પગારમાં થઈ રહેલો અસહ્ય વિલંબ ચર્ચાનો વિષય
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટ મંજૂર ન થવાને કારણે શિક્ષકોના પગારમાં થઈ રહેલો વિલંબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૬ જૂન ૨૦૨૬ — ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા ૨ લાખ પ્રાથમિક શિક્ષકો માટે નવો મહિનો આર્થિક સંકટ લઈને આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા શિક્ષકોના ઘરનું બજેટ મોંઘવારીમાં ખોરવાઈ ગયું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટ મંજૂર ન થવાને કારણે શિક્ષકોના પગારમાં થઈ રહેલો અસહ્ય વિલંબ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે રૅકોર્ડબ્રેક ૬૩,૧૮૪ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરાયું હતું.
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અને અન્ય સરકારી યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાની જાહેરાતો તો થઈ, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ ચિંતાજનક છે.
બજેટમાં આટલી મોટી રકમની જોગવાઈ હોવા છતાં, જે શિક્ષકો આ આખી વ્યવસ્થાની કરોડરજ્જુ છે, તેમને જ સમયસર વેતન મેળવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે. પગાર સમયસર ન થવાથી શિક્ષકોના હોમ લોન, કાર લોનના હપ્તા બાઉન્સ થઈ રહ્યા છે અને તેમના પરિવારો ભારે આર્થિક માનસિક તાણ અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત શિક્ષકોને ડિજિટલ ડેટા એન્ટ્રી, વિવિધ સરકારી સર્વે, મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા અને ચૂંટણીલક્ષી કામગીરી જેવા અસંખ્ય બિન-શૈક્ષણિક કામો સોંપાય છે. આ અતિશય વર્ક લોડને કારણે તેઓ માનસિક રીતે થાકી જાય છે, જેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક બાજુ અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના પગાર સમયસર થતાં હોય છે, જ્યારે માત્ર શિક્ષકોના પગાર ઘણાં સમયથી મોડા થવાના કારણે શિક્ષકો કામના ભારણ વચ્ચે આર્થિક સમસ્યાની સાથે માનસિક તણાવનો પણ અનુભવ કરી રહ્યા છે.

