Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો રાહુલ ગાંધીએ ઉઠાવતા સંસદમાં હોબાળો

કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો

રાહુલ ગાંધીએ કારવાંના પુસ્તક અને પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨  ફેબ્રુઆરી ૨૦૨૬ — સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ કારવાંના પુસ્તક અને પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો વધી જતાં લોકસભાને ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો કહે છે કે અમે આતંકવાદ સામે લડીએ છીએ પણ એક તથ્યથી ડરે છે. પુસ્તકમાં એવું તો શું છે જેને અમે ન વાંચી શકીએ. અમને વાંચવા તો દો. તેમાં એ તમામ હકીકતો જણાવાઈ છે જે ડોકલામમાં ઘટી હતી. આ પુસ્તક આર્મી જનરલ નરવણેએ જ લખ્યું છે. બસ આ વાત પર રાજનાથ સિંહ ભડક્યા અને તેમણે કહ્યું કે જો નરવણેને લાગતું હતું કે રોક લગાવાઈ છે તો તેઓ કોર્ટ જઈ શકતા હતા. તેઓ કોર્ટ કેમ ન ગયા? રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનના ટેન્ક કૈલાશ રેન્જ પર ચઢી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ હોબાળો થવા લાગ્યો હતો. ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરુ કરતાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું કે હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરુ જ કર્યું છે. રાહુલ ગાંધી આર્મીના જનરલ નરવણેના પુસ્તક અંગે નિવેદન આપવા માંગતા હતા. જોકે રાજનાથ સિંહ વારંવાર ઊભા થઈને વિરોધ કરતાં રહ્યા અને કહ્યું કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? જો પ્રકાશિત ન થઈ હોય તો તમે સંસદમાં ન બોલી શકો.
રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માત્ર ૫ જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ ઁસ્ મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે. ત્યાર પછી સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો.

રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને ટાંકીને વાત કરી. આનાથી ટ્રેઝરી બેન્ચમાંથી પણ હોબાળો થયો. સંરક્ષણ મંત્રીએ વાંધો ઉઠાવતાં કહ્યું કે તેમને આવું કરવાની મંજૂરી ન આપવી જોઈએ. ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે જો કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય, તો વિપક્ષના નેતાએ તે વાંચવું જોઈએ. ડૉ. લોહિયાથી મુલાયમ સિંહ યાદવ સુધીના ઉદાહરણો આપતા અખિલેશે કહ્યું કે આપણે ચીન સામે સાવધ રહેવું જોઈએ. લોકસભા સ્થગિત થયા બાદ ૩ વાગ્યે ફરી શરૂ થઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. ચીનની સેનાની ૪ તોપ કૈલાશ રેન્જમાં ઘૂસણખોરી કરી રહી હતી…. રાહુલ ગાંધી આટલું બોલ્યા એવામાં રાજનાથ સિંહ ઊભા થયા અને કહ્યું કે, વિપક્ષ નેતા આ વાત ક્યાંથી કહી રહ્યા છે? આ કાલ્પનિક વાતો છે. આ સમગ્ર દેશને ભ્રમમાં નાંખી રહ્યા છે. આમને બોલતા રોકવા જોઈએ. રાહુલ ગાંધી આટલું બોલ્યા ત્યાં લોકસભામાં ફરીથી હોબાળો શરૂ થયો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તમે માત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ પર જ બોલો. આ જ નિયમ છે.

Related posts

૬ વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે

Master Admin

કોમર્શિયલ LPG ભાવમાં ૧૯૫.૫ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

Master Admin

શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, બોર્ડર હવે બીએસએફને હવાલે

Master Admin

Leave a Comment

Translate »