ઇર્ષા, નિંદા અને દ્વૈષ કરવાનું બંધ કરી દો, એ ભજન માટેનો રાજ માર્ગ છે.
પરિવારમાં એક વ્યક્તિ સહુને ઢાંકીને, છત્ર બનીને સહુની રક્ષા કરે છે
“માનસ સિંદૂર” ના આજના આઠમા દિવસના આરંભે બાપુએ
૨૧ જૂન, “વિશ્વ યોગ દિવસ”ની વિશ્વને વધાઈ આપી. બાપુએ શુભકામના વ્યક્ત કરી કે “પ્રત્યેક ઘરમાં એક યોગી હોય, પ્રભુ પ્રેમના વિયોગી હોય અન્યને માટે સહયોગી હોય, તેમ જ ઘરમાં કોઈ રોગી ન હોય.”
યોગ જરૂરી છે, પરંતુ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને પરસ્પર પ્રેમ વધુ જરૂરી છે. પ્રેમ ન હોય તો યોગ -વિયોગ, જ્ઞાન – અજ્ઞાન…. કશું મહત્વનું નથી.
હિન્દુ સનાતન ધર્મ શ્રેષ્ઠ છે કારણ કે એ સૌને સન્માન આપે છે, સૌનો સ્વીકાર કરે છે. એ આકાશ જેવો વિશાળ છે. સિંદૂર દર્શનમાં આગળ વધતા પૂજ્ય બાપુએ કહ્યું કે વનસ્પતિમાં પણ સિંદૂર વૃક્ષ હોય છે. બનારસમાં કથા દરમિયાન બાપુ નિવાસ કરે છે, એ સ્થાન પર ગઇ કાલે બાપુએ સિંદૂરનો છોડ રોપ્યો છે. ફળમાં કેરીના એક પ્રકારનું નામ “સિંદુરી કેરી” છે.
સિંદૂરના ત્રણ પ્રકાર બાપુએ વર્ણવ્યા – આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક.
દુલ્હનની માંગમાં સિંદૂર ભરવાની ક્રિયા આધિ ભૌતિક છે. સિંદૂરી જીવનના અનેક રંગ છે, તે એક રંગી નથી હોતું. સુખ- દુઃખ માન – અપમાન શોક- આનંદ રુપે ઇન્દ્ર ધનુષ્યની માફક જીવનના ય સાત રંગ હોય છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, ત્યારે કેટલાય રંગોમાંથી પસાર થવું પડે છે. આપણામાં રંગ સાધના હોવી જોઈએ!
સિંદૂર બલિદાનનું – સમર્પણનું પ્રતિક છે. જીવન પર્યંત કોઈના થઈ જવું એ સમર્પણ છે. શહાદત પણ એક સિંદૂર છે- સિંદૂરનો એ કેસરિયો રંગ છે. સિંદૂરનો બીજો પ્રકાર છે – આધિ દૈવિક. શિવ પાર્વતી વચ્ચે થયેલું સિંદૂરદાન આધિ દૈવિક છે. મહાદેવ અજર અમર છે, જન્મ – મરણથી પર છે, તેથી માતા પાર્વત્રજીનું સૌભાગ્ય અખંડ છે. દેવતાઓનું અમરત્વ પણ આધિ દૈવિક સિંદૂર છે.
સિંદૂરનો ત્રીજો પ્રકાર છે – આધ્યાત્મિક. ભગવાન રામ માતા જાનકીની માંગમાં સિંદૂર દાન કરે છે, એ પુરુષ દ્વારા પ્રકૃતિને અપાતો આધ્યાત્મિક સિંદૂર છે. ભક્તિની માંગમાં ભગવાન સિંદૂર દે, શક્તિની માંગમાં શક્તિમાન સિંદૂર દે, શાંતિની માંગમાં આત્મબળ – પ્રાણબળ- ભજન બળ અને અધ્યાત્મબળનું સિંદૂર પરમ શક્તિમાન ભરે, એ આધ્યાત્મિક સિંદુર છે.
મીરાં કૃષ્ણને પતિ માને છે. કૃષ્ણ પૂર્ણ કામ છે, નિષ્કામ છે. મીરા કહે છે કે મોર પંખ ધારણ કરનાર ગિરધર ગોપાલ મારો પતિ છે. એ જેમાં રાજી થશે, એવો શણગાર હું ધારણ કરીશ. આ આધ્યાત્મિક સિંદૂર છે.
સિંદૂર નારીનો શણગાર છે, પરંતુ પુરુષોએ પણ એ શીખવો પડશે. કોઈ બુદ્ધ પુરુષ આપણને અપનાવી લે, આપણો સ્વીકાર કરે, એ આપણો સિંદૂર છે! એવું સિંદૂર દાન પામ્યા પછી કબીરજીની જેમ આપણે પણ નિત્ય નૂતનતાનો અનુભવ કરી શકીએ છીએ. બાપુએ આત્મ નિવેદન કરતા કહ્યું કે –
“હું નિત્ય પ્રસન્ન છું, કારણ કે મારી માંગ મારા બુદ્ધ પુરુષે ભરી દીધી છે.”
કાકભુષંડીજીએ ગરુડના કાનમાં કથારૂપી સિંદૂર દાન દઈને એને ધન્ય કર્યા છે. શિવજીએ પાર્વતીજીને કથા સંભળાવીને એને શાશ્વતિ પ્રદાન કરી છે. આપણે કોઈ એવા સદગુરુને શરણે જઈએ, જે આપણી રક્ષા કરે. જ્યારે આપણે બુદ્ધ પુરુષના શરણાગત થઈ જઈએ છીએ, પછી આપણી રક્ષાની જવાબદારી એ સ્વીકારી લે છે. અધ્યાત્મિક આનંદ આપણને કૃતકૃત્ય કરી દે છે.
મહાભારતમાં અર્જુનને ભગવાન કૃષ્ણએ અને હનુમાનજીને રામજીએ સુહાગી બનાવ્યા છે! હનુમાનજીએ દેહ પર સિંદૂર લગાવ્યો છે. અર્જુને ભલે સિંદૂર નથી લગાડ્યો, પણ કૃષ્ણના કહેવાથી યુદ્ધમાં કેસરિયા કર્યા છે! કજરી વનમાં અર્જુન અને હનુમાનજીની મુલાકાતની કથા વર્ણવીને બાપુએ મહાભારતના યુદ્ધમાં શ્રી હનુમાનજી શા માટે અર્જુનની ધજા પર બિરાજ્યા એની રસપ્રદ કથા સંભળાવીને પ્રતિપાદિત કર્યું કે રામાયણનું અને મહાભારતનું – એ બંને યુદ્ધ શ્રી હનુમાનજીએ જીતાડ્યા છે.
બાપુએ કહ્યું કે ભગવાનની કથાનું શ્રવણ કરવાથી ગ્રંથિઓ છૂટે છે, અને ગ્રંથિઓથી જે મુક્ત થઈ જાય છે એનું ચિત્ત પછી કૃષ્ણાર્પિત થઈ જાય છે!
એ વ્યક્તિ કાયમ સંતુષ્ટ રહે છે, નર્તન કરે છે, ગાય છે, પ્રસન્ન રહે છે.
જીવન એક પ્રવાહ છે, એક ધારા છે, માટે વહેતા રહો! આપણે અકારણ ચર્ચાઓ કર્યા કરીએ છીએ અને મૂળ વાત છૂટી જાય છે. કથામાં આવો, તો કોઈ માંગ ન કરો. કથાની વ્યવસ્થાને સ્વીકારો. આપણે કોઈ માટે બોજ ન બનીએ. કથા કલ્પતરુ છે, જે ઇચ્છશો એ મળી જશે. કથા દૂઝણી ગાય છે, જે ક્યારેય વસુકશે નહીં! કથામાં આવો, તો કથા માટે જ આવો. કથા જ કેન્દ્રમાં રાખો. એટલું કાયમ યાદ રાખજો કે
“અમે બાપુની વ્યાસપીઠનાં ફ્લાવર્સ છીએ. કથા રૂપી પ્રેમ યજ્ઞના સમિધ છીએ.”
ભરતજી ચિત્રકૂટમાં ભગવાન રામના મિલન માટે જાય છે, એ સંદર્ભમાં બાપુએ કહ્યું કે પરમને પામવાની યાત્રાના પાંચ વિઘ્ન છે- એક, વ્રતમાં વિઘ્ન આવવું. બીજું, સમાજ દ્વારા વિરોધ થવો. ત્રીજું, ઋષિ દ્વારા કસોટી થવી. ચોથું, દેવતાઓ દ્વારા અડચણ ઊભી થવી અને પાંચમું વિઘ્ન છે – પોતાની નિકટની વ્યક્તિ દ્વારા જ વિરોધ થવો. કથાના ક્રમમાં પ્રવેશતા પહેલા બાપુએ રામનામ સંકિર્તન પછી સહુને રાસમાં મગ્ન બનાવ્યા.
કથાના ક્રમમાં કાકભુષંડીજીના ન્યાયે બાપુએ બાલકાંડ પછીની કથા આગળ વધારી, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ સુંદર કાંડ અને લંકા કાંડનું અતિસંક્ષેપમાં કથા ગાન કર્યું. એ સાથે બાપુએ આજની આઠમા દિવસની કથામાં પોતાની વાણીને વિરામ આપ્યો.
રામચરિત માનસના સાતે કાંડનો એક વિશેષ પરિચય પણ છે. બાલકાંડ “પ્રથા” નો કાંડ છે, એમાં અનેક પ્રકારની પ્રથાઓનું દર્શન થાય છે. અયોધ્યા કાંડમાં “વ્યથા” છે. વ્યથાથી ભરેલા અયોધ્યા કાંડને ગાવાથી ભવોભવની વ્યથા ટળે છે! અરણ્ય કાંડમાં “પંથા” ની કથા છે. એમાં પંથ – માર્ગ બતાવ્યો છે. કિષ્કિંધા કાંડ “વ્યવસ્થા” નો કાંડ છે. માતા સીતાજીની શોધ માટેની વ્યવસ્થા એમાં ગોઠવાય છે. સુંદરકાંડ “અવસ્થા” નો કાંડ છે. માતા સીતાજીની અશોક વાટિકામાં શોકમગ્ન અવસ્થા છે, ત્રિજટાની પણ વિશેષ અવસ્થા છે. લંકા કાંડ “વૃથા”નો કાંડ છે. એમાં વૃથા તત્વોનો નાશ થાય છે. આસુરી સંપત્તિ વૃથા છે, લંકા કાંડમાં દુરિતનો નાશ થાય છે. અને ઉત્તરકાંડ “નિર્ગ્રંથા” કાંડ છે – જે આપણને નિર્ગ્રંથ – ગ્રંથિમુક્ત બનાવે છે.
રત્ન કણિકા
— આધ્યાત્મિક સિંદૂર એ છે, જે આપણને કૃતકૃત્ય કરી દે છે
— ભગવાનની કથાનાં શ્રવણથી ગ્રંથ નથી છૂટતો ગ્રંથિઓ છૂટી જાય છે.
— પરિવારમાં એક વ્યક્તિ એવી હોય છે જે સહુને ઢાંકીને, છત્ર બનીને સહુની રક્ષા કરે છે.
— કોઈ સાધક ભક્તિની શોધ માટે જશે ત્યારે સમાજ એની પ્રતિષ્ઠાને જલાવી દેવાની કોશિશ કરશે.
— કોઈ બુદ્ધ પુરુષના શરણાગત થઈ જશો, પછી ગમે તેવી આપદાથી એ તમારી રક્ષા કરશે.