Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ

વટવાના મકાનમાં ચાલતું હતું નકલી નોટોનું કારખાનું

આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે ૬૦ લાખ રૂપિયાની ફેસ વેલ્યૂવાળી નકલી નોટો છાપી હોવાના પુરાવા મળ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૬ જૂન ૨૦૨૬ —  અમદાવાદના વટવામાં પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૮ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આંતરરાજ્ય કનેક્શન ધરાવતા આ કૌભાંડમાં ૨૮.૯૪ લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે અને દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનાઈત કાવતરાનો મુખ્ય સૂત્રધાર ઈમરાન સબ્બીર સિંધા હતો. તેણે આ વર્ષે માર્ચ મહિનાથી વટવા વિસ્તારમાં આવેલા ’સતેજ હોમ્સ’માં એક મકાન ભાડે રાખ્યું હતું. આ મકાનમાં કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને અન્ય હાઈટેક સાધનો વસાવીને ૫૦૦ રૂપિયાના દરની નકલી નોટો છાપવાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે ૬૦ લાખ રૂપિયાની ફેસ વેલ્યૂવાળી નકલી નોટો છાપી હોવાના પુરાવા મળ્યા છે.

આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય આરોપી ઈમરાન સિંધાનું કોઈ કારણોસર મોત થયું હતું. તેના મોત બાદ ગેંગના અન્ય સભ્યો પોલીસ પકડથી બચવા માટે પ્રિન્ટિંગના મશીનો, કમ્પ્યુટર અને છાપેલી નકલી નોટો લઈને અન્ય રાજ્યોમાં ભાગી ગયા હતા. વટવા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડીને આ ટોળકીને દબોચી લીધી હતી.પોલીસે આ કેસમાં અલગ-અલગ રાજ્યોના કનેક્શન ધરાવતા શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમાં મૂળ બિહારના ૨૦ વર્ષીય સૂરજ સહાની, બિહારના ૨૩ વર્ષીય રવિકુમાર શાહ, ઉત્તર પ્રદેશના ૨૫ વર્ષીય વિરુ બઘેલ, ઉત્તર પ્રદેશના ૨૩ વર્ષીય ચંદ્રમોહન શર્મા, અને એક કિશોરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે બનાસકાંઠા જિલ્લાના રહેવાસી ૪૯ વર્ષીય મેરાજ રબારી (૪૯)ની પણ ધરપકડ કરી છે.
પોલીસ રેકોર્ડ તપાસતા સામે આવ્યું હતું કે, આ ગેંગમાં સામેલ લોકો અગાઉ પણ આવા ગુનામાં પકડાઈ ચૂક્યા છે. મૃતક આરોપી ઈમરાન સિંધા અગાઉ સુરતમાં નકલી નોટોના કેસમાં સંડોવાયેલો હતો. જ્યારે બનાસકાંઠાનો મેરાજ રબારી અગાઉ ફેક કરન્સીના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલો આરોપી છે.

આરોપીઓ ૫૦૦ રૂપિયાની નકલી નોટો છાપીને સામાન્ય વ્યાપારી વ્યવહારો અને અજાણ્યા લોકો મારફતે બજારમાં અસલી તરીકે વટાવી દેતા હતા. પોલીસે જણાવ્યું કે, આ નેટવર્કના આંતરરાજ્ય તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે, આ ગેંગ સાથે અન્ય કયા લાભાર્થીઓ સંકળાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બજારમાં અર્થતંત્રની અંદર ઘૂસાડી દેવામાં આવી છે, તેની તપાસ ચાલુ છે.

Related posts

થલતેજમાં બનેલો ઓક્સિજન પાર્ક ‘કાર્બન ડાયોક્સાઇડ પાર્ક’ બન્યો

Master Admin

અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા ૩ આરોપી ઝડપાયા

Master Admin

કાલુપુર ફ્રૂટ માર્કેટમાં AMCની કાર્યવાહી, ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરાયા

Master Admin

Leave a Comment

Translate »