વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજસ્થાનથી બિહાર સુધી, લગભગ ૧૫ રાજ્યમાં હવામાનની સ્થિતિ જોખમી બની છે : વરસાદની આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૬ માર્ચ ૨૦૨૬ — માર્ચના છેલ્લા અઠવાડિયામાં, હવામાને ફરી એકવાર મિજાજ બદલ્યો છે. લોકોને વરસાદ બાદ એવું લાગતું હતું કે, ઉનાળાની ગરમી હવે વધુ તીવ્ર બનવા લાગશે. પરંતુ કેટલાક વિસ્તારોમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. કાળઝાળ ગરમીની જગ્યાએ કાળા વાદળોએ લીધી છે. ઉત્તર ભારતમાં તો પવનની ગતિ વધી રહી છે અને ઘણી જગ્યાએ વાવાઝોડા અને વરસાદ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનથી બિહાર સુધી, લગભગ ૧૫ રાજ્યમાં હવામાનની સ્થિતિ જોખમી બની ગઈ છે. જોરદાર પવનો, વીજળીના કડાકા અને કરા પડવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગે (ૈંસ્ડ્ઢ) સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જે સિસ્ટમ બની છે તેના કારણે આ વરસાદ થઈ રહ્યો છે. જે આગામી દિવસોમાં દેશના નોંધપાત્ર ભાગને અસર કરે તેવી અપેક્ષા છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.
દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવો તે પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણ દિશાના પવનોની અસર છે. ઉત્તર ભારતથી ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને તોફાનનો સામનો કરવો પડી રહ્યો છે જે સ્થાનિક વસ્તી માટે મુશ્કેલીઓ વધારી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ હવામાનની આવી સ્થિતિ ૨૬ માર્ચથી ૩૦ માર્ચ સુધી સંપૂર્ણપણે સક્રિય રહેશે. આ સમયગાળા દરમિયાન, પવનની ગતિ ૩૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેવાની ધારણા છે, જે ચોક્કસ ચોક્કસ પ્રદેશોમાં ૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. વધુમાં, તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે. દેશની સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે બુધવારે જણાવ્યું છે કે, આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન માટે આગાહી માટે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, ૨૮ માર્ચ ૨૦૨૬ની રાતથી ઉત્તર-પશ્ચિમ ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય તેવી શક્યતા છે. આ સાથે મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન (સરેરાશ સમુદ્ર સપાટીથી) હવે લેસ માર્ક થયું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રવિવારે ૨૯ માર્ચના રોજ બનાસકાંઠા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. ૨૯ માર્ચના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ૩૦મી માર્ચ અને સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.


1 comment
Monetize your influence—become an affiliate today!