જે નિરંતર આનંદમાં રહે છે એ જ જીવનમુક્ત છે.
રામ સત્ય માર્ગના માર્ગી છે.
ભરત પ્રેમ માર્ગનાં માર્ગી છે.
માં જાનકી કરુણાના માર્ગની માર્ગી છે.
દશરથ ધર્મ માર્ગના માર્ગી છે.
મા કૌશલ્યા વિવેક માર્ગની માર્ગી,સુમિત્રાજી ત્યાગ અને સમર્પણ માર્ગની માર્ગી છે.
કૈકયી બે માર્ગ પર ચાલી-એક નિંદનીય એક વંદનીય બની રહ્યો.
બધા જ માર્ગ કોઈ એકમાં દેખાય તો એ બુદ્ધપુરુષ છે એમ સમજવું.
નિંદા,ઈર્ષા અને દ્વૈષના બિલકુલ લિટલ રોક આપણી યાત્રામાં ખૂબ વિઘ્ન કરે છે.
દક્ષિણ અમેરીકાનાં લિટલ રોક્સ ખાતે ચાલી રહેલી રામકથાનો સોમવારનોં ત્રીજો દિવસ,આરંભે ગઇકાલની કથાનો અંગ્રેજી સારાંશ રજૂ થયા બાદ આજે જિજ્ઞાસાઓ ખૂબ હતી.એમાંથી એક પ્રશ્ન હતો કે:બાપુ!અમે માર્ગ ઉપર છીએ,માર્ગદર્શક પણ છે છતાં પણ આ માર્ગ પર બરાબર ચાલી નથી રહ્યા. શું વિઘ્ન હશે સમજી શકતા નથી.અમારા મનની વાત સમજીને અમારી યાત્રાનાં વિઘ્ન વિશે કંઈક કહો. બાપુએ કહ્યું કે: લીટલ રોક!નાનકડો પથ્થર.કોઈ બાધા નથી પણ ત્રણ પથ્થર છે:નિંદા,ઈર્ષા અને દ્વૈષના.આ બિલકુલ લિટલ રોક-નાનકડા છે પરંતુ આપણી યાત્રામાં ખૂબ વિઘ્ન કરે છે.
આપણે ખાવાનું ચાવતા હોઇ ત્યારે દાંતમાં નાનકડું છોતરું ભરાઈ જાય તો આખા ભોજનનો આનંદ બગાડે છે.નાનકડો કાંકરો કે કાંટો પગમાં આવે તો યાત્રા બરાબર નથી થતી.આંખમાં નાનકડું કણું આપણી દર્શને યાત્રામાં બાધક બને છે.આ બધા હોય છે નાના.
નિંદા વાચિક છે જીભથી થાય છે.ઈર્ષા સૂક્ષ્મ છે મનથી થાય છે અને દ્વેષ રોમ-રોમમાં થાય છે.
આજે રામેશ્વર બાપુ હરિયાણીએ માર્ગી શબ્દની ૨૧ વ્યાખ્યાઓ લખીને મોકલી.
ભગવાન બુદ્ધ બેઠા હતા.બૌદ્ધ ભીખ્ખુ આવ્યો.બુદ્ધ પાસે જવા માટે ત્રણ પહેરા પસાર કરવા પડતા હતા. પહેલા રૈવતથી મુલાકાત કરવી પડતી.એ પછી સારીપૂત અને ત્રીજી મુલાકાત આનંદ સાથે કરીને આગળ વધવું પડતું હતું.રૈવતને મળીને ભીખ્ખુએ પૂછ્યું,રૈવત ચૂપ રહ્યો,સારીપૂતને પૂછ્યું કે મારે બુદ્ધને મળવું છે,સારીપૂત થોડુંક થોડુંક બોલ્યો.આનંદ પાસે ગયો તો આનંદે ખૂબ લાંબી વાતો કરી.અંતે બુદ્ધની પાસે પહોંચ્યો.બુદ્ધે કહ્યું કે સ્વાગત છે બોલો! ત્યારે જણાવ્યું કે રૈવત પાસે ગયો રૈવત કંઈ ન બોલ્યો, સારીપૂત થોડુંક બોલ્યો અને આનંદ બોલતો જ રહ્યો ત્યારે બુધ્ધે મુસ્કુરાઈને કહ્યું કે તે ત્રણેયની નિંદા કરી છે.જે નિંદા કરીને અહીંથી પસાર થાય છે એ મારા શરીરને તો પ્રાપ્ત કરી શકે છે,પણ બુદ્ધત્વને પ્રાપ્ત કરી શકતો નથી.તે નિંદા કરી છતાં મારી પાસે પહોંચી ગયો,નિંદા ન કરી હોત તો મારાથી આગળ અનેક પરમ બુદ્ધ હતા ત્યાં પહોંચી શકત.
બાપુએ કહ્યું કે આ કથાઓ શું કામ છે? વિષમ પરિસ્થિતિમાં સાચા સમયે કથા આપણો માર્ગદર્શક બને છે.કથા એલાર્મ છે,સાચા સમયે જગાડે છે.
રૂમી કહે છે કે જે યાત્રા કરવા માટે ૨૦૦ વર્ષ લાગી જાય પણ કોઈ સારો માર્ગદર્શક(ગાઈડ-ગુરુ)મળી જાય તો એ જ યાત્રા બે દિવસમાં પહોંચાડી શકે છે જે નિરંતર આનંદમાં રહે છે એ જ જીવનમુક્ત છે એવું શંકરાચાર્યએ કહ્યું.
અહીં કોણ કયા માર્ગનો માર્ગી છે એ બતાવતા બાપુએ કહ્યું:રામ બ્રહ્મ છે છતાં પણ અવતાર કાર્યમાં રામ સત્ય માર્ગના માર્ગી છે.ભરત પ્રેમ માર્ગનાં માર્ગી છે.માં જાનકી કરુણાના માર્ગની માર્ગી છે.દશરથ ધર્મ માર્ગના માર્ગી છે.મા કૌશલ્યા વિવેક માર્ગની માર્ગી, સુમિત્રાજી ત્યાગ અને સમર્પણ માર્ગની માર્ગી છે.
કૈકયી બે માર્ગ પર ચાલી-એક નિંદનીય એક વંદનીય બની રહ્યો.લક્ષ્મણ સાવધાની અને જાગૃતિના માર્ગના માર્ગી છે.શત્રુઘ્ન સેવામાર્ગના માર્ગી છે.સેવા કરીને મૌન રહી જાય તો સેવા પોતે જ બોલે છે. હનુમાનજી વૈરાગ્ય માર્ગના માર્ગી છે.મને પણ આપ પૂછશો! તો માનસ જ મારો માર્ગ છે.
આજે રામ રહસ્ય ખોલતા હોય એમ હનુમાન ચાલીસાની બે ચોપાઈઓ વિશે વાત કરતા બાપુએ કહ્યું કે:
તુમ્હરો મંત્ર બિભીષણ માના;
લંકેશ્વર ભયે સબ જગ જાના.
આ ચોપાઈમાં રાવણને જે મંત્ર આપેલો એ મંત્ર: રામચરણ પંકજ ઉર ધરહૂ;
લંકા અચલ રાજ તુમ કરહૂ.
આ મંત્ર વિભીષણે માન્યો અને લંકાનો રાજા બની ગયો.
એ જ રીતે સુગ્રીવને રામ મળ્યા તો રાજ આપ્યું પણ વાલીને મુક્તિ પ્રદાન કરી.દંતકથા નાશવંત હોય છે સંતકથા શાશ્વત હોય છે.
હનુમાનજી પાસે વ્યાસજીએ બતાવેલા છ રામ રસાયણ છે.જેમાં:સંયમ,શીલ,ધૈર્ય શાંત અન્વેષણ(ખોજ),વૃતાંત વિવેકપણું અને સેતુબંધ છે. ભગવાન શંકર વિશ્વાસ માર્ગના,મા પાર્વતી શ્રદ્ધા માર્ગની માર્ગી છે.યાજ્ઞવલ્ક્ય વિવેક માર્ગના, ભરદ્વાજ પ્રપન્નતાના અને ભુશુડી ઉપાસનાનાં માર્ગી છે.તુલસી શરણાગતિના અને ગરુડ કૃતકૃત્યતાનાં માર્ગનો માર્ગી છે.
યયાતિની કથા,વિભીષણ,સુગ્રીવ અને વાલીની કથાઓ પણ સંભળાવી.
બાપુએ આજે ખાસ યાદ કર્યું કે આપણા ભારતનું ગૌરવ શુભાશું શુક્લા અંતરિક્ષમાં ગયો અને આપણા યશસ્વી વડાપ્રધાન સાથે ૧૮ મિનિટ સુધી વાત કરી, આ ગૌરવનો પ્રસંગ,ગૌરવની ઘડી છે.
રાવણ મોહમાર્ગનો યુધ્ધમાર્ગનો,કુંભકર્ણ અહંકાર માર્ગનો અને મેઘનાદ કામમાર્ગનો માર્ગી છે.
બધા જ માર્ગ કોઈ એકમાં દેખાય તો એ બુદ્ધપુરુષ છે એમ સમજવું.
રામકથામાં દ્વારકાના કેશવાનંદજી અને બાપુના જ ગામ પાસે રહેતા પણ મુંબઈ સ્થિત હરિઓમ દાદા સહિત અનેક ગુજરાતી શ્રોતાઓ કથા માણી રહ્યા છે