હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારત એક્શનમાં
આ અંગેની માહિતી ઈઝરાયલના વિદેશ મંત્રીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — મધ્ય પૂર્વ મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી કે આજે મંગળવારે બપોરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત થઈ, જેમાં પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને લઈને અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. બંને વચ્ચે પશ્ચિમ એશિયાની બગડતી સ્થિતિ, ખાસ કરીને ઈરાન, લેબનોન અને હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષાના પડકારો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગેની માહિતી ઈઝરાયલના વિદેશ મંત્રીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે.
ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિદિયોન સા’ર કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની સુરક્ષા માટે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવું અનિવાર્ય છે. ’ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે હંમેશની જેમ સુખદ વાતચીત થઈ. અમે ઈરાન, હોર્મુઝ સ્ટ્રેટ અને લેબનોન પર ચર્ચા કરી. મેં કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવા માટેની શરતો (ઈરાનમાં સંવર્ધન પર પ્રતિબંધ, સંવર્ધિત સામગ્રીને હટાવવી) પર વાતચીતમાં અમેરિકાનું સ્પષ્ટ વલણ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે જરૂરી છે.’
ગિદિયોન સા’રે જણાવ્યું કે, ઈરાન તરફથી જહાજ પરિવહનની સ્વતંત્રતામાં ઊભા કરવામાં આવી રહેલા અવરોધો વૈશ્વિક અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે એવી નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે,
જેનાથી ભારત અને ખાડી દેશો સહિત તમામ રાષ્ટ્રોના વેપારી જહાજો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. તેમણે લેબનોનની સ્થિતિ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાની બંદરો પર અમેરિકન નાકાબંધી પ્રભાવી હોવા વચ્ચે સોમવારે કુવૈત અને સિંગાપોરના પોતાના સમકક્ષો સાથે વાત કરીને પશ્ચિમ એશિયા સંકટ પર ચર્ચા કરી હતી. કુવૈતના વિદેશ મંત્રી શેખ જર્રાહ જાબેર અલ-અહમદ અલ-સબા સાથેની વાતચીત દરમિયાન જયશંકરે ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ જાહેરાત કરી હતી કે તે સોમવારે પૂર્વીય સમય મુજબ સવારે ૧૦ વાગ્યે અથવા ઈરાનના સ્થાનિક સમય મુજબ સાંજે ૫ઃ૩૦ વાગ્યાથી ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરશે. ’યુએસ સેન્ટ્રલ કમાન્ડ’ (સેન્ટકોમ)એ જણાવ્યું હતું કે આ નાકાબંધી તમામ દેશોના એવા જહાજો સામે નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે જે ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે અથવા ત્યાંથી બહાર જઈ રહ્યા છે. જો કે સેન્ટકોમે સ્પષ્ટ કર્યું કે જે જહાજો બિન-ઈરાની બંદરો વચ્ચે મુસાફરી કરી રહ્યા છે તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,-’નાકાબંધીને તોડવાની કોશિશ કોઈ જહાજ કરશે તો તેને ઉડાવી દઇશું, જેવી રીતે અમે ડ્રગ્સ તસ્કરોના જહાજને નષ્ટ કરી દઈએ છીએ તેવી જ રીતે’

