Nirmal Metro Gujarati News
article

ગાય ચૂપ રહે ત્યારે મુનિ છે,ભાંભરે છે ત્યારે ઋષિ છે

ગાયના બે શિંગ છે એ ઋષિ અને મુનિ છે.
ગૌમાતા વ્યાપક તત્વનો પર્યાય છે.
ગૌમાતાનાં અંગોમાં લક્ષ્મીનો નિવાસ છે.
ગોદાન શ્રેષ્ઠ દાન છે.
આંગણમાં એક ગાય હોય તો આખું ઔષધાલય ઊભું છે.
ગાયનો વધ તો ન જ થવો જોઈએ,પણ બધ્ધ એટલે કે ગાયને બાંધવી પણ ન જોઈએ.
પરમ આહલાદીની શક્તિ શ્રી રાધેજૂનાં ચરણોમાં પ્રણામ કરીને,આવતીકાલથી શરૂ થતી નવરાત્રીની પૂર્વે અંબા ભગવતી ભવાનીનું સ્મરણ કરીને ગૌ માતાની ખરીથી ઊડી રહેલી રજને શિરોધાર્ય કરીને બરસાના ધામ-મથુરાથી રામકથાના બીજા દિવસે બાપુએ ગૌ સૂક્ત-જે અથર્વવેદમાં આપ્યું છે એના પહેલા મંત્રનો ઉચ્ચારણ કરતા કહ્યું:
*માતા રુદ્રાણાં દુહિતા વસૂનાં*
*સ્વસાદિત્યાનામમૃતસ્ય નાભિ:*
*પ્ર નુ વોચં ચિકિતેષુ જનાય*
*મા ગામનાગામદિતિં વધિષ્ટ*
ગૌમાતા રુદ્રોની મા છે.કોઈ ગ્રંથ,કોઈ યુગ,કોઈ વેદ એવો નથી જેમાં ગૌમાતાનું વર્ણન ન હોય.વર્ણો પણ પોતાની વૃત્તિથી ગૌમાતાનું વર્ણન કરે છે એનો મતલબ છે ગૌમાતા વ્યાપક તત્વનો પર્યાય છે. ગૌમાતાનાં અંગોમાં લક્ષ્મીનો નિવાસ છે.જેનાં અંગમાં લક્ષ્મી હોય,જેની ખૂર-ખરીઓથી રજ ઉડતી હોય તો એવી ગૌમાતા માટે અપીલ કરવાની પણ જરૂર નથી.છતાં પણ દેશ,કાળ અનુસાર પ્રેક્ટીકલ બનીને દાન માટે અપીલ થાય છે.
બાપુએ કહ્યું કે વિદેશથી પણ ફોન આવ્યા છે કે ક્યાં ક્યાં સેવા કરવી છે?જેમાં એક કરોડ રૂપિયાની આપવાની વાત થઈ.બાબા તો અપીલ કરવાની પણ મનાઈ કરે છે.
ગાય આપણી પણ માતા તો છે જ.ગૌ-વિચાર,ગૌ આચાર બધી જ જગ્યાએ વ્યાપ્ત છે.
હરેશભાઈનાં એક મિત્રએ તત્કાલ પાંચ કરોડ રૂપિયાની જાહેરાત કરી.
જ્યારે આકાશવાણી થઈ અને દાનના મહિમાની વાત આવી ત્યારે નારદજીને વિનય કર્યો કે આપ પ્રગટ થઈ અને દાન વિશેની વાત વ્યવસ્થિત સમજાવો. નારદજી કહે છે ત્રણ પ્રકારના દાન છે:ઉત્તમ,મધ્યમ અને કનિષ્ઠ.ઉત્તમ દાનોમાં ભૂમિદાન,કોઈને ઘર બનાવી આપવું,સ્વર્ણ-સોનાનું દાન.પણ આ યાદીમાં ક્યાંય કન્યાદાનનો ઉલ્લેખ નથી!ઋષિઓનું ચિંતન જુઓ કન્યા એ સમર્પણ છે.વિદ્યાદાન અને સૌથી છેલ્લે શ્રેષ્ઠ દાનમાં ગોદાનની વાત કરેલી છે.
વધુ માગ-માગ કરવાની પણ જરૂર નથી.રાધારાણી બેઠી છે,સ્વયં ગાય ખેંચશે.કથા સાધન નહીં સાધ્ય છે ઉપલબ્ધિ છે,પરિણામ છે.સ્વયં કથા ગાય છે.કોઈ લક્ષ્ય પણ ન બનાવવું કે આટલી રાશિ ભેગી કરી લેશું.તુલસીદાસજીએ ૫૦થી વધુ વખત ગાયનું સ્મરણ અહીં કર્યું છે.
જ્યારે ગાય માતા ભાંભરે છે સાક્ષાત પરમ તત્વને અવતાર લેવો પડે છે એની શક્તિનો અંદાજ કોણ લગાવશે!
વિપ્ર-ધેનુ શબ્દ સાથે સાથે લખ્યો છે.ગાય ચૂપ રહે ત્યારે મુની છે અને ભાંભરે છે ત્યારે ઋષિ છે.ગાયના જે ૧૬ રૂપ છે એમાં બે શિંગ છે જે ઋષિ અને મુનિ છે.
બની શકે તો ગૌશાળાની પાંચ-પાંચ ગાયો દત્તક લઈ શકો.એક સમયે જે દેશનું અર્થશાસ્ત્ર જ ગાય હતું. ભગવાન બુદ્ધ ગાયનું દૂધ પીતા.મહાપુરુષો પણ ગાયના દૂધનું સેવન કરેલું છે.
હું વિનય કરું છું કે પ્રત્યેક ગામમાં પાંચ શાળાઓ જેમાં:પાઠશાળા,વ્યાયામ શાળા,ધર્મશાળા, ભોજનશાળા અને ગૌશાળા હોવી જોઈએ.
બર-વરદાન,સાના-યુક્ત મતલબ કે આ ભૂમિ વરદાનથી યુક્ત છે.
મધ્યમ દાનમાં ઉપવન અને બગીચાઓ,કૂપ-વાવડી બનાવી દેવી.
કનિષ્ઠ દાનોમાં કોઈને જોડાં ખરીદી દેવા,છત્રી આપવી કોઈના વ્યસનમાં સહાયક બનવું એવું નારદજીએ કહ્યું.
ભગવાન શિવ પણ ગૌમાતાની સેવાનો સંકેત કરે છે પ્રત્યક્ષ રૂપમાં શિવ નંદીની સેવા કરે છે.દિલીપ રાજાએ નંદીની નામની ગાયની સેવા કરેલી.અધ્યાત્મ રામાયણમાં રામ ગાય ચરાવવા જાય છે એવું બતાવ્યું છે.ગાય માટે આખો અવતાર આવે!પૃથ્વી પણ ગાય છે,ગાય ક્યાં નથી?
સૂક્તમાં ગાયને વસુઓની પુત્રી,આદિત્યની બહેન અને અમૃતનું કેન્દ્ર જણાવ્યું છે.
જો આપના આંગણમાં એક ગાય હોય તો આખું ઔષધાલય ઊભું છે.વિચારકોને પણ કહ્યું કે તમે ધ્યાન રાખજો ક્યાંય ગાયનો વધ ન થાય.વધ તો ન જ થવો જોઈએ પણ બધ્ધ એટલે કે ગાયને બાંધવી પણ ન જોઈએ,મુક્ત રીતે ઘૂમતી રહે.
શૃંગી ઋષિ અને લોમસ મુનિ છે.બને શિખરસ્થ એટલે કે શિંગડાઓમાં નિવાસ કરે છે.મોટાભાગનાં દેશમાં ગાયના દૂધનું સેવન થાય છે.
ગાયની પૂજા તો કરીએ છીએ,એને પ્રેમ પણ કરીએ. કથાનાં ક્રમમાં રામનામમાંથી રા લઈને એને ધા લગાડીએ તો રાધા થઈ જાય છે એવું કહી રામકાર્ય માટે જેણે સહયોગ આપ્યો એ બધાની વંદના કરતા કરતા રામનામ,નામ મહામંત્રની બોંતેર પંક્તિઓમાં વંદના થઇ.રામાયણની રચના,પ્રાગટ્યનો આધ્યાત્મિક ઇતિહાસ કહેવાયો.

 

 

Related posts

આ સંસ્થાનાં સૂત્રોમાં ભારતીય દર્શન ખૂબ દેખાય છે,કોઇ માને ન માને અલગ વાત છે

Reporter1

WOW Skin Science Adds 1M New Customers from Tier 2+, Eyes 5X ARR Growth on Meesho

Reporter1

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

Reporter1
Translate »