Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અફઘાનિસ્તાને નૂરખાન એરબેઝ હુમલો કરતાં પાકિસ્તાનના ૩૫ જવાનોનાં મોત નીપજ્યાં

અમે અફઘાનના ૪૦૦ લડવૈયાને ઠાર કર્યાઃ પાકિસ્તાનના સૈન્યનો દાવો

તાલિબાનના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના અન્ય મહત્વના સૈન્ય કમાન્ડ સેન્ટરોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કાબુલ, તા.૩ માર્ચ ૨૦૨૬ — અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર છેલ્લા ચાર દિવસથી સતત હવાઈ હુમલા અને ગોળીબાર ચાલુ છે. આની વચ્ચે તાલિબાન સરકારનો દાવો છે કે તેણે પાકિસ્તાનના અત્યંત સંવેદનશીલ એવા રાવલપિંડી સ્થિત નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો છે અને પાક.ના ૩૫ જવાનોને મારી નાખ્યા છે.તાલિબાનના એક મંત્રીએ દાવો કર્યો છે કે તેમના લડાયકો ડ્યુરન્ડ લાઇન ઓળંગીને પાકિસ્તાની સરહદમાં પ્રવેશી ચૂક્યા છે. તાલિબાનના જણાવ્યા અનુસાર, ક્વેટા અને ખૈબર પખ્તુનખ્વાના સૈન્ય સ્થળો પર પણ હુમલા કરવામાં આવ્યા છે. આ હવાઈ હુમલાઓમાં ૩૫ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો અને બે ડ્રોન તોડી પાડ્યા હોવાનો તાલિબાનનો દાવો છે. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં કરવામાં આવી છે.અફઘાન સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, રાવલપિંડીના નૂર ખાન એરબેઝ ઉપરાંત બલૂચિસ્તાનના ક્વેટામાં ૧૨મી ડિવિઝનના હેડક્વાર્ટર અને ખૈબર પખ્તુનખ્વાની મોહમંદ એજન્સીમાં ખ્વાજાઈ કેમ્પ પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. તાલિબાનના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના અન્ય મહત્વના સૈન્ય કમાન્ડ સેન્ટરોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઓપરેશન પાકિસ્તાની સેના દ્વારા તાજેતરમાં કાબુલ અને બગ્રામ એરબેઝ પર કરવામાં આવેલા હુમલાનો બદલો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ફરીથી અફઘાન હવાઈ સીમાનું ઉલ્લંઘન કરશે, તો તેને વધુ કડક જવાબ મળશે. બીજી તરફ, પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ અફઘાન લડાયકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ સંઘર્ષ ૨૨ ફેબ્રુઆરીએ શરૂ થયો હતો, જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના નાયબ ગૃહમંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે ટીટીપીના ઠેકાણાઓ પર કરાયેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૭૦ લડવૈયા માર્યા ગયા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાને ૨૭ ફેબ્રુઆરીથી પાકિસ્તાન પર હુમલા શરૂ કર્યા છે.

Related posts

પીએમ મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ

Master Admin

પાકિસ્તાને અડધી રાતે ફરી અફઘાનિસ્તાન પર કરી એર સ્ટ્રાઈક, ૩૪થી વધુ લોકોના મોત

Master Admin

South African Tourism Announces 10th Edition of Learn SA, Eyes Growth from Emerging Indian Cities

Reporter1

Leave a Comment

Translate »