Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર

કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં

નાંદોદ તાલુકા પંચાયતની ૧૨-પોઈચા (ST મહિલા અનામત) બેઠક પર નીલિમાબેન રોહિતને ટિકિટ અપાતા વિરોધ શરૂ થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ — રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ વાગતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોમાં આંતરિક વિખવાદ અને નારાજગીના વંટોળ ઉઠ્યા છે. ટિકિટ ફાળવણીમાં વફાદારોની અવગણના અને જાતિગત સમીકરણોને લઈને દિગ્ગજ નેતાઓએ કેસરીયો અને પંજો છોડવાની શરૂઆત કરી દીધી છે. નર્મદા જિલ્લાની ૧૫૦ બેઠકોના ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં ભડકો થયો છે. નાંદોદ તાલુકા પંચાયતની ૧૨-પોઈચા (ST મહિલા અનામત) બેઠક પર નીલિમાબેન રોહિતને ટિકિટ અપાતા વિરોધ શરૂ થયો છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના નજીક ગણાતા અને પૂર્વ જિલ્લા મંત્રી સુરેશ વસાવાએ પક્ષ છોડ્યો છે. તેણે આક્ષેપ છે કે અન્ય સમાજમાં લગ્ન કરનાર દીકરીને આદિવાસી અનામત બેઠક પર ટિકિટ આપી પક્ષે આદિવાસી સમાજના બંધારણીય અધિકારોનું હનન કર્યું છે. નોંધનીય છે કે, તલાટી તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સુરેશ વસાવાનું પરિવાર ૧૯૮૭થી ભાજપ સાથે જોડાયેલ છે. તેના પત્ની રાજપીપલા પાલિકામાં સભ્ય રહી ચૂક્યા છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં મેન્ડેટની વહેંચણી મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ રાજીનામું ધરી દીધું છે. તેમે આક્ષેપ કર્યો છે કે વફાદાર કાર્યકરોને બદલે ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા ઉમેદવારોને પક્ષના મોટા હોદ્દેદારોએ ટિકિટ આપી દીધી છે. સત્તાવાર લડાઈમાં ઘરના જ નડ્યા હોવાનું જણાવી તેણે પક્ષની કાર્યપદ્ધતિ સામે રોષ વ્યક્ત કર્યો છે, જે કોંગ્રેસની છબીને નુકસાન પહોંચાડી શકે છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું યુવા સંગઠન નબળું પડ્યું છે. જિલ્લા NSU પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ સાહિલ શેખને ભાજપમાં આવકાર્યા હતા. પક્ષમાં જોડાતાની સાથે જ સાહિલ શેખને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૯માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ પક્ષપલટાથી કોંગ્રેસની વોટબેન્ક અને યુવા કાર્યકરોમાં ગાબડું પડ્યું છે, જ્યારે ભાજપ લઘુમતી મતો પર પકડ મજબૂત કરવા ઉત્સાહિત છે.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખના પતિએ ભાજપમાંથી બળવો કરીનેને બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવીના ખાસ ગણાતા શિવમહા રાઉલ જી ભાજપના નિષ્ઠાવાન કાર્યકર ગણાતા તેની જ ટિકિટ કાપવામાં આવતા બળવો કર્યો છે. બોડેલી તાલુકામાં ભાજપમાં બળવો થતા આગામી દિવસોમાં ભાજપ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભારે નુકશાન થશે આ બળવાથી ભાજપ માં હડકંપ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વેની આ ખેંચતાણ સ્પષ્ટ કરે છે કે બંને પક્ષો માટે આંતરિક સંતોષ જાળવવો મુશ્કેલ બની રહ્યો છે. જે નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે તે અપક્ષ તરીકે કે અન્ય પક્ષના ટેકાથી ચૂંટણી મેદાનમાં ઉતરીને પક્ષોના ગણિત બગાડી શકે છે.

Related posts

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો

Master Admin

અમદાવાદ પાલિકામાં ભાજપના જ નિયમોથી ભૂકંપ આવશે!

Master Admin

Virasat Foundation’s Rohan Jardosh turns son’s birthday into a lesson in giving

Reporter1

Leave a Comment

Translate »