Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીએ વધારે રહેવા વકી

કેસરના રસિયાઓ માટે માઠા સમાચાર!

બદલાતું વાતાવરણ કેરીના પાકને અનુકૂળ સાબિત થઈ રહ્યું નથી આંબામાં વર્ષભરની માવજત બાદ ૧૫થી ૨૫ મણ સુધી ઉતારો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર, તા.૧૨ માર્ચ ૨૦૨૬ — ઉનાળાની ઋતુ અને કેસર કેરી… આ બંનેનો સંબંધ જાણે એકબીજા વગર અધૂરો છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કેસર કેરીના પાક પર વાતાવરણનો માઠો પ્રભાવ પડતો જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના સોસિયા, મહુવા અને ઘોઘા પંથક સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો વર્ષોથી આંબાની ખેતી કરી રહ્યા છે.
સામાન્ય રીતે આંબામાં વહેલો મોર બેસે અને ત્યારબાદ નાની નાની કેરીઓ આવવાની શરૂઆત થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત આવતા ફેરફારોને કારણે આંબામાં પૂરતો મોર બેસ્યો નથી. બીજી તરફ અનેક આંબામાં નવા પાન અને ડાળીઓ ફૂટી નીકળતા ખેડૂતોમાં ચિંતા વધી છે.

જ્યારે આંબામાં નવા પાન અને ડાળીઓ આવે છે ત્યારે આંબાનું પોષણ ત્યાં જ ખર્ચાઈ જાય છે. જેના કારણે મોર પૂરતો બેસતો નથી અને જ્યાં મોર બેસ્યો છે ત્યાં આવેલી નાની કેરીઓ પણ ખરી પડવાની ભીતિ છે.

હાલની ડબલ ઋતુ પણ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ જ્યારે દિવસે વધતી ગરમી. આ બદલાતું વાતાવરણ કેરીના પાક માટે અનુકૂળ સાબિત થઈ રહ્યું નથી. સામાન્ય રીતે એક આંબામાં વર્ષભરની માવજત બાદ ૧૫થી ૨૫ મણ સુધી કેરીનો ઉતારો મળતો હોય છે. પરંતુ હાલની સ્થિતિ જોતા આ વર્ષે માત્ર ૫ મણ જેટલો ઉતારો રહેવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જો ઉત્પાદન ઘટશે તો તેની સીધી અસર બજારમાં પણ જોવા મળી શકે છે. એટલે કે કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીએ વધારે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ ખેડૂતો માટે આ પરિસ્થિતિ આર્થિક નુકસાનની ચિંતા ઉભી કરી રહી છે. તો બીજી તરફ કેસર કેરીના સ્વાદના શોખીનો માટે પણ આ વર્ષે કેરી મોંઘી પડવાની સંભાવના છે. બદલાતા વાતાવરણની અસર હવે ખેતી અને ખેડૂતોની આવક પર સીધી જોવા મળી રહી છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો કેસર કેરીનું ઉત્પાદન વધુ ઘટી શકે છે.

Related posts

ગુજરાતમાં ’SIR’ વિવાદઃ ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-૭ પાછા લેવા પડ્યા

Master Admin

ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર કર્યા

Master Admin

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરને લઈને ગુજરાત સરકાર એલર્ટ

Master Admin

Leave a Comment

Translate »