Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

રાણાસણ ગામે જમીનમાં દાટેલો ૫,૨૦૦ લિટર દેશી દારૂનો આથો ઝડપાયો

ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા

ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે રાણાસણ ગામના પાદરે આવેલા સંભવિત સ્થળે દરોડો પાડ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૬ જૂન ૨૦૨૬ –– ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ II એ ગેરકાયદે રીતે થતા દેશી દારૂના ઉત્પાદન અને હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. એલસીબી ટીમે ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાણાસણ ગામની સીમમાંથી જમીનમાં દાટીને છુપાવેલા ૨૬ લોખંડ અને પ્લાસ્ટિકના બેરલ ઝડપ્યા છે, જેમાં દેશી દારૂ બનાવવાનો ૫,૨૦૦ લિટર આથો ભરેલો હતો.

મળતી માહિતી અનુસાર, એલસીબી II ના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત ડભોડામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે, રાણાસણ ગામનો એક રહીશ ઘરની નજીક જમીનમાં આથો ભરેલા બેરલ છુપાવીને મોટા પાયે દેશી દારૂ બનાવવાનું ગેરકાયદે નેટવર્ક ચલાવી રહ્યો છે. ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે રાણાસણ ગામના પાદરે આવેલા સંભવિત સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આરોપી ઘરે હાજર ન હતો, પરંતુ પોલીસે આસપાસના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જમીનમાં દાટેલા બેરલ મળી આવ્યા હતા.

આ દરમિયાન પોલીસે આસપાસની જમીન ખોદવાનું શરૂ કર્યું હતું, ત્યારે લોખંડ અને પ્લાસ્ટિકના કુલ ૨૬ બેરલ બહાર કાઢ્યા હતા. તેમાં આશરે ૫,૨૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો રસાયણયુક્ત આથો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા આ મુદામાલની કિંમત અંદાજે ૧.૩ લાખ રૂપિયા હોવાનું આંકવામાં આવ્યું છે. પોલીસે પ્રોહિબિશનના નિયમોનુસાર આ તમામ ગેરકાયદે જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો.આ મામલે રાણાસણ ગામના બળિયાદેવ મંદિર નજીક રહેતા જસવંત ઝાલા નામના શખસ સામે ડભોડા પોલીસ મથકમાં ’ગુજરાત પ્રોહિબિશન એક્ટ’ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Related posts

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કશ્યપ પ્રજાપતિ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા

Master Admin

ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ વાગ્યો, ઉમરેઠની પેટાચૂંટણીની તારીખ જાહેર

Master Admin

નથિંગ બીફોર કોફી (Nothing Before Coffee) ભાવનગર, ગુજરાતમાં પોતાનું 1લું આઉટલેટ શરૂ કરે છે

Master Admin

Leave a Comment

Translate »