તલગાજરડી ભાવાવરણમાં રસભૂમિ અને રાસભૂમિ બની કથાભૂમિ.
આ જગતમાં સંઘર્ષ નહીં,કોઈના સંસ્પર્શ ની જરૂર છે*
બુદ્ધિની આંખે બધું નથી દેખાતું,બુદ્ધની આંખે નિહાળવું જોઈએ.
પદવાક્યો માટે,નરસિંહને થયેલા સાક્ષાત્કાર માટે મહિમા છે;ચમત્કાર માટે નહીં.
નરસિંહને ગોપનાથ અને ગોપીનાથ બંનેનઅહીં મળ્યા.
બિસ્વનાથ મમ નાથ પુરારી;
ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી
નાથ કૃપાં અબ ગયઉ બિષાદા;
સુખી ભયઉં પ્રભુ ચરન પ્રસાદા
-બાલકાંડ
આધ્યાત્મિક ચેતનાનું સુવર્ણ પૃષ્ઠ અને કવિતાનું ઉન્નત શિખર એવા કવિ નરસિંહ મહેતાની જન્મભૂમિ જ્યાં કવિ ‘કાન્ત’ને શબ્દ સાક્ષાતકાર થયો અને એણે ‘સાગર અને શશી’ની રચના કરી એવા ગોપનાથની ભૂમિ ઉપર મોરારિબાપુનાં શ્રીમુખે પહેલા દિવસની કથાનાં આરંભે સંતો-મહંતો,બ્રહ્મચારી આશ્રમના ગાદીપતિ શ્રી સીતારામ બાપુ,મહંતશ્રી જગ્યાનાં આત્માનંદ સરસ્વતી તેમજ નેક નામદાર ઓફ મહારાણી સાહેબા ઓફ ભાવનગર-સંયુક્તા કુમારી બા અને કુમારીજી ઉપરાંત નાયબ કલેકટર જયદીપસિંહજીનાં હસ્તે આરંભે દીપ પ્રાગટ્ય થયું. આયોજન વખતે બાપુએ પ્રતીતિપૂર્વક કહેલું કે આ કથાનાં મુખ્ય યજમાન નરસિંહ મહેતા છે પરંતુ અહીં નિમિત માત્ર યજમાન-મનોરથી રમાનાથ બાજોરિયા સુબોધય અને અભ્યૂદય બાજોરિયા પરિવાર છે.
આ ભૂમિ પર જાણે રામ,કૃષ્ણ અને શિવજીનો ત્રિવેણી સંગમ રચાતો હોય એમ સીતારામ બાપુએ ૧૯૯૨માં અહીં રચાયેલા સ્મારક ટ્રસ્ટની સાર્થકતા તેમજ ૫૯૪માં વર્ષે ફરી જાણે નરસિંહ ગોપનાથમાં રામકથા માટે બાપુ પ્રેરિત કરતા હોય સોમનાથ અને ગોપનાથમાં હરિ-હર છે એવા શબ્દભાવ બાદ,
બાપુએ આરંભ કરતા કહ્યું ભગવાન,ઈશ્વર,પરમાત્મા ઇશ,બ્રહ્મ,પરબ્રહ્મ એવા ગોપનાથની કૃપાથી આજે નરસિંહ મહેતાની સાક્ષાતકાર ભૂમિ ઉપર રામકથાનો આરંભ થઈ રહ્યો છે.અહીંની પ્રગટ-અપ્રગટ ચેતનાઓને પ્રણામ કરીને ભાવનગર રાજવી પરિવારના સદભાવ પૂર્ણ સહયોગને યાદ કરીને જણાવ્યું કે ભાવનગર ઠાકોર કાન્ત,બ.ક.ઠાકર વગેરેને શરદપૂર્ણિમા ઉપર ભેગા કરતા.પૂણ્ય શ્લોક રાજવી કૃષ્ણકુમારસિંહજીનું દર્શન મેં પણ કરેલું. ગોપનાથમાં કથા મનોરથ એટલા માટે પણ થયો કે હું સાવ નાનો,સાત-આઠ વર્ષનો અને અહીં દર્શન કરવા આવતો.દરિયાકાંઠે એક સિદ્ધ મહાપુરુષ બેસતા, તેમના દર્શન કર્યા ત્યારથી એવો ભાવ કે ક્યારેક ગાવાનો અવસર મળે.ત્યારે તો હું કથા ભણતો હતો. પણ વાયા વૃંદાવન થઈને કૈલાશ પધારેલા રમાનાથ બાજોરીયા,ને વાયા ચિત્રકૂટ થઈને સુબોધય કૈલાસવાસી થયો.પ્રજ્ઞાબેન,મીના,નૌમી અને અભ્યૂદય દ્વારા આ મનોરથ આગળ વધ્યો.
જલારામ બાપાનો પરિવાર,આજે ભરતભાઈ તેમજ ચીમનભાઈ વગેરેનાં પ્રયાસ-સહકાર તરફ પ્રસન્નતા વ્યક્ત કરી.
જવાહર બક્ષીએ નોંધ્યું છે કે પદવાક્યો માટે, નરસિંહને થયેલા સાક્ષાત્કાર માટે મહિમા છે, ચમત્કાર માટે નહીં.નરસિંહને ગોપનાથ અને ગોપીનાથ મળ્યા એ આ ભૂમિ છે.નરસિંહ મહેતાનાં અનેક ચમત્કારો પણ અહીં જોડાયેલા છે,વિદ્વાનો ચમત્કારોને ન સ્વિકારે.પણ એમણે ખુદ લખ્યું છે કે તળાજા ગામમાં જન્મ થયો.અનેક જન્મો પછી ભગવત પ્રાપ્તિ થાય એને બદલે નરસિંહને આ ભૂમિમાં સાત દિવસમાં હરિ અને હરની પ્રાપ્તિ થઈ. ઘણા વર્ષો પહેલા નરસિંહ મહેતા વ્યાખ્યાન માળા ચાલતી.એ બંધ થઈ,રુપાયતન સંસ્થા દ્વારા હેમંત નાણાવટી વગેરેએ ફરી ચાલુ કરી ત્યારે પહેલું વ્યાખ્યાન નરસિંહ મહેતા વિશેનું મારા ભાગે આવેલું. કથાની ભૂમિકા સમજાવીને કહ્યું કે બંને પંક્તિઓ બાલકાંડમાંથી લીધેલી છે.જ્યાં ગોપનાથ ને બદલે વિશ્વનાથ શબ્દ મળે છે.નાથ વગર આપણે અનાથ છીએ.ગ્રંથ માહત્મ્યમાં વાલ્મિકીએ મૂળ રામાયણની રચના કરી.એ આદિ કવિ.નરસિંહ આપણા ગુજરાતના આદ્ય કવિ.પરંતુ તેમના પ્રકરણોને કાંડ શબ્દ આપ્યો.આપણે અનેક કાંડોથી ટેવાઈ ગયા છીએ.એ પહેલા અનાદિ કવિ શિવજીએ રામાયણ રચીને પોતાના હૃદય માનસમાં રાખ્યું.
રામચરિત માનસની સાત સોપાનોની સીડી તુલસીએ બતાવી.કરપાત્રીજી મહારાજે સુંદર અર્થ આપતા કહ્યું કે બાલકાંડ એ સંકલ્પનો કાંડ,અયોધ્યાકાંડ સંસ્મરણોનો,અરણ્યકાંડ સંતૃપ્તિનો કાંડ,કિષ્કિંધા કાંડ સંરક્ષણનો,સુંદરકાંડ સંતપ્તિ- ખૂબ તપે એવો, લંકાકાંડ સંઘર્ષનો અને ઉત્તરકાંડ સંસ્પર્શનો કાંડ છે. આ જગતમાં સંઘર્ષ નહીં,કોઈના સંસ્પર્શ ની જરૂર છે બુદ્ધિની આંખે બધું નથી દેખાતું બુદ્ધની આંખે નિહાળવું જોઈએ.
સાત સોપાનો,સાત શ્લોકો,એ પછી લોકબોલીમાં વંદના પ્રકરણમાં ગુરુવંદના અને અંતે હનુમંત વંદના કરી આજની કથાને વિરામ અપાયો.
*Box*
*દિલ દરિયો-દરિયો,બાગ-બાગ કરી દેતું ઐતિહાસિક,ધાર્મિક-અધ્યાત્મિક,ભાવનાત્મક ગોપનાથ*
માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રમાં દંતકથાઓથી ભરેલી વિશિષ્ટ ભૂમિ એટલે ગોપનાથ.
*મનોજ ખંડેરીયા લખે છે:*
*પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને;*
*આ હાથ આખે-આખો બળે એમ પણ બને!*
નરસિંહ મહેતાનાં પુરાકલ્પન પર આધારિત આ શેર જે નરસૈયાએ ગુજરાતી ભાષા સાહિત્યમાં આદ્ય કવિની ઉપમા મેળવેલી છે એમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં,અને એ તળાજાથી ગોપનાથની ભૂમિ એકદમ નજીક!
તળાજા એભલવાળાની વીરભૂમિ.ભાભીએ મેણું માર્યું અને નરસિંહને લાગી આવ્યું.આથી ગોપનાથના દરિયા કિનારે શિવને ભજવા માટે દોડ્યા.
કહેવાય છે શિવ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું તો નરસિંહ મહેતાએ કહે:તમને પ્રિય હોય તે આપો!શિવ કહે મને પ્રિય કૃષ્ણની રાસલીલા છે.
પછી શિવ એમને રાસલીલા નિહાળવા લઈ જાય છે અને હાથમાં મશાલ પકડીને ઉભેલો નરસૈંયો રાસલીલામાં એટલો તલ્લીન થઈ જાય છે કે એનો હાથ આખે-આખો બની જાય છે-એ ભૂમિ એટલે ગોપનાથના દરિયા કિનારાની માટી.
કહેવાય છે કે ગોપનાથમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો દ્વારા તેનું નિર્માણ થયું છે એવું ગોપનાથ મહાદેવનું મંદિર છે.શિવનું પૂજન અર્ચન પણ પાંડવોએ કર્યું હતું અને કોઈ રસ્તો ન સુઝતા મહાદેવના દર્શન પછી એની મૂંઝવણ દૂર થઈ હતી. એક કથા એવી પણ છે કે સ્વયં દરિયો રોજ મહાદેવને વિનંતી કરતો કે આપના નિત્ય દર્શન આપવા આપ અહીં બિરાજો.એક દિવસ શિવ પ્રસન્ન થયા દરિયાની વિનંતી સ્વિકારી અને એની વિધિવત સ્થાપના ઇસ ૧૮૭૯માં થઈ હતી.૧૯૮૧નાં ઓગસ્ટ મહિનામાં મંદિરનું સુંદર પ્રવેશદ્વાર પણ બનાવાયું છે. અહીં એવું કહેવાય છે કે મધ્યરાત્રિએ મંદિરનાં દરવાજા પાસે દરિયામાંથી આવતા નાદ આપણને અલૌકિક અનુભૂતિ કરાવે છે.
ગોપનાથમાં ભાવનગર રાજ્ય દ્વારા ઐતિહાસિક દીવાદાંડી પણ બનાવાઈ હતી.અહીં આવેલી દીવાદાંડીની નજીક ભાવનગરનાં રાજવીઓએ બનાવેલો ગોપનાથનો બંગલો પણ આવેલો છે.
દરિયા કિનારે આવેલા ગોપનાથ મહાદેવના દર્શનથી દરિયા દિલી આવે છે અને દિલ દરિયો-દરિયો,બાગ બાગ બની જાય છે.