Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

સરકારની સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિમાં અલ્પેશ કથિરીયાએ એક મુદ્દો ઉઠાવ્યો

દંડાત્મક અને શિક્ષાત્મક જોગવાઈઓની માંગ કરી

માતા-પિતાના સેલ્ફ ડિક્લેરેશન અને જવાબદારી અંગે સુરતમાં અલ્પેશ કથિરીયાએ પ્રશ્નો ઉઠાવ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬: હાલ સુરત શહેરમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો માહોલ ગરમાયો છે. આ મુદ્દે પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં અગત્યના થોડા પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેમણે લગ્ન નોંધણી માટેના પ્રસ્તાવિત નવા નિયમોમાં ખાસ લગ્ન નોંધણી પ્રક્રિયામાં અરજદારે માતા-પિતાનું સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે, સાથે આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે શિક્ષાત્મક અને દંડાત્મક જોગવાઈઓ સ્પષ્ટ હોવી જોઈએ.

વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા કરવા માટે ગુજરાત સરકારે આજે ૨૦મી ફેબ્રુઆરીએ ગાંધીનગર વિધાનસભામાં મુસદ્દા રજૂ કર્યા છે. કુલ ચાર સ્ટેપમાં આ મુદ્દા બનાવાયા છે. જેમાંનો એક મુદ્દો સ્ટેપ નંબર ૨માં જરૂરી ડોક્યુમેન્ટમાં ઉલ્લેખિત એક દસ્તાવેજ ’અરજી સાથે અરજદારે (વર-વધૂએ) તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલી છે કે કેમ તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાનો છે. જે મુદ્દો ઉઠાવી પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. આ મામલે અલ્પેશ કથિરીયાએ જણાવ્યું કે, હાલ વિધાનસભામાં માત્ર કાયદાનો મુસદ્દો રજૂ થયો છે, અંતિમ કાયદો હજી બન્યો નથી અને જાહેર જનતા માટે પોતાના વાંધા-સૂચનો રજૂ કરવાની પ્રક્રિયા બાકી છે. સરકાર દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજ માત્ર બે પાનાનો પ્રારંભિક ડ્રાફ્ટ છે. તેમાં સમાવિષ્ટ મુદ્દા ૧થી ૪ પર ખાસ પ્રશ્નો ઊભા થયા છે. તેમણે કહ્યું કે, જાહેર જનતા, સામાજિક સંસ્થાઓ અને કાનૂની નિષ્ણાતોને પોતાના સૂચનો આપવા માટે પૂરતો અવકાશ આપવો જરૂરી છે, જેથી કાયદો વધુ અસરકારક અને વ્યવહારુ બની શકે. મેરેજ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કેટલાક ફેરફારોના મુસદ્દા અંગે અલ્પેશ કથિરીયાએ તર્ક રજૂ કરી નિવેદન આપ્યું છે. ખાસ કરીને માતા-પિતાના સેલ્ફ ડિક્લેરેશનના મુદ્દાનો ઉલ્લેખ કરીને અલ્પેશ કથિરીયાએ જણાવ્યું કે, લગ્ન નોંધણીની અરજી દરમિયાન વર-વધૂએ માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કર્યાનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનો મુદ્દો નવા નિયમોમાં ફરજિયાત બનાવાયો છે. જે સારી બાબત છે, પરંતુ આ સેલ્ફ ડિક્લેરેશન ખરેખર માતા-પિતાએ જ આપવું જોઈએ, નહીં કે કોઈ અન્ય ત્રીજી વ્યક્તિએ.

ખરેખર અરજદાર વર-વધૂએ તેમના માતા-પિતાને લગ્ન બાબતની જાણ કરી છે કે નહીં તે ખરાઈ કોણ કરશે? તેની જવાબદારી સ્પષ્ટ રીતે નક્કી થવી જોઈએ. કથિરીયાએ સવાલ ઉઠાવ્યો કે, ડ્રાફ્ટ મુસદ્દામાં ૩૦ દિવસની જાહેર નોટિસ અને પ્રક્રિયાનો ઉલ્લેખ છે. જે માત્ર કાનૂની પ્રક્રિયા લાંબી થઈ છે, જેનાથી મૂળ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે. આ નિયમોથી મહત્તમ ૨૦થી ૩૦ ટકા જેટલો જ ફેરફાર શક્ય છે, પરંતુ મૂળ પ્રશ્નો યથાવત રહી શકે છે. એક ૧૮ વર્ષની દીકરીઓ અંગે તેના માતા-પિતાને જે પ્રશ્ન સતાવે તેનું નિરાકરણ લાવવા સરકારે આ નિયમનો ભંગ કરનારને દંડાત્મક અને શિક્ષાત્મક જોગવાઈઓ કરવી જોઈએ. સરકારનો અભિગમ સકારાત્મક છે, પરંતુ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં જવાબદારી નક્કી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કાયદાનો દુરુપયોગ અટકાવી શકાય.

Related posts

ACKO Drive Service Centers અમદાવાદના ઉદ્યોગસાહસિકો માટે નફાકારક ઓટો સર્વિસ બિઝનેસ મોડેલ લઈને આવ્યું

Master Admin

વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ

Master Admin

સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »