Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

માધુપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ

ચાર શખસોના ઢોર મારથી યુવકનું મોત

શ્રમિક યુવકની જાહેરમાં લોખંડના સળિયા અને બેલ્ટ વડે ફટકારીને હત્યા કરી દેવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૪ મે ૨૦૨૬ — અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વ્યસ્ત માધુપુરા માર્કેટમાં ધોળા દિવસે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત ત્રીજી મેના રોજ બપોરના સમયે માત્ર ટુ-વ્હીલર પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક રૂપ ધારણ કર્યું હતું, જેમાં એક ૨૬ વર્ષીય શ્રમિક યુવકની જાહેરમાં લોખંડના સળિયા અને બેલ્ટ વડે ફટકારીને હત્યા કરી દેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક યુવક મિથિલેશ ઉર્ફે મુન્નો (ઉ.વ. ૨૬) અને તેનો મોટો ભાઈ સંદીપ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવાના વતની છે અને છેલ્લા સાત વર્ષથી માધુપુરા માર્કેટમાં છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.

સંદીપ મિશ્રાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ત્રીજી મેના રોજ બપોરે ૧૨ઃ૩૦થી ૧ઃ૦૦ વાગ્યાની વચ્ચે ટુ-વ્હીલર પાર્કિંગ બાબતે મિથિલેશને કેટલાક પીકઅપ બોલેરોના ડ્રાઈવરો સાથે માથાકૂટ થઈ હતી. પાર્કિંગના ઝઘડામાં ઉશ્કેરાયેલા ઇન્દ્રજીતકુમાર પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદ પ્રસાદે ભેગા મળીને મિથિલેશ પર લોખંડના સળિયા અને કમરના પટ્ટા (બેલ્ટ) વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું.

ઘટના સમયે ફરિયાદી સંદીપ માર્કેટના ગેટ પાસે હતો. ત્યાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવતા તે જોવા પાછળ ગયો ત્યારે તેણે એક દુકાન પાસે પોતાના નાના ભાઈ મિથિલેશને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલો જોયો હતો. એમ્બ્યુલન્સના ડોક્ટરે તપાસ બાદ મિથિલેશને મૃત જાહેર કર્યો હતો.શાહીબાગ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ઇન્દ્રજીતકુમાર પટેલ, આકાશ પટેલ, આકાશ રાઉત અને લાલીપ્રસાદ પ્રસાદ સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. તેમજ ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ અને સુરક્ષા કર્મચારીઓના નિવેદન નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

અમદાવાદમાં મતદાન દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

Master Admin

પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા, ૩ આરોપી ઝડપાયા

Master Admin

અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા ૩ આરોપી ઝડપાયા

Master Admin

1 comment

Valentina4139 May 5, 2026 at 3:11 am Reply

Leave a Comment

Translate »