Nirmal Metro Gujarati News
GujaratPolitics

ગુજરાતમાં ’SIR’ વિવાદઃ ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-૭ પાછા લેવા પડ્યા

રાજ્ય ચૂંટણી પંચને ૧૪.૧૧ લાખ ફોર્મ-૭ મળ્યાં હતાં, જેની સંખ્યા રાતોરાત ઘટીને ૧.૮૩ લાખ થઈ ગઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે, જ્યારે હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી થઈ રહી છે. જો કે, મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી લાખો ફોર્મ-૭ ભરાતાં હોબાળો મચ્યો હતો. આખરે જેલ અને દંડની જોગવાઈના ડરથી ખુદ ભાજપના નેતા અને કાર્યકરોએ જ વાંધા પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. પરિણામે એવુ થયું કે, રાજ્ય ચૂંટણી પંચને ૧૪.૧૧ લાખ ફોર્મ-૭ મળ્યાં હતાં, જેની સંખ્યા રાતોરાત ઘટીને ૧.૮૩ લાખ થઈ ગઈ હતી. આ આખોય મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.ગુજરાતમાં મતદારોની જાણ બહાર જ ફોર્મ-૭ ભરીને વાંધા ઉઠાવવામાં આવ્યા હતાં,જેના પગલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, ખુદ રાહુલ ગાંધીએ ’ઠ’ પર પોસ્ટ કરીને ગુજરાતમાં ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતાં.

આ ઉપરાંત લાખો મતદારોના નામ કમી કરવાના બદઈરાદાને લઈને સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી ચાલી રહી હતી. જેના પગલે રાજ્યનું ચૂંટણી પંચ સાવધાન થયું હતું. ચર્ચા એવી છેકે, ખુદ મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ દિલ્હી જઈને વાસ્તવિકતા રજૂ કરી હતી. એટલુ જ નહીં, શાસક પક્ષને સ્પષ્ટ કહી દેવાયુંકે, મતદારનું નામ રદ કરવાના ઈરાદે ફોર્મ-૭ ભરનારે પુરાવા રજૂ કરવા પડશે. જો માહિતી ખોટી હશે તો પોલીસ ફરિયાદ થઈ શકે છે. એક વર્ષની જેલ અને એક લાખના દંડ પણ થશે.

રાજ્યમાં એકેય વિધાનસભા બેઠક એવી નહી હોય જ્યાં ફોર્મ-૭ ભરાયાં ન હોય. એક તબક્કે રાજ્ય ચૂંટણીપંચને ૧૪.૧૧ લાખ ફોર્મ-૭ મળ્યા હતાં. જે જોઇને ખુદ ચૂંટણી પંચ પણ મૂંઝવણમાં મૂકાયુ હતું કેમકે, જો સુનાવણી કરવામાં આવે તો લાખો અરજદારોને સાંભળવા પડે. સવાલ એ પણ હતો કે, મોટાભાગે ફોર્મ-૭ ખોટા નામે ફોર્મ ભરાયાં હતાં. આ ઉપરાંત ખુદ ભાજપના નેતા-કાર્યકરોએ એફિડેવિટ કરીને પીછેહટ કરવી પડી હતી પરિણામે વાંધાઓની સંખ્યા રાતોરાત ઘટી ગઈ હતી. આમ લાખો મતદારોના નામ કમી કરવાનો ઇરાદો સફળ થયો ન હતો. આમ, ચૂંટણી પંચે સલાહ આપીને શાસક પક્ષનો હળવેકથી બચાવ કરી લીધો હતો. આખોય રાજકીય મામલો થાળે પડ્યો હતો.

 

Related posts

હાલારના ક્ષત્રિય સમાજનો નિર્ણય – કોંગ્રેસને તો મત નહીં જ આપીએ

Reporter1

ઈરાનના ૧૦૦ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો : પોલીસકર્મીની ચાકુ મારીને હત્યા

Master Admin

ભારત-EU વચ્ચેની ઐતિહાસિક ટ્રેડ ડીલ ૨૭ જાન્યુઆરીએઃ કૃષિનો સમાવેશ નહીં

Master Admin

Leave a Comment

Translate »