Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

તૃણમૂલના ૨૦ સાંસદ અને ૫૦ ધારાસભ્ય પક્ષપલટાની તૈયારીમાં

દિગ્ગજ નેતાના દાવાથી રાજકીય ગરમાવો

મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ હવે પોતાના જ નેતાઓના આંતરિક અસંતોષનો સામનો કરી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૨૭ મે ૨૦૨૬ — પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (તૃણમૂલ) હવે પોતાના જ નેતાઓના આંતરિક અસંતોષનો સામનો કરી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બાંકુડાના સાંસદ સૌમિત્ર ખાને એક એવો દાવો કર્યો છે, જેનાથી બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌમિત્ર ખાને દાવો કર્યો છે કે, તૃણમૂલના આશરે ૫૦ ધારાસભ્યો અને ૨૦ સાંસદો પોતાની પાર્ટીથી નારાજ છે અને ભાજપમાં આવવા માટે તૈયાર બેઠા છે. સૌમિત્ર ખાને જણાવ્યું કે, આ તમામ નેતાઓ ભાજપના હાઈકમાન્ડના સંપર્કમાં છે. તેમણે આક્રમક અંદાજમાં કહ્યું, “જો ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એકવાર લીલી ઝંડી આપી દે, તો બંગાળમાં તૃણમૂલ નામની કોઈ પાર્ટી જ નહીં બચે. દરેક વ્યક્તિ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.

સાંસદ સૌમિત્ર ખાને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનરજી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમને પાપી ગણાવતા ખાને કહ્યું કે, “પાપીઓએ જેલમાં જવું જ પડે છે અને તેમને તાત્કાલિક પરિણામ ભોગવવા પડે છે. વર્ષ ૨૦૨૧ માં અભિષેક બેનરજીએ ભાજપના કાર્યકરોના ઘર તોડાવ્યા હતા, પરંતુ આજે તેના જ ઘરની સામે બુલડોઝર ઊભું છે. આવા લોકોને નરકમાં જવું જોઈએ.”

ભાજપના સાંસદનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે બંગાળમાં તૃણમૂલ પોતાના જ નેતાઓની નારાજગીથી ઝઝૂમી રહી છે. એક દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની વહીવટી બેઠકમાં બારાસાતના (બારાપોર) તૃણમૂલ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર અને તૃણમૂલના ૬ ધારાસભ્યો પહોંચ્યા હતા.

કાકોલી ઘોષને તાજેતરમાં જ તૃણમૂલ એ લોકસભામાં ચીફ વ્હીપના પદેથી હટાવી દીધા હતા, ત્યારબાદ કેન્દ્ર સરકારે તેમને તાત્કાલિક ’રૂ’ કેટેગરીની સુરક્ષા આપી દીધી હતી. આ ઘટનાક્રમ બાદથી જ તેઓ પક્ષપલટો કરશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે.

બંગાળમાં લોકસભાની કુલ ૪૨ બેઠકો છે. ૨૦૨૪ની ચૂંટણીમાં તૃણમૂલ ને ૨૯ અને ભાજપને ૧૨ બેઠકો મળી હતી (જ્યારે કોંગ્રેસને ૧ બેઠક મળી હતી). જો સૌમિત્ર ખાનનો ૨૦ સાંસદોનો દાવો સાચો પડે, તો કાનૂની રીતે સાંસદોનું સભ્યપદ બચી શકે છે. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્યતાથી બચવા માટે સંસદીય પક્ષના ઓછામાં ઓછા બે-તૃતીયાંશ સભ્યો પક્ષ છોડે તે જરૂરી છે. તૃણમૂલ ના ૨૯ સાંસદોમાંથી ૨૦ સાંસદો પક્ષ છોડે તો તેમની સામે કાયદાકીય આંચકો નહીં આવે.

બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગત રોયે સૌમિત્ર ખાનના આ તમામ દાવાઓને સદંતર ખોટા ગણાવ્યા છે. સૌગત રોયે કહ્યું કે, “આ વાત સંપૂર્ણપણે ખોટી છે. સૌમિત્ર ખાન અને ભાજપ માત્ર અફવાઓ ફેલાવી રહ્યા છે. બંગાળમાં આવું કશું જ થવાનું નથી. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં તૃણમૂલ ના અનેક સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાથી બંગાળમાં ઓલ ઈઝ નોટ વેલ હોવાના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

Related posts

WHOએ ઈબોલા વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી

Master Admin

AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો થયો

Master Admin

ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ માત્ર વેપાર બની ગયું : મદ્રાસ હાઇકોર્ટ

Master Admin

Leave a Comment

Translate »