Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો

૧૫ મહાનગરપાલિકાઓ સજ્જ, કોંગ્રેસે પણ કસી કમર

૧૫ મહાનગરપાલિકામાં ચૂંટણીઓ યોજાશે : તમામ મહાનગરપાલિકામાં ચૂંટણી અધિકારીને કરાઈ નિયુક્તિ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ પણ આ વખતે એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે.
આ વખતે રાજ્યના નાના-મોટા મુખ્ય શહેરોમાં ચૂંટણીનો જંગ જામશે. જેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર, કરમસદ-આણંદ, ગાંધીધામ, નડિયાદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપીનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચ દ્વારા પારદર્શી અને સુચારુ મતદાન માટે વહીવટી માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે.

આ પ્રક્રિયાની મુખ્ય વિગતોની વાત કરીએ તો તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. મુખ્ય અધિકારીઓને સહાયરૂપ થવા માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. વહીવટી સરળતા ખાતર પ્રત્યેક બે અથવા ત્રણ વોર્ડ દીઠ એક ચૂંટણી અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે, જેથી સ્થાનિક સ્તરે મોનિટરિંગ મજબૂત બની શકે.

સત્તાધારી પક્ષને ટક્કર આપવા માટે કોંગ્રેસે અત્યારથી જ પાયાનું કામ શરૂ કરી દીધું છે. કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ માટે પક્ષ દ્વારા ખાસ રણનીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસે દરેક જિલ્લામાં ખાસ ચૂંટણી સમિતિઓની રચના કરી છે. જિલ્લા ચૂંટણી સમિતિ સ્થાનિક સ્તરે મજબૂત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરશે.

વોર્ડ વાઇઝ અને બેઠક વાઇઝ દાવેદારો પાસેથી નામ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. દાવેદારો પોતાના નામ જિલ્લા સમિતિ સમક્ષ રજૂ કરી શકશે. જિલ્લા સમિતિ સ્થાનિક સ્તરે નામો પર વિચાર-વિમર્શ કરી પેનલ બનાવશે અને ત્યારબાદ આ નામોની યાદી પ્રદેશ ચૂંટણી સમિતિને આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે.

નોંધનીય છે કે એક બાજુ તંત્ર ચૂંટણી માટે મશીનરી ગોઠવી રહ્યું છે, તો બીજી તરફ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને ૧૫ મહાનગરપાલિકાઓના જંગમાં આ વખતે કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેશે.

Related posts

લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાન કરવા પૂનમબેન માડમની ખાસ અપીલ  

Reporter1

ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. ૬૫,૧૦૦, આવક કરતા અઢી ગણું દેવું

Master Admin

બોટાદ : AAP ના નેતા પ્રવીણ મકવાણા પર જીવલેણ હુમલો

Master Admin

Leave a Comment

Translate »