Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ટ્રમ્પના આકરા નિર્ણયથી ભારત અને ચીનના વિદ્યાર્થીઓને મોટો ઝટકો

અમેરિકા જવાના સપના પર પાણી ફર્યું?

ભારત અને ચીનના નાગરિકોને જાહેર કરવામાં આવતા વિઝાની સંખ્યામાં લગભગ ૮૪,૦૦૦નો ઘટાડો થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૩ માર્ચ ૨૦૨૬ — અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિઝા નીતિઓ કડક બનાવવામાં આવતા કાયદેસરના ઈમિગ્રેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ આઠ મહિનાના આંકડાઓ મુજબ, ભારત અને ચીન જેવા દેશો આ ફેરફારોથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ’ધ વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન અગાઉના વર્ષની સરખામણીએ અંદાજે ૨.૫૦ લાખ ઓછા વિઝા જાહેર કરવામાં આવ્યા છે, જે કુલ સ્વીકૃતિમાં ૧૧%નો ઘટાડો દર્શાવે છે. આ ઘટાડાની અસર માત્ર કામદારો કે પ્રવાસીઓ પર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને અમેરિકન નાગરિકોના પરિવારજનો પર પણ પડી છે.

અહેવાલ મુજબ, ભારત અને ચીનના નાગરિકોને જાહેર કરવામાં આવતા વિઝાની સંખ્યામાં લગભગ ૮૪,૦૦૦નો ઘટાડો થયો છે. આમાં સૌથી વધુ નુકસાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને થયું છે, જેમના વિઝામાં ૩૦%થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, ગ્રીન કાર્ડ (કાયમી રહેઠાણ)ની પ્રક્રિયા પણ ધીમી પડી છે, ખાસ કરીને અફઘાનિસ્તાન અને ઈરાક જેવા દેશોના કામદારો માટે મુશ્કેલીઓ વધી છે.

ઘટાડા પાછળના મુખ્ય કારણો
વિશ્લેષકો આ ઘટાડા પાછળ નીતિગત અને વહીવટી ફેરફારોને જવાબદાર ગણાવી રહ્યા છે.
કડક તપાસઃ સોશિયલ મીડિયાની તપાસ સહિત વિસ્તૃત સુરક્ષા ચકાસણી અને ૧૯ દેશો પરના મુસાફરી પ્રતિબંધો.
ઇન્ટરવ્યૂ પર રોકઃ વિદ્યાર્થી વિઝાના ઇન્ટરવ્યૂ પર કામચલાઉ પ્રતિબંધ.
સ્ટાફની અછતઃ વિદેશ વિભાગમાં કર્મચારીઓની છટણીને કારણે વિઝા પ્રોસેસિંગની ક્ષમતા ઘટી છે, જેનાથી વેઇટિંગ પિરિયડ લાંબો થયો છે. ટ્રમ્પ પ્રશાસને આ નીતિનો બચાવ કરતા જણાવ્યું છે કે વિઝા એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્રમુખ ટ્રમ્પ માટે અમેરિકન નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે અને તેઓ કોઈપણ તપાસ વગર વિદેશી નાગરિકોના પ્રવેશને મંજૂરી આપવા તૈયાર નથી. બીજી તરફ, હાર્વર્ડ યુનિવર્સિટીના જેસન ફરમેન જેવા અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ઈમિગ્રેશન પરના આ પ્રતિબંધોથી અમેરિકન અર્થતંત્રના વિકાસ, નવીનતા અને ઉત્પાદકતાને લાંબાગાળે નુકસાન થઈ શકે છે.

Related posts

ટ્રમ્પે ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા ૧૦ દિવસ અટકાવ્યાં

Master Admin

ભારતને યુરેનિયમનો ભંડાર આપશે કઝાકિસ્તાન, ચીન સ્તબ્ધ

Master Admin

અમેરિકા હવે ઈરાન સામેનું યુદ્ધ સમેટી લેવા માગે છે?

Master Admin

Leave a Comment

Translate »