આ નવ દિવસ સામૂહિક શ્રાદ્ધ માતૃ-પિતૃ તર્પણ કરવાનો દિવસ છે.
ચોરી કરવી એ તો પાપ છે જ,પણ સંગ્રહ કરવો એ પણ પાપ છે.
નિરંતર મંત્ર જાપથી માળાનો રંગ બદલે છે અને જીવનનો ઢંગ બદલે છે.
શ્રદ્ધારૂપી માતાનાં ત્રણ રૂપ છે:સાત્વિકી,રાજસી અને તામસી શ્રદ્ધા.
સો કરોડ જેટલી રામાયણ છે,યવતમાલ ખાતે ચાલી રહેલી રામકથાના બીજા દિવસે આમ કહેતા બાપુએ કહ્યું કે અહીં આપેલી કથાની પહેલી પંક્તિમાં પિતાનું નામ પહેલા અને બીજી પંક્તિમાં માતાનું નામ પહેલા શા માટે છે એવી એક જિજ્ઞાસા પણ આવી છે. આપણા શબ્દકોશમાં જનની શબ્દનો અર્થ એવો છે કે જેની કૂખથી જન્મ થયો હોય એ જનની છે કૈકયી રામની જનની નથી,કૌશલ્યા જનની છે.પણ અહીં રામનો સંકેત છે કે રઘુવંશના રામનો જન્મ કૌશલ્યાએ આપ્યો પણ કૈકયીએ વનવાસ આપીને રામરાજ્યના રામનો જન્મ આપ્યો છે.
વચન કૈકયીએ માગ્યું ત્યારે દશરથ બે વચન આપે છે એટલે બાપના વચનની પ્રતિષ્ઠાને પ્રથમ પંક્તિમાં પહેલા મૂકી છે.
આપણે ત્યાં એક આનંદ રામાયણ છે જેમાં સર્ગ છે એમાં ભગવાન રામના પિતૃઓની લાંબી યાદી આપી છે અને ૬૧ પેઢીનાં નામ આપેલા છે.
આપણે પૂર્વની પાંચ-સાત પેઢીઓને યાદ રાખવી જોઈએ.ખૂબ આગળ જવાની જરૂરત નથી.સાત પેઢી યાદ ન રહે તો પાંચ પેઢી,પણ ઓછામાં ઓછી ત્રણ પેઢી યાદ રાખવી જોઈએ.
આનંદ રામાયણમાં ભગવાન રામની દિનચર્યા પણ લખેલી છે.બધાએ પોતાના માતૃ અને પિતૃઓને યાદ કરીને આ નવ દિવસ સામૂહિક શ્રાદ્ધ માતૃ-પિતૃ તર્પણ કરવાનો દિવસ છે.
આપણા સૌથી પહેલા માતા-પિતા શિવ અને પાર્વતી છે.શિવ વિશ્વાસ છે.અજનમાં છે.જન્મ નથી એટલે મૃત્યુ નથી.આપણા પરમ પિતા છે.સૃષ્ટિ જ્યારે અસત થઈ જાય છે ત્યારે તાંડવ કરીને સતસૃષ્ટિની રચના શિવ કરે છે.શિવજીના પાંચ મુખ એ એના પાંચ રૂપ બતાવે છે.શિવ એટલે વિશ્વાસ અને વિશ્વાસ રુપી શિવના પાંચ રૂપમાં પહેલું વચન વિશ્વાસ:આપણને જીવન માટે કોઈ શ્રેષ્ઠનું વચન, માતા-પિતા,ગુરુ કે શાસ્ત્ર ઉપર વિશ્વાસ કરવો એ વચન વિશ્વાસ છે.
બીજો છે ધ્રુવ વિશ્વાસ:જેને અચળ અને અનુપમ કહે છે.
ત્રીજો મંત્ર વિશ્વાસ:ગુરુએ આપેલા મંત્ર પર વિશ્વાસ
મંત્ર જાપ મમ દ્રઢ બિશ્વાસા;
પંચમ ભજન સો બેદ પ્રકાસા.
ડોંગરેજી મહારાજ કહેતા કે મંત્ર,મુર્તિ અને માળા બદલવી ન જોઈએ.નિરંતર મંત્ર જાપથી માળાનો રંગ બદલે છે અને જીવનનો ઢંગ બદલે છે.
ચોથો પાત્ર વિશ્વાસ:પાત્રતાનાં વિશ્વાસ ને પકડી રાખો.
સૂફીવાદમાં કહે છે ગુરુ પાસે એક કળા હોય છે જેને સૂફીવાદ ડિઝાઇન કહે છે.
પાંચમો વટ-બટ વિશ્વાસ:જે અચળ છે,વડને ફળ નથી પણ વિશ્રામ આપે છે.
બાપુએ કહ્યું કે ચોરી કરવી એ તો પાપ છે જ પણ સંગ્રહ કરવો એ પણ પાપ છે.
સારું સંતાન હશે તો કમાઈ લેશે અને ખરાબ હશે તો સંગ્રહ કરેલું ફના કરી દેશે!હદ થી વધારે વસ્તુઓ એકઠી થાય ત્યારે ગતિ નથી થતી પણ આવેગ લાવે છે.
એ જ રીતે આપણી માતા ભવાની.શ્રદ્ધારૂપી માતાનાં ગીતા ત્રણ રૂપ કહે છે:સાત્વિકી,રાજસી અને તામસી શ્રદ્ધા.
સાત્વિકી શ્રદ્ધાવાન દેવતાઓને પૂજે છે,રાજસી શ્રદ્ધા વાળો યક્ષોને,તામસી શ્રદ્ધા વાળો ભૂત પ્રેતની પૂજા કરે છે.શ્રદ્ધાને ગાય પણ કહેલી છે.
વંદના પ્રકરણને આગળ વધારી સિતારામની વંદના પણ થઇ.નામવંદના પ્રકરણનું ગાયન થયું.સર્વ શાસ્ત્રનાં સારરૂપ વાત એ છે કે પરમાત્માનું નામ ટાંકણે મદદે આવે છે.