Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ૪૫ દિવસ માટે યુદ્ધ વિરામ લંબાયું

ગાઝામાં હમાસનો સૈન્ય પ્રમુખ ઠાર

હિઝબુલ્લાહના પ્રભુત્વવાળા દક્ષિણ લેબનોન વિસ્તારમાં ઈઝરાયલી સૈનિકો અને ઇસ્લામી લડવૈયાઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અને સૈન્ય કાર્યવાહી હજુ પણ અટકી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
જેરૂસલેમ, તા.૧૬ મે ૨૦૨૬ — મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ અમેરિકાની મધ્યસ્થીથી ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેનો યુદ્ધવિરામ વધુ ૪૫ દિવસ માટે લંબાવવા પર સહમતિ સધાી છે. તો બીજી તરફ, ગાઝા મોરચે ઈઝરાયલી સૈન્યને મોટી સફળતા મળી છે. શુક્રવારે કરાયેલા એક હવાઈ હુમલામાં ઈઝરાયલે હમાસના લશ્કરી પાંખના વડા ઇઝ અલ-દિન અલ-હદ્દાદને ઠાર કર્યો છે.અહેવાલો અનુસાર, ઈઝરાયલી વાયુસેનાએ ગાઝા શહેરમાં એક ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. ઈઝરાયલી ફાઈટર જેટ્‌સે ગાઝાના એક એપાર્ટમેન્ટ અને કારને નિશાન બનાવીને બોમ્બમારો કર્યો હતો. હદ્દાદ જે કારમાં સવાર હતો તેને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં હદ્દાદ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ૨૦ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.મે ૨૦૨૫માં મુહમ્મદ સિનવારની હત્યા થયા બાદ ઇઝ અલ-દિન અલ-હદ્દાદે હમાસની લશ્કરી પાંખની કમાન સંભાળી હતી. તે હમાસના સૌથી વરિષ્ઠ અને કટ્ટર કમાન્ડરોમાંનો એક હતો, જેણે સાતમી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ઈઝરાયલ પર થયેલા આતંકી હુમલામાં મુખ્ય અને સક્રિય ભૂમિકા ભજવી હતી.આ સફળતા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘હદ્દાદ અસંખ્ય ઈઝરાયલી નાગરિકોની હત્યામાં સીધો સામેલ હતો, અને આખરે તેને તેના પાપની સજા આપીને ખતમ કરી દેવામાં આવ્યો છે.’સોદાની મધ્યસ્થી કરી રહેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (અમેરિકાના વિદેશ મંત્રાલય)ના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ અને લેબેનોન યુદ્ધવિરામની મુદતને વધુ ૪૫ દિવસ માટે લંબાવવા સંમત થયા છે. આ નિર્ણયથી સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને મોટી રાહત મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.જોકે, અમેરિકાની મધ્યસ્થી હેઠળ જાહેર કરાયેલા આ યુદ્ધવિરામ છતાં જમીની હકીકત અલગ જોવા મળી રહી છે. લેબેનોનમાં ઈઝરાયલી સૈન્યના હુમલા ચાલુ રહ્યા છે.

હિઝબુલ્લાહના પ્રભુત્વવાળા દક્ષિણ લેબનોન વિસ્તારમાં ઈઝરાયલી સૈનિકો અને ઇસ્લામી લડવૈયાઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અને સૈન્ય કાર્યવાહી હજુ પણ અટકી નથી.રાજકીય વિશ્લેષકોના મતે, લેબેનોન સરહદે યુદ્ધવિરામ લંબાવાયો હોવા છતાં ગાઝામાં હમાસના ટોચના કમાન્ડરના મોતના પગલે આગામી દિવસોમાં ગાઝા પટ્ટીમાં હિંસા અને તણાવ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી સંભાવના છે.

Related posts

ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા

Master Admin

યુદ્ધના કારણે વિશ્વભરમાં હાહાકાર, ૯ દેશોમાં પેટ્રોલ-ગેસ સંકટ અને મોંઘવારીનો ડર

Master Admin

મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે મોદીની શાંતિ અને સંવાદની અપીલ

Master Admin

Leave a Comment

Translate »