Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

સરકારની મોટી જાહેરાતઃ ગુજરાતના ઉદ્યોગોને મળતા ગેસમાં ૫૦% કાપ મુકાયો

ગેસના પુરવઠામાં ખલેલ ન પડે તે માટે ઊર્જા વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૦ માર્ચ ૨૦૨૬ — ગુજરાતમાં ગેસના પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઘરેલુ ગેસ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ઉદ્યોગોને આપવામાં આવતા ગેસના વપરાશમાં ૫૦ ટકા સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ ગેસ પુરવઠામાં સીધો ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા ગેસમાં પણ લગભગ ૪૦ ટકા સુધીનો કાપ લાદવામાં આવ્યો છે.

વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યના એકપણ ઘરમાં ગેસના અભાવે ચૂલો બંધ ન રહે. તેથી ગેસના પુરવઠા અને વધતી માંગ વચ્ચે સંતુલન જાળવવા માટે ઉદ્યોગ ક્ષેત્રે કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કાપ મુખ્યત્વે મોટા ઔદ્યોગિક એકમો માટે જ લાગુ કરવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠામાં હાલ કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ઘરોમાં ગેસની બોટલ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગેસ પુરવઠામાં ઘટાડો કરીને પણ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. સામાન્ય જનતા અને નાના વ્યવસાયોને તેની અસર ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો ગૃહિણીઓને મોટી રાહત મળશે. ગેસના પુરવઠામાં ખલેલ ન પડે તે માટે ઊર્જા વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ઊર્જા સંસાધનોની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગેસ પુરવઠાના સંચાલન માટે સક્રિય આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

 

Related posts

અમદાવાદની ૧૫, વડોદરાની ૧૦થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Master Admin

ચૂંટણી બહિષ્કારઃ લોકોએ ચૂંટણી સમયે નેતાઓનું નાક દબાવ્યું, બેનર લગાવ્યા

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યુલા પર કરશે કામ

Master Admin

Leave a Comment

Translate »