Nirmal Metro Gujarati News
article

કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ ૨૦૨૫નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે

 

પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને એમના સમગ્ર સાહિત્યને લક્ષ્યમાં લઈને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી એમના કવિકર્મની વંદના કરવામાં આવે છે. આ એવોર્ડમાં ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાળા તથા રૂ.૧ લાખ ૫૧ હજારની સન્માન રાશિનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૫ નો નરસિંહ મહેતા એવોર્ડ કવિ હર્ષ બ્રહ્મભટ્ટને આગામી શરદ પૂર્ણિમા તા. ૬ ઓકટોબર, ૨૦૨૫, સોમવાર, સાંજના ૫. ૩૦ કલાકે ગોપનાથ (તા. તળાજા, જી. ભાવનગર) ખાતે પૂ. મોરારિબાપુના વરદ હસ્તે ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રઘુવીર ચૌધરી અને સારસ્વતો, વિદ્વજ્નો, ભાવકોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે કવિ હર્ષ બ્રહ્મભટ્ટનાં સર્જન કર્મ વિશે કવિ વિનોદ જોશી વક્તવ્ય આપશે તથા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કાવ્યપાઠ કરશે. પૂ. મોરારિબાપુ પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરશે. કાર્યક્રમનું સંચાલન કવિ પ્રણવ પંડ્યા કરશે.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ગુજરાતી ભાષાના સાતત્યપૂર્વક સર્જન કરનારા કવિ છે. તેમણે મુખ્યત્વે ગઝલ સ્વરૂપમાં માતબર ખેડાણ કર્યું છે. તેમના કાવ્ય સંગ્રહોમાં ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’, ‘જીવવાનો રીયાઝ’, ‘ખુદને ય ક્યાં મળ્યો છું?’, ‘ઝાકળ ને તડકાની વચ્ચે’, ‘આભ દોર્યું તો સૂર્ય ઉગ્યો’તો’, ‘કોડિયામાં પેટાવી રાત’, ‘તું મળે ત્યારે જડું છું’ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી ઉપરાંત તેમણે ઉર્દૂ ગઝલ ક્ષેત્રમાં પણ કલમ ચલાવી છે અને શેરિયત સંપન્ન ગઝલસંગ્રહો આપ્યા છે જેમાં ‘કંદીલ’, ‘સરગોશી’, ‘મેરા અપના આસમાં’, ‘ખામોશી હૈ ઈબાદત’, ‘મંઝિલો કો હટા કે ચલતે હૈ’, ‘જબ શામ કે સાયે ઢલતે હૈ’ નો સમાવેશ થાય છે. તેમની ગઝલો ભારતભરનાં દિગ્ગજ સંગીતકારો અને ગાયકો દ્વારા વિવિધ મ્યુઝીક આલ્બમ સ્વરૂપે પણ પ્રસાર પામી છે. સર્જન ઉપરાંત એમણે ‘વીસમી સદીની કાવ્યમુદ્રા’, ‘શબ્દ સાથે મારો સંબંધ’, ‘યોગેશ જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘બેસ્ટ ઓફ મિસ્કીન’, ‘મારું સત્ય’, ‘પ્રેમ વિશે’, ‘સાહિત્યમાં દરિયો’ જેવા નોંધપાત્ર સંપાદનો પણ આપ્યા છે. હિન્દી ફિલ્મોનાં ગીતોમાં કાવ્યતત્વ વિશે એમનો આસ્વાદ ગ્રંથ ‘એક અભિન્ન અનુબંધ’ પણ લોકચાહના પામ્યો છે. છેલ્લા એક દાયકાથી તેઓ અમદાવાદ ખાતે કાવ્યપાઠ શ્રેણી ‘સદા સર્વદા કવિતા’નું એકલપંડે આયોજન કરી રહ્યા છે જેનાં ૧૦૮ થી વધુ કાર્યક્રમો અંતર્ગત ૩૫૦થી વધુ સ્વનામ ધન્ય અને નવોદિત કવિઓએ કાવ્યપાઠ કર્યો છે અને એ રીતે કવિતાનું વાતાવરણ ધબકતું રાખવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટનું કવિકર્મ અનેક પારિતોષિક દ્વારા સુપેરે સન્માનિત થયું છે. આઈ.એન.ટી. મુંબઈ દ્વારા તેમને શયદા એવોર્ડ અને કલાપી એવોર્ડ એનાયત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘દિલીપ મહેતા પારિતોષિક’ અને ‘ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક’ સન્માન પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત ગુજરાત (ઉર્દૂ) સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, કુમાર સુવર્ણચંદ્રક, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, જયંત પાઠક સન્માન અને કવિશ્રી રમેશ પારેખ સન્માન દ્વારા એમનું કવિત્વ પોંખાયું છે.

વ્યવસાયે ગુજરાત સરકારનાં નિવૃત્ત અગ્રસચિવ અને કાવ્યપદાર્થને અનેકવિધ રીતે સેવી રહેલા કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતાના નામ સાથેનો ગુજરાતી કવિતાનો આ સર્વોચ્ચ એવોર્ડ નરસિંહ મહેતાનાં જીવન સાથે સુસંલગ્ન સ્થાન ગોપનાથ ખાતે શરદપૂર્ણિમાનાં અજવાળે પૂ. મોરારિબાપુનાં વરદ હસ્તે એનાયત થાય એ રળિયામણી ઘડી ઔચિત્યપૂર્ણ બની રહેશે.

Related posts

Celebrate Rakshabandhan with the QNET India Exquisite Gift-Guide

Reporter1

Akasa Air serves up the third edition of its Diwali special meal: A culinary journey oftraditionandtaste

Reporter1

સેવા,સ્મરણ,સંરક્ષણ અને સમર્પણ-એ વૃદ્ધો માટે કરવા જેવા સરળ કામ છે

Reporter1
Translate »