Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે ૧૦ પદયાત્રીને કચડ્યાં

૭ લોકોના કમકમાટીભર્યા મોત

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર, તા.૧૩ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં ૫ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પદયાત્રામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સાથે થયેલી આ દુર્ઘટનાએ હાઈવે સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.

Related posts

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ

Master Admin

ગુજરાતના ૨૦થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ

Master Admin

અફવાઓથી દૂર રહેવા માટે નાગરિકોને અપીલ કરાઈ

Master Admin

Leave a Comment

Translate »