નવસારી શહેર પ્રમુખ તરીકે દીપક બારોટની નિમણૂક
આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓફિસ બહાર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારી, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – આગામી સમયમાં યોજાનારી નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અનુભવી નેતા દીપક બારોટની નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓફિસ બહાર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવસારી કોંગ્રેસ લાંબા સમયથી અનેક પડકારોનો સામનો કરી રહી હતી, જેને પગલે પ્રદેશ નેતૃત્વએ સુધારાવાદી અભિગમ અપનાવ્યો છે. ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી, જે સંગઠનની નબળાઈ અને કાર્યકરોની નિષ્ક્રિયતા સૂચવતી હતી. સંગઠનમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક જૂથવાદને કારણે વિપક્ષ તરીકે જનતાના પ્રશ્નો ઉઠાવવામાં પક્ષ નિષ્ફળ રહ્યો હતો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાની મુલાકાત દરમિયાન કાર્યકરો અને બુદ્ધિજીવી વર્ગ પાસેથી લેવાયેલી ’સેન્સ’માં દીપક બારોટનું નામ સર્વોપરી રહ્યું હતું.
દીપક બારોટ સંગઠન ચલાવવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ વર્ષ ૨૦૦૮માં પણ શહેર પ્રમુખ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યા છે. કાર્યકરો સાથેના સીધા જોડાણ અને પાયાના સ્તરની પકડને કારણે પ્રદેશ સંગઠને તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો છે.

