Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો નિર્દેશ

કેટલાક જીવિત મતદારોને પણ ચૂંટણી પંચે મૃત ઘોષિત કરી દીધા

સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ SIR મામલે ‘પાર્ટી ઈન પર્સન’ હાજરી આપી રજૂઆત કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી SIR(સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. મમતા બેનરજીએ આ કેસમાં ‘પાર્ટી ઈન પર્સન’ હાજરી આપી પશ્ચિમ બંગાળમાં મતદારોને પડી રહેલી હાલાકી અંગે રજૂઆત કરતા કહ્યું હતું કે, નામના સ્પેલિંગમાં સાધારણ મિસ-મેચ જેવી તાર્કિક વિસંગતતાઓના પગલે નોટિસો આપવામાં આવે છે. સ્પેલિંગ મિસ-મેચ જેવા કિસ્સામાં ચૂંટણી પંચના અધિકારીઓને સંવેદનશીલ રહીને કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા.મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે, માઈક્રો-ઓબઝર્વર્સે SIRની પ્રક્રિયાનો દોર હાથાંલીધો છે અને મતદારોના નામ કમી કરી રહ્યા છે. જેના કારણે ERO (ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર) પાસે કોઈ સત્તા રહેતી નથી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ કેસની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારને ખાતરી આપી હતી કે, જરૂરિયાત જણાશે તો આ કેસમાં દરેક દસ્તાવેજ પર બૂથ લેવલ ઓફિસરની સહી ફરજિયાત રાખવાનો હુકમ કરવામાં આવશે, કારણ કે તેઓ સાચા અધિકૃત અધિકારી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચ દ્વારા પશ્ચિમ બંગાળમાં SIRની કાર્યવાહી સંદર્ભે ચાર પીટિશનની સુનાવણી ચાલી રહી છે. જેમાં છેલ્લી પીટિશન મમતા બેનરજીની છે, જેમણે ૨૮ જાન્યુઆરીએ પીટિશન ફાઈલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, અસ્પષ્ટ, ગેરબંધારણીય અને ઉતાવળે કાર્યવાહી થઈ રહી છે અને ચૂંટણી પંચ ગેરકાયદે કાર્યવાહી કરી રહ્યું છે. તાર્કિક વિસંગતતાઓ હોવા છતાં અનેક મતદારોને ‘અનમેપ્ડ’ યાદીમાં મૂકી દેવાયા છે. લગ્ન બાદ નામ અને સરનામામાં પરિવર્તન આવ્યું હોય તેવી મહિલાઓને પણ ચૂંટણી પંચે નોટિસ મોકલી છે. કેટલાક જીવિત મતદારોને પણ ચૂંટણી પંચે મૃત ઘોષિત કરી દીધા છે. વધુમાં મમતા બેનરજી તરફથી રજૂઆત થઈ હતી કે, ચૂંટણી પંચે નોટિસ મોકલી હોય તેવા ૫૦ ટકાથી વધુ કેસમાં તાર્કિક વિસંગતતાઓ જવાબદાર છે. સગીરના નામમાં મિસમેચ હોય અથવા સ્પેલિંગ અલગ હોય તો પણ નોટિસ અપાઈ છે. આ પ્રકારના કિસ્સાઓમાં વેરિફિકેશનનો સમય ઓછો હોવાથી સાચા મતદારોના નામ કમી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ પ્રકારની વિસંગતતાઓ નિવારવા માટે પશ્ચિમ બંગાળ સરકારને અધિકારીઓની નિમણૂક કરવા અને ચૂંટણી પંચને મદદરૂપ થવાના નિર્દેશ આપ્યા હતા.

Related posts

શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો દેશની લોકશાહી ખતરામાં

Master Admin

સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન કરવું ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ

Master Admin

બટરફ્લાય યુટીટી સિઝન-7નાં ભવ્ય પ્રારંભ માટે ગોવા તૈયાર, યજમાન ડેમ્પો ગોવા ચેલેન્જર્સ અને વર્તમાન ચેમ્પિયન યુ મુમ્બા ટીટી વચ્ચે થશે પ્રારંભિક મુકાબલો

Reporter1

Leave a Comment

Translate »