પારો ૪૧ ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન અમલી
CREDAI અને અન્ય સંસ્થાઓના સહયોગથી ૨૪ જેટલા સ્થળોએ ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી બચાવી શકાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧ માર્ચ ૨૦૨૬ — અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો ૪૧થી ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ આકરી ગરમીમાં વાહનચાલકોને રાહત આપવા માટે શહેરના ૭૦ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે ૧૨થી ૪ વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે ચાર રસ્તાઓ પર ટ્રાફિક વધુ હોવાથી સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે, ત્યાં CREDAI અને અન્ય સંસ્થાઓના સહયોગથી ૨૪ જેટલા સ્થળોએ ગ્રીન નેટ લગાવવામાં આવશે, જેથી લોકોને સીધા તડકાથી બચાવી શકાય.
શહેરીજનોની સુવિધા માટે આરોગ્ય વિભાગ દ્વારા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી હાલમાં ૩૫૦ પાણીની પરબો શરૂ કરાઈ છે, જેની સંખ્યા આગામી દિવસોમાં વધારીને ૧,૦૦૦ થી વધુ કરવામાં આવશે. આ ઉપરાંત, AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પણ પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. ગરમીથી બચવા માટે શહેરના તમામ બાગ-બગીચાઓ હવે સવારે ૬થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી લોકો ઠંડકનો આશરો લઈ શકે.
બપોરના સમયે આકરા તડકાથી બચવા માટે બાંધકામ સાઇટો પર કામ કરતા શ્રમિકો માટે બપોરે ૧થી ૪ વાગ્યા સુધી કામ બંધ રાખવાની સૂચના અપાઈ છે. ખાસ કરીને ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન આ નિયમનું કડક પાલન કરવાનું રહેશે. આ સાથે જ આંગણવાડી, શાળાઓ અને સફાઈ કામદારોના કામના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી તેઓ હીટવેવની સીધી અસરમાં ન આવે.
AMCના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને અચાનક ચક્કર આવે, ઉલટી થાય કે અતિશય માથાનો દુખાવો જેવી સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વગર નજીકના UHC અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. ગરમીના આ દિવસોમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને મહત્તમ પાણી પીવું હિતાવહ છે.
શહેરના તમામ UHC/CHC પર ઓ.આર.એસ. સેન્ટર શરૂ કરાયા. સામાજિક સંસ્થાઓ/ બિલ્ડર્સ દ્વારા શહેરમાં ૩૫૦થી વધુ પાણીની પરબો શરૂ કરાઈ. શારદાબેન, SVP, LG, VS હોસ્પિટલ તેમજ CHCમાં હીટ રિલેટેડ ઈનલેસના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ. તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ કરાયા. તમામ આંગણવાડીઓ પર ORS પેકેટની વ્યવસ્થા કરાઈ. તમામ BRTS સ્ટેન્ડ અને AMTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ.
પ્રભાત ચોક, ઉમિયા હોલ, સિલ્વર સ્ટાર, ભાગવત કોમ્પલેક્સ, સુભાષ ચોક, ગુરુકુળ ત્રણ રસ્તા, એન.એફ.ડી સર્કલ, સૂરધારા સર્કલ, દાદા સાહેબના પગલાં, વિજય ચાર રસ્તા, કોર્મસ છ રસ્તા, સેન્ટ ઝેવિયર્સ, વાઘ બકરી ટી લોન્જ, ગુલબાઈ ટેકરા, દર્પણ છ રસ્તા, ભીમજીપુરા, સ્ટેડિયમ સર્કલ, સ્વસ્તિક ચાર રસ્તા, સરદાર પટેલ બાવલા, સમર્પણ સર્કલ, સીજી રોડ બોડીલાાઈન, અંકુર ચાર રસ્તા, ખોડિયાર મંદિર, ઈન્કમ ટેક્સ સર્કલ, નવરંગપુરા, કાલુપુર સર્કલ, ગેલક્સી ચાર રસ્તા, કૃષ્ણનગર ચાર રસ્તા, નોબલ ટી ત્રણ રસ્તા, રખિયાલ ચાર રસ્તા, અજીત મિલ ચાર રસ્તા, શ્યામ શિખર ચાર રસ્તા, ગરીબનગર ચાર રસ્તા, ખોડિયાર નગર ચાર રસ્તા, કાંગારૂ સર્કલ (ખોખરા), ગોવિંદવાડી ચાર રસ્તા, હીરાભાઈ ટાવર ચાર રસ્તા, અવકાર હોલ, જવાહર ચોક, ભૈરવનાથ ચાર રસ્તા, વૈકુંઠધામ મંદિર ચાર રસ્તા, પીરકમલ ચાર રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા, પુષ્પકુંજ ચાર રસ્તા, કાગડાપીઠ ટી, ભૂલાભાઈ ચાર રસ્તા, ચાંદખેડા ચાર રસ્તા, જનપથ ટી, અચેર ચાર રસ્તા, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ, ગોદરેજ ગાર્ડન સિટી,ર્ ંદ્ગય્ઝ્ર કટ ચાર રસ્તા, વિસત સર્કલ, દધિચી બ્રિજ સર્કલ, શાહપુર ચાર રસ્તા, ટાઉન હોલ પાંચ રસ્તા, વલ્લભ સદન રિવર ફ્રન્ટ, હરિહર આનંદ સકલ રિવરફ્રન્ટ, નહેરુ બ્રિજ રસ્તા, એક્સાઇઝ ચોકી, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, જાજરમાન ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, બાગબાન ચાર રસ્તા, બજરંગ ચાર રસ્તા, સિલ્વર રેસિડેન્સી ચાર રસ્તા, સાણંદ સર્કલ અને ગિરીશ ચાર રસ્તા.

