Nirmal Metro Gujarati News
article

કબીર પંથ કોઈ નાનકડો પંથ નહીં,મોટો રાજમાર્ગ છે કબીરને જાતિ,ધર્મ,વાડો કે પંથ ન હોય;એ આકાશ છે. વિશ્વાસ-વટનું મૂળ રામનામ છે. વિશ્વાસ રુપી વૃક્ષનો રસ છે-હરિરસ

 

“સમન્વયના સુત્રો સમજવા હોય તો તલગાજરડા આવો!”

મંગલેશ્વર કબીરધામ ભરૂચથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસનાં આરંભે માંજલપુર કબીર મંદિરના મહંત પદ્મનાભ સાહેબે આશીર્વાદ પાઠવ્યા.

કબીરની પ્રવાહી,પવિત્ર અને પરોપકારી ધારાને સાહેબ બંદગી સાથે બાપુએ આરંભ કરતા કહ્યું કે: કબીર પરંપરામાં કોઈ કહે અમે કબીર પંથી છીએ ત્યારે બહુ સારું ન લાગે.કબીર પંથ કોઈ નાનકડો પંથ નહીં,મોટો રાજમાર્ગ છે.એ કાળની ચીંટીઓ ય ચાલી હાથીઓ પણ એની ઉપરથી ચાલ્યા.

તુલસી જેમ વિનયપત્રિકામાં કહે છે-ગુરુએ મને રાજમાર્ગ આપ્યો છે.સદગુરુ સાહેબ-આકાશ પણ જેની પાસે નાનું પડે એવો મહા રાજમાર્ગ છે. કબીરને આપણે વિશ્વાસનો,વિચારનો વિરાગનો, વિવેકનો અને વિદ્રોહનો વડલો કહેલો ત્યારે જેમ કોઈ વૃક્ષની કલ્પના કરીએ ત્યારે તેમાં મૂળ,ફળ, શાખાઓ, પાંદડાઓ,ફૂલ,ફળ અને રસ-સ્થૂળ રૂપે દેખાતા હોય છે.કબીરવડનાં દર્શનથી એનું ક્યુ મૂળ છે ક્યું થડ,કઈ શાખાઓ-એનું દર્શન બાપુએ કરાવ્યું.કબીર અહીં જુદા દેખાય છે.કબીર સાહેબ હશે ત્યારે એની સાથે કેટલા હશે!એક માત્ર બુદ્ધપુરુષ.

જે પરમ અવતરણ થાય એના ઉપર કોઈ કોમેન્ટ ન કરી શકાય.કારણ કે પરમાત્મા પરમ અવ્યવસ્થાનું નામ છે.જેમ ગોડ પાર્ટીકલ કોઈના કાબુમાં નથી.  શબ્દને પકડવો ને પચાવવો-એ સાધુ જ કરી શકે. કબીર કહે હું સાધુને પરખું છું.કબીરને જાતિ,ધર્મ, વાડો કે પંથ ન હોય,એ આકાશ છે.કબીર કમળમાંથી જનમ્યા,કમળ અસંગ છે.આપણે બધા સંગથી જન્મ્યા છીએ.

કોઈ એમ પણ કહે કે સૂર્ય,ચંદ્ર વગેરે તો નિયમમાં ચાલે એવું દેખાય છે તો અવ્યવસ્થા ક્યાં રહી! પણ સૂરજને નિયમ લાગુ પડે,ઈશ્વરને લાગુ ન પડે.

કોઈ પરમ તત્વ ધરતી પર આવે ત્યારે પાંચ તત્વોને ધારણ કરે છે.ઘડો પણ પાંચેય તત્વોમાંથી પસાર થાય છે.માટીનો છે-એ પૃથ્વી.એમાં પાણી ભરાય છે-એ જળ.અગ્નિમાં તપાવીએ-એ અગ્નિ. અંદર ખાલીપો-ઘટાકાશ છે-એ અવકાશ અને વાયુ આવ-જા કરે એ વાયુ તત્વ છે.

વિશ્વાસ વટનું મૂળ,થડ,શાખાઓ,પાંદડા વગેરેને સમજાવતા જણાવ્યું કે વિશ્વાસનું મૂળ રામનામ છે. ઘણા લોકો કહે છે કબીરના રામ જુદા છે અને તુલસીના રામ જુદા છે.કબીર કહે છે:

એક રામ દશરથ કા બેટા,એક રામ ઘટ-ઘટ મેં લેટા

એક રામ તીનોં લોક પસારા,એક રામ હે સબસે ન્યારા!

કોઈપણ મહાપુરુષો માટે નિર્ણય કરતા પહેલા સંદર્ભ ગ્રંથો જોજો,નહીં તો એને અન્યાય કરી બેસશો. કબીરે એમ કહ્યું કે એ રામ જે બધાથી અલગ છે એને જાણી લો.કબીરે વિધર્મીઓનો પણ વિરોધ કર્યો નથી તો રામનો વિરોધ કેમ કરે! સમન્વયના સુત્રો સમજવા હોય તો તલગાજરડા આવો! ક્યારેક પોતાના ઓનો આગ્રહ રાખવા એ પછીના લોકો પંક્તિઓને હટાવી દેતા હોય છે.પોતાના ગુરુના ચરણમાં દ્રઢ ભરોસો એ વિશ્વાસનું થડ છે. વિશ્વાસના વૃક્ષને ત્રણ ડાળી:ધ્રુવતા-શાશ્વતા,પાત્રતા અને પદવિશ્વાસ.પાત્રતા વિશે શબરીનો સંદર્ભ આપી અને સંવાદ પણ કરવામાં આવ્યો.કબીરે જેટલા પદો લખ્યા છે એ વિશ્વાસના પાંદડા છે,જે નર્તન કરે છે. એમાં સદગુણની સુગંધ એના ફૂલ છે.ચારેય ફળની અપેક્ષાથી મુક્તિ-એ એનું ફળ છે.આ વિશ્વાસ રુપી વૃક્ષનો રસ છે-હરિરસ.

કથા પ્રવાહમાં રામાયણના ચાર ઘાટ જ્યાં ભુશુંડીનું વિજ્ઞાન બોલે અને ગરુડરૂપી જ્ઞાન સાંભળે.તુલસીનું વૈરાગ્ય બોલે અને પોતાનું સંસારી મન સાંભળે. પ્રયાગમાં પરમ વિવેક બોલે અને શરણાગતિ સાંભળે.એ વખતનો કુંભ પૂરો થયો અને ભરદ્વાજ યાજ્ઞવલ્કયને રામ તત્વ વિશે પૂછે છે.એ વખતના કુંભમેળામાં બ્રહ્મ નિરૂપણ,તત્વવિધિ,તત્વજ્ઞાન,ભક્તિની ચર્ચા થાય છે. રામ તત્વ વિશે પૂછાતા યાજ્ઞવલ્ક શિવકથાથી આરંભ કરે છે એ છે સમન્વય.

 

અમૃતબિંદુઓ:

પંથમાં ક્યારેક સંકીર્ણતા અને સ્પર્ધાની શક્યતા હોય છે.

કબીર સાહેબે શ્રદ્ધાની વાત બહુ ઓછી કરી, વિશ્વાસની વાત જ કરી છે;આ છલાંગ છે,સાહસ છે.

આપણે આવ્યા ત્યારે અનામી હતા,જઈશું ત્યારે નનામી હશે.

*આવ્યા ત્યારે નગન,જઈશું આવ્યા ત્યારે નગન;

આમાં કોણ છગન અને કોણ મગન!*

ઝોહરી એ પારસને પરખે,સાધુ શબ્દને પરખે છે.

બુદ્ધપુરુષનાં શબ્દો,શબરીનો વિવેક,રઘુનાથનાં સ્વભાવને સમજી શકે એ ત્રીજે હલેસે પાર એવું તુલસી કહે છે.

પરમ તત્વની વ્યવસ્થા રૂપે જે બુદ્ધપુરુષ ધરતી પર આવે એને કોઈ નિયમ લાગુ પડતો નથી.

કબીરનું તેજ જેમાં ઊતરે એ કમાલ જ હોય,ધમાલ ન હોય!

Related posts

Ujjivan Small Finance Bank has announced the Key Business Numbers for the quarter ending March 31, 2025

Reporter1

Parshwa Jewellery House Norta Nagari with Kirtidan Gadhvi 2025 Garba is organized by Hecta Infrastructure (Arjunbhai Bhutia), Jigar Chauhan Production (Jigarbhai Chauhan), Jayeshbhai Parmar and Krishna Kirtidan Gadhvi

Reporter1

પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજને AHMP ઈન્ડિયા સમિટમાં પ્રાપ્ત થયો એવોર્ડ

Reporter1
Translate »