ગુનેગારો સામે ઝીરો ટોલરન્સનો હુંકાર
ગુજરાત સરકારે ગૃહ અને ન્યાય વિભાગ માટે રૂપિયા ૧૬,૯૬૭ કરોડની ઐતિહાસિક ફાળવણી કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૧ માર્ચ ૨૦૨૬ — ગુજરાત વિધાનસભામાં ગૃહ અને ન્યાય વિભાગ માટે રૂ.૧૬,૯૬૭ કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ માટે નવા 2-BHK આવાસો અને પોક્સો ગુનાઓમાં ઝડપી તપાસ દ્વારા દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ, જેલ, કાયદા અને ન્યાય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો ધારદાર જવાબ આપતા રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષના પાયાવિહોણા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા વિભાગોની સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિકાસની ઈમારત હંમેશા કાયદો અને વ્યવસ્થાના મજબૂત પાયા પર જ ઊભી રહી શકે છે. આ અંદાજપત્રમાં ગૃહ વિભાગ માટે રૂ.૧૪,૨૬૫ કરોડ અને કાયદા-ન્યાયતંત્ર માટે રૂ.૨,૭૦૨ કરોડ મળી કુલ રૂ.૧૬,૯૬૭ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ ફાળવણી ગુજરાતના નાગરિકોના નિર્ભય જીવન અને મહિલાઓના સન્માનનો જીવંત દસ્તાવેજ છે. સંઘવીએ ઉમેર્યું કે, “ગૃહ વિભાગ એ ગુજરાતની ઢાલ છે, જ્યારે ન્યાયતંત્ર એ રાજદંડ છે.” ભૂપેન્દ્ર પટેલની સરકારનો મંત્ર સ્પષ્ટ છેઃ ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય.’BHARAT’ (B.H.A.R.A.T.) વિઝન અંતર્ગત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને છ મુખ્ય સ્તંભો દ્વારા વધુ આધુનિક અને સુદ્રઢ બનાવવામાં આવી રહી છે તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ વ્યૂહરચના હેઠળ Border, Coastal & Cyber Securityને પ્રાધાન્ય આપી પાકિસ્તાન સાથેની ૫૧૨ કિમીની આંતરરાષ્ટ્રીય સીમા અને ૨૩૦૦ કિમી લાંબા દરિયાકિનારે અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરાશે.
સંઘવીએ કહ્યું કે, High-Tech Infrastructure & Human Resources અંતર્ગત પોલીસ પરિવારો માટે નવા આવાસોનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, Action Against Terror, Drugs & Mafia હેઠળ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે.

