સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય લૂંટારુંઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ મે ૨૦૨૬ — અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી લૂંટની ઘટનામાં વધારો થયો છે. જેમાં ખાસ તો ઠગ રસ્તા પર એકલા જતાં વૃદ્ધને ટાર્ગેટ કરીને તેમની પાસેથી કિંમતી સામાન પડાવી લેતા હોય છે. આ દરમિયાન લોકોને લાલચ કે વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને છેતરપિંડી કરવાની એક નવી જ ઘટના ચાંદલોડિયા વિસ્તારમાં સામે આવી છે. જેમાં અજાણ્યા લોકોએ નોટોના બંડલની લાલચ આપીને એક વૃદ્ધાને પોતાની વાતોમાં ફસાવી તેમની પાસેથી લાખો રૂપિયાના સોનાના દાગીના લૂંટી લીધા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય લૂંટારુંઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ છે.
પોલીસ ફરિયાદ મુજબ, અમદાવાદ શહેરના ચાંદલોડિયાના સંતોષીનગરમાં ઔડા ગાર્ડન પાસે ભાડાના મકાનમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધા કિરણબહેન જગદીશભાઈ પીઠવાના ૧.૫ લાખના દાગીના લઈ લૂંટારૂંઓ ફરાર થઈ ગયા હતા. ગત ૨૦ મેના રોજ સવારના ૧૦ઃ૩૦ વાગ્યાની આસપાસ વૃદ્ધા કિરણબહેન પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ચાંદલોડિયાની શ્રીજી સ્કૂલ પાસે ૨૦થી ૨૫ વર્ષની ઉંમરના બે અજાણ્યા યુવક તેમની પાસે આવ્યા હતા. તેમાંના એકે ખોટી કહાની ઉપજાવી કાઢી કિરણબહેનને કહ્યું કે, ’શેઠે અમને નોકરીમાંથી કાઢી મુકતા અમે દુકાનમાંથી ચોરી કરીને આવ્યા છીએ. જેમાં ચોરી કરીને લાવેલા રૂમાલમાં બાંધેલી વસ્તુમાં શું છે તેની અમને ખબર નથી.’ એટલાંમાં બીજા શખસે રૂમાલ ખોલીને તેમાંથી ૫૦૦ રૂપિયાની નોટ બતાવીને વૃદ્ધાને કહ્યું કે, ’આમાં ૨.૫ લાખ રૂપિયાના બંડલ છે અને આપણે તેના સરખા ભાગ પાડી લઈએ.’
આ દરમિયાન આરોપીઓએ વૃદ્ધાને વિશ્વાસમાં લેવા કહ્યું કે, ’માજી તમે રૂપિયા લઈને ભાગી જાઓ તો? તેથી વિશ્વાસ માટે તમારા દાગીના અમને આપી દો, પછી ભાગ પાડીએ.’ આરોપીઓની વાતોમાં આવીને કિરણબહેને પોતાના કાનમાં પહેરેલી ૫ ગ્રામની સોનાની સેર, ૩.૫ ગ્રામની સોનાની બુટ્ટી અને ૧.૫ ગ્રામની સોનાની કડી મળી કુલ ૧,૫૦,૦૦૦ રૂપિયાના દાગીના કાઢીને આરોપીને આપી દીધા હતા. આમ, દાગીના લેતા જ આરોપીઓ રૂમાલ કિરણબહેનને પકડાવી ફરાર થઈ ગયા હતા.
લૂંટારૂઓના ગયા બાદ જ્યારે કિરણબહેને રૂમાલ ખોલીને જોયું તો તેમાં ચલણી નોટોના બદલે માત્ર માટી અને નાનો પથ્થર નીકળ્યો હતો. આ પછી તેમને છેતરપિંડી થયાની જાણ થતાં ઘરે પહોંચીને સમગ્ર ઘટના અંગે દીકરાને જણાવ્યું હતું. અંતે સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના ૈઁંએ જણાવ્યું હતું કે, વૃદ્ધાને રૂપિયાની લાલચ આપીને લૂંટવાની ઘટનામાં ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકમાં પોલીસે ત્રણેય શખસોની ધરપકડ કરી લીધી છે. સોમવારે(૨૫ મે) બંને આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં મોકલ્યા છે. આગળ પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરીને અન્ય વિગતો જાણવામાં આવશે. તેમજ, વૃદ્ધાના પતિનું વર્ષ ૨૦૨૦માં અવસાન થયું હતું અને તેમના બંને દીકરાઓ અલગ રહે છે. આમ, વૃદ્ધા એકલા રહેતા હતા.

