તેમણે ભક્તો અને આયોજકો સાથે ખૂબ જ આત્મીયતાથી મુલાકાત કરી હતી. કેમ્પમાં મહિલાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમીને ભક્તિના રંગે રંગાઈ હતી, જેમાં મંત્રીશ્રી પણ તેમની વચ્ચે જઈને આ ઉત્સવમાં સહભાગી થયા હતા.

ફાગણી પૂનમના પાવન પર્વે ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી ડાકોર તરફ જતા માર્ગો પર પદયાત્રીઓનો ફાગણી અવિરત પ્રવાહ વહી રહ્યો છે. વહેલી સવારથી જ રાસ્કા ચેકપોસ્ટથી લઈને ડાકોર સુધીના સમગ્ર માર્ગ પર પગપાળા જતા શ્રદ્ધાળુઓનું જાણે ઘોડાપૂર ઊમટી પડ્યું છે. પદયાત્રીઓ હાથમાં ધજાઓ લઈને અને મુખેથી “જય રણછોડ, માખણ ચોર” ના ગગનભેદી નાદ સાથે ફાગોત્સવમાં જોડાવા માટે ભારે થનગનાટ સાથે ડાકોર મંદિર પહોંચી રહ્યા છે.

આ ભક્તિમય વાતાવરણ વચ્ચે અમદાવાદના કડવાપુર વિસ્તારમાંથી આવતો રણછોડરાય સેવા સંઘ પોતાની અનોખી આસ્થાને કારણે વિશેષ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. આ સંઘ દ્વારા છેલ્લા ૫૨ વર્ષથી અવિરતપણે ડાકોરની પગપાળા યાત્રા કરવામાં આવે છે. પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે આ સંઘના ભક્તો ભગવાન માટે ખાસ ૫૨ ગજની મહાકાય ધજા લઈને પગપાળા ડાકોર જઈ રહ્યા છે.

આ ઉપરાંત, તેઓ માતા લક્ષ્મીજીની ધજા અને ભગવાનને અર્પણ કરવા માટેના સુંદર વાઘા પણ સાથે લઈને જઈ રહ્યા છે. દાયકાઓ જૂની આ પરંપરા અને ભક્તોનો પ્રભુ પ્રત્યેનો આ સમર્પિત ભાવ માર્ગમાં સૌ કોઈ માટે પ્રેરણાદાયક બની રહ્યો છે.
ફાગણી પૂનમના આ પાવન અવસરે રાત્રિના સમયે ડાકોર મંદિરનો નજારો અત્યંત આહલાદક અને દિવ્ય બની ગયો છે. સામે આવેલા આકાશી દ્રશ્યોમાં મંદિર રંગબેરંગી લાઈટ્‌સથી ઝળહળી ઉઠેલું જોવા મળે છે. ક્યારેક ઘેરો વાદળી, તો ક્યારેક આકર્ષક લીલો અને ગુલાબી રંગની ડાયનેમિક રોશનીથી સુશોભિત મંદિરનું શિખર તથા ઘુમ્મટ જાણે આકાશમાં દિવ્ય આભા પાથરી રહ્યા છે. રાત્રિના અંધકારમાં અદભુત રોશનીથી શણગારેલું રણછોડરાયનું આ ભવ્ય મંદિર એક અલગ જ નયનરમ્ય અનુભવ કરાવી રહ્યું છે, જેને નિહાળીને ભક્તો મંત્રમુગ્ધ બની રહ્યા છે. મંદિર પરિસરમાં ઉમટી પડેલી શ્રદ્ધાળુઓની ભીડ પણ આ તસવીરોમાં નજરે પડી રહી છે જે ભક્તોનો ઉત્સાહ દર્શાવે છે.

Related posts

ધો. ૩ થી ૮ ની પરીક્ષા ૬ એપ્રિલથી શરૂ થશે

Master Admin

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૭૫ પ્રાથમિક શાળાઓને લાગ્યા તાળા

Master Admin

ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, પ્રમુખ-ઉપપ્રમુખ સામે સભ્યોનો મોરચો

Master Admin

Leave a Comment

Translate »