Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાન-અમેરિકાના યુદ્ધની અસરને લીધે દુનિયાભરમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ

‘શાંતિ એ વેપાર માટે પહેલી અને અનિવાર્ય શરત છે’

અમેરિકામાં ગેસ અને પેટ્રોલની કિંમત વધતાં ત્રણ વર્ષમાં મોંઘવારી સર્વોચ્ચ સપાટીએ છે, યુરોપના ૨૧ દેશોમાં મોંઘવારી વધી હોવાનું લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૮ મે ૨૦૨૬ — ફ્રેન્ચ ચિંતક મોન્ટેસ્કુનું આ મતલબનું વાક્ય વૈશ્વિક સ્તરે શાંતિ અને વેપારના સંદર્ભમાં વારંવાર ટાંકવામાં આવે છે. બે રાષ્ટ્રોએ વેપાર કરવો હોય તો બંને વચ્ચે શાંતિ અનિવાર્ય છે. યુદ્ધ કે તંગદિલી ચાલતી હોય ત્યારે વેપાર અટકી પડે છે. ભારત-ચીન વચ્ચે દોકલામ સંઘર્ષ થયો તો બંને પક્ષે વેપાર અટકી ગયો. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલ્યું તો કરોડોનો વેપાર લટકી પડયો. બધા દેશો એ વાત સમજે છે કે યુદ્ધ અને વેપાર સાથે ચાલી શકે નહીં. વેપાર શરૂ કરવા કે વેપાર વધારવા માટે શાંતિ સ્થાપવી કે શાંતિ જાળવી રાખવી અનિવાર્ય છે. તે વગર વેપાર શક્ય બનતો નથી. જો દુનિયામાં સંઘર્ષ, યુદ્ધ કે અશાંતિ હોય તો વેપાર પ્રભાવિત થાય છે ને એવું જ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે થઈ રહ્યું છે.ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના કારણે હોર્મુઝની ખાડી હજુય બંધ છે. વિશ્વનો ૨૦-૨૨ ટકા વેપાર હોર્મુઝની ખાડી મારફતે થાય છે. દુનિયામાં ૨૦ ટકા ક્રૂડ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. આ રસ્તો બંધ થતાં દુનિયાના કેટલાય દેશોમાં ક્રૂડની અછત સર્જાવાની ભીતિ છે. ચીન-ભારત-ળાન્સ જેવા કેટલાય દેશો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુરોપિયન સંઘ, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવા અનેક સંગઠનોએ હોર્મુઝની ખાડી ખોલીને વૈશ્વિક વેપાર પૂર્વવત્ કરવાની હિમાયત કરી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તો એક મહિના પહેલાં ચેતવણી આપી હતી કે જો હોર્મુઝને રસ્તે થતો વેપાર ફરીથી શરૂ નહીં થાય તો દુનિયામાં મોંઘવારી વધી જશે….ને હવે એમ જ થયું છે. ઈરાનની હાલત તો શરૂઆતથી જ ખરાબ છે. યુદ્ધમાં ભલે અમેરિકાને ટક્કર આપી હોય, પરંતુ સ્થાનિક સ્તરે મોંઘવારી એટલી બેકાબૂ બની છે કે લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ફુગાવાના કારણે ઈરાનની સરકારે વધુ મૂલ્યની નોટો બહાર પાડવી પડી છે. એક કરોડ રિયાલની નોટ પણ બહાર પડી છે, જે ઈરાનના ઈતિહાસમાં સૌથી વધુ રકમની નોટ છે. એક કરોડ રિયાલની કિંમત ભારતના રૂપિયામાં ગણીએ તો માંડ ૬૦૦-૭૦૦ રૂપિયા થાય છે. ઈરાન ભલે અત્યારે દમખમ લગાવીને લડી રહ્યું છે, પરંતુ તેને આ યુદ્ધમાંથી બેઠાં થતાં એક દશકો લાગી જશે. ઈરાન તો ઠીક અમેરિકા પણ મોંઘવારીના મારથી બચી શક્યું નથી.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં તમાચો મારીને ગાલ લાલ રાખ્યો ને અમેરિકાને તો કોઈ જ ફરક નહીં પડે એવા દાવા કર્યા હતા, પરંતુ હવે અમેરિકામાં ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જતાં મોંઘવારી ત્રણ વર્ષની ટોચે છે. અમેરિકામાં મોંઘવારી વધવાથી સ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજ દરો ઘટાડવા જોઈએ એવી ભલામણ થવા માંડી છે. નાણા વિભાગે જાહેર કરેલા આંકડાનું માનીએ તો અમેરિકામાં વાર્ષિક ફુગાવો ૩.૫ ટકા વધ્યો છે. ત્રણ વર્ષમાં આટલો ઉછાળો પહેલી વખત જોવા મળ્યો છે. ટ્રમ્પ ઈનકાર કરતા રહ્યા ને ગેસ-પેટ્રોલિયમની કિંમતોમાં ૨૧ ટકાનો વધારો ઝીંકાઈ ગયો.અમેરિકાની જેમ યુરોપના દેશોમાં પણ ગેસ-પેટ્રોલિયમના ભાવ બેકાબૂ બન્યાં છે. યુરોપના દેશોએ રશિયાનો ગેસ ખરીદવાનું બંધ કર્યું એ પછી અમેરિકાએ ગેસ આપવાનું શરૂ કર્યું હતું. અમેરિકા યુરોપના દેશોને વર્ષે ૮૦થી ૧૦૦ અબજ ક્યૂબિક મીટર ગેસ આપે છે. અમેરિકામાં જ ભાવ કાબૂમાં ન હોય ત્યારે યુરોપમાં તો ભાવ અંકુશમાં ક્યાંથી રહે? અમેરિકન નિકાસકારોએ યુદ્ધ વચ્ચે ગેસના ભાવ વધારી દીધા એટલે યુરોપમાં પણ અમેરિકાની જેમ ગેસ-પેટ્રોલિયમના ભાવ છેલ્લાં બે મહિનામાં વધ્યા છે ને એના આધારિત ઉર્જાના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.

Related posts

યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

Master Admin

યુદ્ધની વૈશ્વિક બજાર પર ભીષણ અસરઃ ક્રૂડ ઓઇલ $116 ને પાર

Master Admin

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન

Master Admin

3 comments

Ebony3767 May 9, 2026 at 3:41 am Reply
Heidi1332 May 9, 2026 at 3:44 am Reply
Brooke1778 May 9, 2026 at 4:44 am Reply

Leave a Comment

Translate »