ઈર્ષા જ્યાં સુધી મરશે નહીં,ત્યાં સુધી ઈશ્વર નહીં મળે.
બુદ્ધપુરુષ પાસે કૃપા ન માંગો,પ્રેમ માંગો.
બુદ્ધપુરુષની ભાષા જ સમાધિ નથી હોતી,એની ક્રિયા પણ સમાધિ હોય છે.
દક્ષિણ ભારતના પંપા સરોવરના કિનારે રામચરિત માનસનું ત્રીજું સોપાન અરણ્યકાંડ-કે જ્યાં શબરી ભગવાનને કહે છે કે પંપા સરોવર જાઓ,અને નારદજી જ્યાં મળવા આવે છે એ સંવાદની કથાનાં પાંચમા દિવસનો આરંભ કરતા મોંમ્બાસાથી બાપુએ કહ્યું કે રામ કહે છે કે જે સાધક બધો જ ભરોસો છોડીને મારું ભજન કરે છે એની રક્ષા જેમ મા પોતાના દીકરાની રક્ષા કરે એમ હું કરૂં છું.
હનુમાન વારંવાર રઘુવીરનું સ્મરણ કરીને લંકામાં ગયા,વિઘ્નો પાર કરી ગયા.પ્રલોભન,સ્પર્ધા,પ્રતિષ્ઠા આ બધાને મારી નહીં પણ સુરસા રૂપી ઈર્ષાને મારી છે.ઈર્ષા જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી ઈશ્વર નહીં મળે.ઈશ્વરને પ્રાપ્ત કરવાનો નથી,એ તો ઓલરેડી છે જ પણ એને ઓળખવાનો છે.ઈર્ષા જશે તો ઈશ્વર ઓળખાશે.
હું વર્ષોથી આપને તુલસીજીનો સંદેશ આપના સરનામે પહોંચાડું છું.કોઈ ઉપદેશ કે આદેશ કરતો નથી.આપના બાળકોને નાનપણથી ધાર્મિક કથાઓ શીખવજો અહીં સતી મદાલસાની વાત કરતા કહ્યું તમે મને નવ દિવસ આપો,હું તમને નવજીવન આપીશ.હું માત્ર યુવાનો માટે ઘૂમી રહ્યો છું.બુદ્ધપુરુષ પાસે કૃપા ન માંગો,પ્રેમ માંગો.બુદ્ધપુરુષની ભાષા જ સમાધિ નથી હોતી,એની ક્રિયા પણ સમાધિ હોય છે. મારે સ્વર્ગની કામના નથી,મોક્ષ જોઈતો નથી,પ્રતિષ્ઠા પણ નથી જોઈતી,જેટલી થાય એટલી નિંદા ભલે થઈ જાય પણ મારે તમારા મન સુધી,તમારા હૃદય સુધી પહોંચવું છે.
આયા હું મેં મહોબ્બત કા પૈગામ લેકર;
મુજે ડાક ઘર કા ટપાલી ના સમજો!
મેં હું જવાબ મુજે કોઇ સવાલી ના સમજો!
મૃગાંક શાહ લખે છે કે કવિતામાં મીટરથી વધારે મેટર મહત્વનું હોય છે.
અહીં થતા સાંધ્ય કાર્યક્રમમાં ગઈકાલના કાર્યક્રમમાં ફૂલછાબના મેનેજર નરેન્દ્રભાઈ ઝીબાએ સરસ ગાયન સુર સાથે ગાયું એની વાત પણ બાપુએ કરી. અખંડ સાધુએ છે જેનો ઉપરનો ભાગ બૌદ્ધિક હોય, મધ્ય ભાગ હાર્દિક હોય અને નીચેનો ભાગ ધાર્મિક હોય.એટલે કે એ વિચારક પણ હોવો જોઈએ, બૌદ્ધિકતાથી ભરેલો હોવો જોઈએ.સાથે-સાથે મધ્યમાં હૃદયથી સંવેદનશીલ,હાર્દિકતાથી ભરેલો અને એના ચરણ એટલે કે આચરણ એ ધાર્મિક હોવું જોઈએ.પરંતુ આપણે ઊંધું કર્યું છે!નીચેનો ભાગ જે ધાર્મિક છે એ ઉપર ટીલાં ટપકાં કરવામાં કર્યો છે! હનુમાનજી જેવા લંકામાં પ્રવેશ કરે છે કે એને લંકીની કહે છે કે હવે ભયંકર વિઘ્ન આવશે.એ વખતે હનુમાનજી રામનું સ્મરણ કરે છે અને રામ કઈ રીતે રક્ષા કરે છે?
પ્રબિસિ નગર કીજૈ સબ કાજા;
હ્રદય રાખી કૌસલપુર રાજા.
ગરલ સુધા રિપુ કરહિ મિતાઈ;
ગોપદ સિંધુ અનલ સીતલાઈ.
અહીં રામને હૃદયમાં રાખવાથી વિષ અમૃત થઈ જશે દુશ્મન મૈત્રી કરશે અને ગાયની ખરી જેટલો જ સાગર બની જશે.અહીં લાગનારી આગ એ આપને શીતળતા પ્રદાન કરશે.
માત્ર એક જ વાત વારંવાર કરું છું,ખૂબ ભરોસો કરો. રામનામ પર.પરીક્ષા પણ થશે.
કૂતરો સંસ્કૃત ન બોલે,એ ભસે જ! એમ કહી અને બાપુએ એના પર થતાં વારંવાર પ્રહારો અને ટીકાની પણ વાત કરી.
બુદ્ધપુરુષ કેવો હોય તો કે એના મૂળ ઉર્ધ્વ હોય છે. એની શાખાઓ નીચે હોય છે.એના માટે અધ્યાત્મ ધંધો નહીં પણ સ્વભાવ હોય છે.સાધુનો સ્વભાવ જ ભજન હોય છે.સાધુની પાસે હંમેશા અમૃત વર્ષા,પ્રેમ વર્ષા,શાંતિ વર્ષા,અશ્રુ વર્ષા વરસતીથ હોય છે.
બુદ્ધપુરુષ વધુ શિષ્ય બનાવતા નથી.સૌથી મહત્વનું આંચકાજનક લાગે એવી વાત એ છે કે એ વધારે શાસ્ત્રોનો અભ્યાસ નથી કરતો હતો.કારણ કે વધારે શાસ્ત્ર એ વધારે ઉલઝનમાં નાખે છે અને અર્થઘટનમાં ડૂબી જાય છે,ગ્રંથ ગરબડ કરે છે. આપણે ગમે એવા હોઇએ,આપણો સ્વિકાર જ કરે છે.
અયોધ્યા કાંડમાં મંથરાનાં કહેવાથી કૈકયી વચન માંગે છે અને એ વખતે સુમંત બધી જ તૈયારી પછી વહેલી સવારે રામને બોલાવવા જાય છે એ વખતે રામ દશરથની સ્થિતિ જોવે છે ત્યારે કેટલી બધી રક્ષા કરવાની હોય છે!સત્યની રક્ષા કરવાની છે,રઘુવંશના વચનની રક્ષા કરવાની છે,કૈકયીનાં વિચારની રક્ષા કરવાની છે,ઋષિમુનિઓની રક્ષા કરવાની છે. રામ વનમાં જવાનું નક્કી કરી અને આ બધા જ ની રક્ષા કરે છે.એટલે જ રામનું નામ,રામની લીલા,રામનું રૂપ કોઈને કોઈ રૂપે આપણી રક્ષા કરે છે.
રામચરિત માનસમાં શિવચરિત્ર,રામચરિત્ર,ભરત ચરિત્ર,હનુમાન ચરિત્ર અને ભૂશુંડિચરિત્ર રૂપી પંચામૃત ભરેલું છે.
ખૂબ જ સંક્ષિપ્તમાં શિવ વિવાહની કથાનું ગાયન કરી ને કથાને વિરામ અપાયો.