Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

બોપલના વકીલ સાહેબ બ્રિજ નીચે ખેલાયેલો ખૂની ખેલ

પૈસા મામલે મિત્રએ જ મિત્રને પતાવી દીધો!

એક આરોપીએ બે લાખ રૂપિયા મૃતકને આપ્યા બાદ ઉઘરાણીને લઈને માથાકૂટ થતાં હત્યા કરી હોવાનું સામે આવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: શહેરના બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે મંગળવારે રાત્રે એક યુવક લક્ઝરી બસમાં બેઠો હતો. તે સમયે તેને એક શખ્સે ફોન કરતા યુવકે તેને મળવા બોલાવ્યો હતો. આરોપી તેના સાગરિતો સાથે આવ્યો હતો અને યુવકને મૂઢ માર મારીને છરીથી હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું હતું. સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપીએ બે લાખ રૂપિયા મૃતકને આપ્યા બાદ ઉઘરાણીને લઈને માથાકૂટ થતાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મૂળ રાજસ્થાનનો ૨૫ વર્ષીય શિવા કલાસુઆ સાઉથ બોપલ એપલવુડ પાસે ભાડાની ઓરડીમાં રહેતો હતો. શિવા કલાસુઆ મંગળવારે રાત્રે બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે સ્ત્રી મિત્ર, સુરેશ અહારી તથા અનિલ ગામેતી સાથે સુરેશ અહારીની ટ્રાવેલ્સમાં બેઠા હતા. તે દરમિયાનમાં શિવાને કોઈ નારાયણ ઉર્ફે રાજકુમાર નામના વ્યક્તિએ ફોન કરતા શિવાએ તેને મળવા બોલાવ્યો હતો. ત્યારે નારાયણ રાજકુમાર નામનો વ્યક્તિ તેના સાગરિતોને લઈને બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે આવ્યો હતો. જેમાં સુનિલ ખુરકિયા નામનો યુવક પણ હતો.

આ તમામ લોકોએ શિવાને બહાર બોલાવીને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમયે સુનિલ ખોકરીયાએ તેની પાસેની છરી કાઢીને શિવાને એક પછી એક ઘા માર્યા હતા. જેથી શિવા બચવા માટે ભાગ્યો ત્યારે ત્યાં રોડની કિનારીએ જઈને પટકાયો હતો. તેની સાથેના લોકોએ દોડી આવીને શિવાને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

સરખેજ પોલીસને જાણ કરાયા બાદ પોલીસે સ્થળ પર પહોંચી હત્યાનો ગુનો નોંધીને સુનિલ ખુરકિયા અને જયેશ બાલાઇ નામના બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુનિલ ખુરકિયાએ દિવાળી સમયે મૃતકને બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. મૃતક શિવાએ તે રૂપિયા પરત ન આપતા આરોપી સુનિલ ઉઘરાણી કરતો હતો. તે દરમિયાનમાં મારામારી ઝપાઝપી થતાં આરોપીએ છરીથી શિવાની હત્યા કરી નાખી હતી.

આરોપી જયેશ પેલેડીયમ મોલમાં સાફ સફાઇનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેની સામે અગાઉ ત્રણ ગુના નોંઘાયેલા છે. ઉપરાંત મૃતક શિવા સામે પણ અગાઉ ચાર ગુના નોંઘાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Related posts

ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો જય શ્રી રામ બોલી ચાલતી પકડી

Master Admin

હયાત અમદાવાદ ખાતે આવેલી ‘મિસીસ મેજ’ રેસ્ટોરન્ટ, હયાત રીજન્સી દિલ્હીની ‘સિરાહ’ રેસ્ટોરન્ટના શેફ કરીમ સાથે લાવે છે લેવન્ટના સ્વાદિષ્ટ વ્યંજનો

Master Admin

ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના ૨૧૫ કેસ

Master Admin

Leave a Comment

Translate »