Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા

વહેલી સવારના અંધારાનો લાભ લઈ ચોરી

અમૂલ પાર્લરમાંથી અજાણ્યો શખસ અંદાજે ૧૦૦ લિટર દૂધની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. વસ્ત્રાલની યુનાઈટેડ સ્કૂલ નજીક આવેલા એક અમૂલ પાર્લરમાંથી અજાણ્યો શખસ અંદાજે ૧૦૦ લિટર દૂધની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, વસ્ત્રાલ યુનાઈટેડ સ્કૂલની આસપાસના વિસ્તારમાં અનેક દૂધની ડેરીઓ અને પાર્લર આવેલા છે. વહેલી સવારે જ્યારે દૂધની ગાડીઓ ડિલિવરી આપીને જાય છે અને દુકાનદારો હજુ પહોંચ્યા હોતા નથી, તે સમયનો લાભ ઉઠાવી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

ગત રાત્રે યુનાઈટેડ સ્કૂલની સામે આવેલા અમૂલ પાર્લર પર દૂધના કેરેટ ઉતારવામાં આવ્યા હતા. વહેલી સવારે એક અજાણ્યો શખસ ત્યાં આવ્યો હતો અને કેરેટમાંથી આશરે ૧૦૦ લિટર દૂધના પાઉચ ચોરીને રફુચક્કર થઈ ગયો હતો.

આ ચોરીની ઘટના બાદ જ્યારે આસપાસના અન્ય ડેરી ધારકો એકઠા થયા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અનેક ડેરી સંચાલકોએ કબૂલ્યું હતું કે તેમની ત્યાંથી પણ અવારનવાર દૂધની ચોરી થાય છે. જો કે, ચોરી થયેલા દૂધનો જથ્થો ઓછો હોવાથી અને પોલીસ કાર્યવાહીની ઝંઝટમાં પડવા માંગતા ન હોવાથી મોટાભાગના વેપારીઓ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વેપારીઓની ઉદાસીનતા અને પોલીસમાં ફરિયાદ ન કરવાની માનસિકતાને કારણે આ ’દૂધ ચોર’ ને મોકળું મેદાન મળી ગયું છે. વારંવાર નાની ચોરીઓ કરીને હવે આ શખસે મોટી માત્રામાં દૂધની ચોરી કરવાનું શરૂ કર્યું છે.
વસ્ત્રાલના વેપારીઓ હવે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. વેપારીઓ માંગ કરી રહ્યા છે કે, વહેલી સવારે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે. સીસીટીવી ફૂટેજના આધારે આ શખસને ઓળખી કાઢી તેની ધરપકડ કરવામાં આવે.

Related posts

સિસિલિયન પ્રીમિયર લીગ 2026 નો ભવ્ય રીતે સમાપન

Master Admin

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો, એક જ સમાજના બે જૂથ સામસામે

Master Admin

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો

Master Admin

Leave a Comment

Translate »