તંત્રીની કલમે….
નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું કેન્દ્રીય બજેટ ભારતને ’વિકસિત ભારત’ તરફ લઈ જવાની દિશામાં એક મક્કમ ડગલું સાબિત થઈ રહ્યું છે. આ બજેટમાં સરકારે રાજકોષીય ખાધને ૪.૩% સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્યાંક રાખીને આર્થિક શિસ્ત જાળવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રૂ ૧૨.૨ લાખ કરોડનો જંગી મૂડીખર્ચ કરવાની જાહેરાત દર્શાવે છે કે સરકાર લાંબા ગાળાના આર્થિક વિકાસ માટે મક્કમ છે. સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડર અને દરિયાકાંઠાના ઔદ્યોગિક વિસ્તારોનો વિકાસ કરવાથી પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે જેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળશે. કુલ બજેટનું કદ રૂ ૫૩.૫ લાખ કરોડ અંદાજવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભારત વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે પણ પોતાની આંતરિક શક્તિના જોરે આગળ વધી રહ્યું છે.
મધ્યમ વર્ગ માટે આ બજેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, જેની આશા ઘણા નોકરિયાત વર્ગને હતી. જોકે, નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ રૂ ૧૨ લાખ સુધીની આવક પર અસરકારક રીતે કોઈ વેરો ન લાગે તેવી સ્થિતિ સર્જવા માટેના પ્રયાસો થયા છે. મધ્યમ વર્ગના પરિવારો માટે મોટી રાહતની વાત એ છે કે શિક્ષણ અને મેડિકલ ખર્ચ માટે વિદેશમાં નાણાં મોકલવા પરના ટીસીએસ (્ઝ્રજી) દરને ૫% થી ઘટાડીને ૨% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્સરની ૧૭ જેટલી દવાઓ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે અને ૧ લાખ જેટલા સહાયક આરોગ્ય વ્યવસાયિકોને તાલીમ આપવાની યોજનાથી ભવિષ્યમાં આરોગ્ય સેવાઓ સસ્તી અને સુલભ બનશે. નવા ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫નો અમલ ૧ એપ્રિલ, ૨૦૨૬થી કરવાની જાહેરાત કરવેરા પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવશે.
ઉદ્યોગો અને લઘુ-મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે આ બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ભારત સેમિકન્ડક્ટર મિશન ૨.૦ અને ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદન માટેની યોજનાનો આઉટલે વધારીને રૂ ૪૦,૦૦૦ કરોડ કરવામાં આવ્યો છે, જે ’મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને નવી ઉંચાઈએ લઈ જશે. એમએસએમઈ એકમો માટે ક્રેડિટ ગેરંટી કવર રૂ ૫ કરોડથી વધારીને રૂ ૧૦ કરોડ કરવામાં આવ્યું છે, જેનાથી આગામી પાંચ વર્ષમાં રૂ ૧.૫ લાખ કરોડનું વધારાનું ધિરાણ ઉપલબ્ધ થશે. ચામડા અને કાપડ ઉદ્યોગમાં વપરાતા કાચા માલ પરની ડ્યુટીમાં રાહત આપીને સરકારે નિકાસલક્ષી ઉદ્યોગોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય કન્ટેનર ઉત્પાદન માટે રૂ ૧૦,૦૦૦ કરોડની સહાયની જાહેરાત ભારતને લોજિસ્ટિક્સ હબ બનાવવાની દિશામાં મહત્વની છે.
રોકાણકારો અને શેરબજાર માટે બજેટના દિવસે થોડા આંચકાજનક સમાચાર આવ્યા છે. નાણામંત્રીએ ફ્યુચર્સ અને ઓપ્શન્સપરના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ માં વધારો કરવાની દરખાસ્ત કરી છે. ફ્યુચર્સ પર એસટીટી ૦.૦૨% થી વધારીને ૦.૦૫% અને ઓપ્શન્સ પ્રીમિયમ પર ૦.૧૦% થી વધારીને ૦.૧૫% કરવામાં આવ્યો છે. આ પગલાથી ટૂંકા ગાળાના સટ્ટાખોરો પર લગામ કસાશે, પરંતુ બજારમાં તરલતા પર તેની શું અસર થાય છે તે જોવું રહ્યું. વધુમાં, શેર બાયબેક હવે શેરધારકો માટે કેપિટલ ગેઈન્સ તરીકે ટેક્સપાત્ર બનશે, જે ટેક્સ આર્બિટ્રેજ ઘટાડવા માટેનું પગલું છે. કોર્પોરેટ જગત માટે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ દર ૧૫% થી ઘટાડીને ૧૪% કરવો એ એક આવકારદાયક પગલું છે.
બજેટમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે લખપતિ દીદી યોજનાનો વ્યાપ વધારવાની વાત કરવામાં આવી છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં કામ કરશે. કૃષિ ક્ષેત્ર માટે ટેકનોલોજી અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. એકંદરે જોઈએ તો, નાણામંત્રીએ લોકપ્રિયતાના ટૂંકા ગાળાના ફાયદાઓ શોધવાને બદલે દેશના પાયાના માળખાને મજબૂત કરવા અને લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બજેટમાં વિજ્ઞાન, સંરક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપવામાં આવેલો ભાર ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
નરેન્દ્ર જોષી

