Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાનની એરસ્ટ્રાઈકઃ હોસ્પિટલ પર બોમ્બવર્ષા

૪૦૦ લોકોના મોતનો દાવો

કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અનેક નિર્દોષોના જીવ ગયા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૧૭ માર્ચ ૨૦૨૬ — એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતના પડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ હુમલામાં ૪૦૦ લોકોના મોત થયા છે. જ્યારે ૨૫૦થી વધુ ઈજાગ્રસ્ત છે. અફઘાનિસ્તાનના આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું કે કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અનેક નિર્દોષોના જીવ ગયા છે. જોકે બીજી તરફ પાકિસ્તાનનો દાવો જુદો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ અફઘાનિસ્તાનના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પાકિસ્તાને કહ્યું છે કે હુમલા અત્યંત સચોટ હતા અને માત્ર સૈન્ય ઠેકાણાઓ તથા ‘આતંકવાદી’ ઈન્ળાસ્ટ્રક્ચરને જ નિશાન બનાવવામાં આવ્યા હતા, કોઈ પણ એવી જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી નથી જ્યાં સામાન્ય લોકો રહેતા હોય.નોંધનીય છે કે પાકિસ્તાન એવો આરોપ લગાવતું રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં હાજર અલગ-અલગ ઉગ્રવાદી સંગઠનો તેના દેશમાં હુમલા કરે છે. બીજી બાજુ, તાલિબાન સરકાર આ આરોપોનો ઈનકાર કરતી આવી છે. જે બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દરરોજ સૈન્ય સંઘર્ષ થઈ રહ્યો છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે જેથી વિસ્તારમાં સ્થિરતા જળવાઈ રહે. ફેબ્રુઆરીના અંતથી બંને દેશો વચ્ચે હુમલા તેજ થયા છે અને આ અથડામણ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ નબીએ પાકિસ્તાન તરફથી કાબુલ પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નબીએ કહ્યું છે, કે માતાઓ પોતાના પુત્રોના નામ પોકારતી હતી, તેમની રાહ જોતી રહી. રમઝાનની ૨૮મી રાત્રે તેમની જિંદગીઓ અધૂરી રહી ગઈ. રાશિદ ખાને પણ પાકિસ્તાનની નિંદા કરી છે અને નાગરિકોના મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાશિદ ખાને કહ્યું કે રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવવું એ ‘વોર ક્રાઈમ‘ છે. તેમણે આગળ કહ્યું, રમઝાનના પવિત્ર મહિનામાં લોકોના કિંમતી જીવનનું અપમાન કરવું એ દિલ તોડી નાખનારું કામ છે. આવા ગુનાઓ માત્ર લોકો વચ્ચે વિભાજન અને નફરતને પ્રોત્સાહન આપે છે.

Related posts

ભારતીય ધ્વજ ધરાવતાં ૩૭ જહાજો, ૧૧૦૯ ખલાસીઓ અટવાયાં

Master Admin

અમેરિકાના મિશિગન રાજ્યમાં બરફના તોફાન

Master Admin

ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટનાઃ ખેલાડીઓને લઈ જતું પ્લેન તૂટી પડ્યું

Master Admin

Leave a Comment

Translate »