Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકોઃ ચાંદી ૬,૦૦૦ સસ્તી થઈ

સોનામાં રોકાણ કરવા માંગતા લોકો માટે સારી તક

સોનાના ભાવમાં પણ આશરે ૨,૦૦૦નો ઘટાડો નોંધાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૮ જૂન ૨૦૨૬ — સપ્તાહની શરૂઆતમાં જ કોમોડિટી માર્કેટમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સોમવારે સોના અને ચાંદીના ભાવમાં આવેલા મોટા ઘટાડાએ રોકાણકારો અને ખરીદદારો બંનેનું ધ્યાન ખેંચ્યું છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.૬,૦૦૦થી વધુનું ગાબડું પડ્યું છે, જ્યારે સોનાના ભાવમાં પણ આશરે રૂ.૨,૦૦૦નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારનું દબાણ, અમેરિકાના મજબૂત રોજગાર ડેટા અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે આ કડાકો બોલ્યો હોવાનું માનવામાં આવે છે. ઘરેણાં કે રોકાણના હેતુથી સોનું ખરીદવા માંગતા લોકો માટે આ ઘટાડો એક સારા સમાચાર સમાન છે.

સોમવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર ૧૦ ગ્રામ સોનાનો ભાવ ઘટીને આશરે રૂ.૧.૫૪ લાખની આસપાસ પહોંચી ગયો હતો, જે તેના છેલ્લા ટ્રેડિંગ સેશન કરતાં લગભગ રૂ.૨,૦૦૦ ઓછો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ જંગી ઘટાડો જોવા મળ્યો છે અને તે રૂ.૨.૪૧ લાખ પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારની નબળાઈ અને રોકાણકારોની બદલાતી રણનીતિની સીધી અસર આપણા સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં પણ સતત બીજા દિવસે સોનાના ભાવમાં દબાણ જોવા મળ્યું છે. હાજર સોનાનો ભાવ ઘટીને પ્રતિ ઔંસ ઇં૪,૩૨૧ ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવમાં અગાઉ પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે તે ઘણા અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું. આ ઉપરાંત, યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં પણ નબળાઈ દેખાતા બજારમાં રોકાણકારોનો વિશ્વાસ થોડો ડગમગ્યો છે. સોના-ચાંદીના ભાવમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળ મુખ્યત્વે ૩ કારણો જવાબદાર છેઃ

૧. અમેરિકાના મજબૂત રોજગાર ડેટાઃ અમેરિકામાં રોજગારીના આંકડાઓમાં સુધારો જોવા મળ્યો છે, જેનાથી બજારનો મૂડ બદલાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે યુએસ ફેડરલ રિઝર્વ લાંબા સમય સુધી વ્યાજ દરો ઊંચા રાખી શકે છે. સામાન્ય રીતે, જ્યારે વ્યાજ દરો ઊંચા હોય ત્યારે સોના જેવી એસેટ્‌સ (જેના પર કોઈ વ્યાજ નથી મળતું) તેની માંગ બજારમાં ઘટી જાય છે.

૨. રોકાણકારોનો બદલાતો ટ્રેન્ડઃ વ્યાજ દરો વધવાના ડરથી રોકાણકારો અત્યારે સોના-ચાંદી જેવા સેફ-હેવન (સુરક્ષિત) વિકલ્પો છોડીને અન્ય જગ્યાએ રોકાણ કરવા તરફ વળ્યા છે. રોકાણકારોના આ બદલાયેલા વલણની સીધી અસર ભાવ પર પડી છે.

૩. ક્રૂડ ઓઈલ અને મોંઘવારીની ચિંતાઃ મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવ સતત વધી રહ્યા છે. આનાથી દુનિયાભરમાં મોંઘવારી વધવાની શક્યતા ઊભી થઈ છે, જેને કંટ્રોલ કરવા માટે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો પોતાની નાણાકીય નીતિઓ વધુ કડક બનાવી શકે છે. આ ડર પણ સોનાના ભાવને નીચે લાવી રહ્યો છે.

Related posts

બે રાજ્યોમાંથી ૮ શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

Master Admin

મહિલા અનામતની વાત સૌથી પહેલા કોંગ્રેસે કરી હતી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો

Master Admin

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી

Master Admin

Leave a Comment

Translate »