દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો : સરકારનું નિવેદન
પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૬ માર્ચ ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે ભારત સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અને LPG-CNG પુરવઠો પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં.
ગેસ પુરવઠા અંગે સરકારે ખાતરી આપી છે કે ઘરેલું વપરાશકારોને સમયસર સિલિન્ડર મળે તે તેમની પ્રાથમિકતા છે. હાલમાં ગેસ બુકિંગની પ્રક્રિયા અને ડિલિવરી સિસ્ટમમાં પણ ઘણો સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે લોકોને જરૂર જણાયે ન્ઁય્થી પાઈપલાઈન ગેસ (PNG) પર શિફ્ટ થવાનો વિકલ્પ પણ આપ્યો છે. ગેસની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે તંત્ર દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે, જેથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે.
આ દરમિયાન, ભારત માટે રાહતના સમાચાર એ છે કે ખાડીના દેશોમાંથી એલપીજી લઈને આવી રહેલા ભારતીય જહાજ શિવાલિક મુન્દ્રા પોર્ટ પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ફસાયેલું હતું. હવે આ જહાજ યુદ્ધથી પ્રભાવિત વિસ્તારમાંથી નીકળીને ભારત પહોંચ્યું છે. શિપિંગ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જહાજ વિશે જાણકારી આપી છે. વળી, વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનથી ૫૫૦ નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ જહાજમાં ૪૪ હજાર મેટ્રિક ટન LPG ભરેલો છે. જે હવે સુરક્ષિત રીતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજમાંથી ૨૦ હજાર મેટ્રિક ટન એલપીજી ગેસ મુન્દ્રા પોર્ટ પર અનલોડ થશે, જ્યારે ૨૪ હજાર મેટ્રિક ટન સાથે શિવાલિક જહાજ મેંગ્લોર પોર્ટ પર અનલોડિંગ કરવા માટે આજે રાતે રવાના થશે. IOCL કંપનીના ગેસ બોટલિંગ પ્લાન્ટમાં મુન્દ્રાથી ટેન્કર અને પાઇપલાઇન મારફતે પહોંચશે.
વિદેશ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી અસીમ મહાજને કહ્યું કે આ વિસ્તારમાંથી ૨૦,૦૦૦ પેસેન્જર ભારત પરત આવ્યા છે.
સઉદી અરબમાં અલગ અલગ એરપોર્ટથી ભારતના અલગ અલગ ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ્સ ચાલી રહી છે. ઓમાનથી ભારતના અલગ અલગ ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ ચાલી રહી છે. કતર એરસ્પેસ થોડું ખુલ્યું છે, જ્યારે કુવૈત એરસ્પેસ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી બંધ છે. બહરીન અને ઈરાકમાં જ્યાં એરસ્પેસ બંધ છે, ત્યાં ભારતીય નાગરિકોને સઉદી અરબથી આવવા-જવામાં મદદ થઈ રહી છે.

