લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઈતિહાસ મળ્યો
પર્સીવરન્સે સપાટીથી ૧૧૫ ફીટ ઊંડે ડેલટાની શોધ કરતા અહીં જીવનની સંભાવના વિશે વધુ જાણકારી મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ માર્ચ ૨૦૨૬ — નાસાના પર્સીવરન્સ રોવરે મંગળ પર સપાટી નીચે ઊંડે સુધી દટાયેલી સૌથી જૂની નદીની સીસ્ટમ પૈકી એકના નક્કર પુરાવા શોધી કાઢ્યા છે. આ શોધથી લાંબો સમય સુધી રાખવામાં આવેલી માન્યતાને બળ મળે છે કે મંગળ પર એક સમયે પુષ્કળ પાણી હતું. જીવન માટે પાણી જરૂરી હોવાથી આવી શોધ એવી શક્યતા મજબૂત બનાવે છે કે લાલ ગ્રહ પર એક સમયે જીવન અસ્તિત્વમાં હોઈ શકે.
૨૦૨૦માં લોન્ચ થયેલા રોવરે જેઝેરો ક્રેટર તરીકે ઓળખાતા જે વિસ્તારમાં શોધ કરી ત્યાં એક સમયે તળાવ હોવાનું માનવામાં આવે છે. લગભગ ૬.૧ કિલોમીટર ચાલીને પર્સીવરન્સે મંગળની જમીનના વિશ્લેષણ માટે આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો. આ મિશન હવે સૂક્ષ્મજીવી જીવન માટે અનુકૂળ હોય તેવા પ્રાચીન વાતાવરણોના સંકેતો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આ શોધ માટે જમીન-ભેદી રડાર સીસ્ટમ રિમફેક્સ નામનું ઉપકરણ મહત્વનું સાબિત થયું છે. આ ઉપકરણ જમીનની નીચે ઊર્જાના તરંગો મોેકલે છે અને તેના પડઘાનું વિશ્લેષણ કરીને જમીનની નીચેની સંરચનાઓનો નક્શો બનાવે છે. આ ટેકનીકના ઉપયોગથી વિજ્ઞાાનીઓએ ૧૧૫ ફીટ નીચે ઊંડાણમાં દબાયેલી ભૂવૈજ્ઞાાનિક સંરચનાઓની શોધ કરી, જેમાં એવી વિશેષતા ઉજાગર થઈ છે જે સપાટીથી નજરમાં નથી આવતી.
રોવરે નદીના ડેલટાની લાક્ષણિક સ્તરીય કાંપ અને ક્ષીણ થયેલી રચનાઓ ઓળખી કાઢી. નદી ડેલટા એક એવી આકૃતિ છે જ્યાં નદીઓ મોટા જળાશયને મળે છે. આ દટાયેલો ડેલટા ૩.૭થી ૪.૨ અબજ વર્ષ જૂનો હોવાનો અંદાજ છે, જે તેને મંગળ પરના સૌથી પ્રાચીન પાણી સંબંધિત રચનામાંનો એક બનાવે છે. તેનું અસ્તિત્વ સૂચવે છે કે મંગળ પર પાણી અગાઉ માનવામાં આવતા કરતા લાંબા સમય સુધી ટકી રહ્યું હતું.
વિજ્ઞાાનીઓ ખાસ કરીને એટલા માટે ઉત્સાહિત છે કારણ કે આવી સૂક્ષ્મ સ્તરીય ભૂગર્ભ થાપણો પ્રાચીન જીવના નિશાનો (બાયોસિગ્નેચર) જાળવી શકે છે. ૨૫૦થી વધુ મંગળ દિવસમાં એકત્રિત કરવામાં આવેલા ડાટાએ ગ્રહની પેટા-સપાટીનું અત્યાર સુધીનું સૌથી ગાઢ સ્કેન પૂરુ કર્યું છે. નિષ્ણાંતો માને છે કે આ સફળતા ગ્રહોના સંશોધનમાં રડાર ટેકનોલોજીના મહત્વને ઉજાગર કરે છે અને તેનાથી મંગળ પર જીવનની સંભાવના સમજવામાં મદદ કરશે.

