Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલ પર રેડ, ૮૧ની અટકાયત

સાણંદના નિર્માણા ગ્રીન્સમાં પોલીસનો મધરાતે સપાટો

નિર્વાના ગ્રીન્સ વિકેન્ડ હોમમાં ચક્રી દારૂની મહેફિલ પર રેડ કરીને પોલીસે યુવક-યુવતીઓની અટકાયત કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદ નજીક આવેલા સાણંદ નજીક નિર્માણા ગ્રીનમાં એક બંગલોમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ કરી છે. સાણંદના ગોરજ ગામની સીમમાં ગત રાત્રે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નિર્માણા ગ્રીન્સ નામના પ્રાઈવેટ વિકેન્ડ હોમમાં ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસે દરોડો પાડીને દારૂ અને હુક્કાની મહેફિલ માણતા ૮૧ જેટલા નબીરાઓને ઝડપી પાડ્યા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આ સ્થળ પર છફની ૨૫મી એનિવર્સરીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ અને અનેક મોટી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પાર્ટીમાં આલીશાન ફૂડ કાઉન્ટરની સાથે ખાસ ૧૧ જેટલા ટેબલ ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં કેક, વિદેશી દારૂ અને હુક્કાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે રેડ કરીને કુલ ૮૧ લોકોની અટકાયત કરી છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળેથી ૧૦થી વધુ હુક્કા, દારૂની બોટલો અને અન્ય નશીલા પદાર્થો મળી આવ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી આશરે ૨૦ જેટલી લક્ઝરી ગાડીઓ પણ જપ્ત કરી છે. પોલીસે અટકાયત કરાયેલા તમામ લોકોને મોડી રાત્રે જ સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.

પોલીસની આ કડક કાર્યવાહીના સમાચાર વાયુવેગે પ્રસરતા જ પકડાયેલા નબીરાઓને છોડાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર અનેક મોટા વગદાર લોકોના ફોન રણકવા માંડ્યા હતા. જોકે, પોલીસે કોઈ પણ દબાવમાં આવ્યા વગર કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી હતી.

નોંધનીય છે કે, સાણંદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જ્યારે ટીમે નિર્માણા ગ્રીન્સમાં દરોડો પાડ્યો, ત્યારે મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસને જોઈને અનેક યુવક-યુવતીઓ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ઘેરાબંધી કરીને તમામની અટકાયત કરી લીધી હતી. હાલમાં પોલીસ આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી રહી છે. આ રેડને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં દારૂની મહેફિલ માણતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Related posts

અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

Master Admin

ગુજરાતની સરકારી શાળાઓમાં હજારો ઓરડાની ઘટ પડી

Master Admin

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું, છેલ્લા ૬ વર્ષમાં ૧.૩૦ કિલોનો જથ્થો ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »