Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પાક.માં આર્મી ચેક પોસ્ટ ઉપર આત્મઘાતી હુમલામાં ૧૮ના મોત

પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો

હુમલાખોર મોટરસાઇકલ સાથે સેનાની ચેક પોસ્ટ સાથે અથડાયો : હાફિઝ ગુલ બહાદુર હુમલાનો માસ્ટરમાઇન્ડ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૭ માર્ચ ૨૦૨૬ — પાકિસ્તાનમાં ફરી એક મોટો આતંકી હુમલો થયો છે. એક આત્મઘાતી હુમલાખોર મોટરસાઇકલ સાથે પાકિસ્તાની સેનાની ચેક પોસ્ટ સાથે અથડાયો હતો. ટક્કર થતાની સાથે જ બાઇક અને ચેક પોસ્ટના ફુરચા ઉડી ગયા હતા. આ હુમલામાં આશરે ૧૮ લોકોના મોત થયા છે, જેમાં ૫ બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા છે, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હુમલો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદી વિસ્તાર મીરાનશાહમાં ચશ્મા પુલ પર ગઈકાલે સાંજે લગભગ ૪ઃ૩૦ વાગ્યે થયો હતો.

નોંધનીય છે કે, આ હુમલાની જવાબદારી હાફિઝ ગુલ બહાદુર જૂથ સાથે જોડાયેલા આતંકી સંગઠન ઉસ્તુદ ઉલ ખોરાસન (USK) એ લીધી છે. આ સંગઠન ઇત્તિહાદ ઉલ મુજાહિદ્દીન પાકિસ્તાન (IMP) સાથે જોડાયેલું છે. IMP નો પ્રમુખ હાફિઝ ગુલ બહાદુર છે, જે આ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. તેણે જ પાકિસ્તાનમાં બજારની વચ્ચે આવેલી ચેક પોસ્ટ પર સુસાઈડ એટેક કરાવીને લોકોના જીવ લીધા. બાઇકમાં એટલો વિસ્ફોટક પદાર્થ હતો કે બજારની અનેક દુકાનોમાં આગ લાગી ગઈ અને લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.

મળતી માહિતી મુજબ, આતંકી હુમલો કરનાર સંગઠન ઉસ્તુદ ઉલ ખોરાસનના સહયોગી સંગઠન IMP ના વડા હાફિઝ ગુલ બહાદુરનું કનેક્શન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સાથે છે. હાફિઝ ગુલ બહાદુરને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI એ તાલીમ આપી છે. ગુલ બહાદુરની તાલીમ મસૂદ અઝહરના બન્નૂ સ્થિત ટ્રેનિંગ કેમ્પમાં થઈ હતી. હાફિઝ ગુલ અફઘાનિસ્તાનથી આવીને આતંકી મસૂદ અઝહર સાથે જોડાયો હતો.

આ સિવાય તે પોતાનો એક મદરેસા પણ ચલાવતો હતો, જ્યાં આતંકીઓને તાલીમ આપીને ૬૦% આતંકીઓને અફઘાનિસ્તાન મોકલતો હતો અને ૪૦% આતંકીઓને જૈશ-એ-મોહમ્મદ અને અલ બદ્ર માટે લડવા માટે કાશ્મીર મોકલતો હતો. જોકે, લાલ મસ્જિદ કાંડ પછી જ્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) નામના આતંકી સંગઠનનો જન્મ થયો, ત્યારે હાફિઝ ગુલ બહાદુર પણ એ આતંકીઓમાં સામેલ થઈ ગયો જેણે પાકિસ્તાન સામે જ યુદ્ધ છેડી દીધું હતું. આ યુદ્ધ પાકિસ્તાન વિરુદ્ધ હજુ પણ ચાલુ છે.

Related posts

ઈરાની પોતાનું ઇન્ટરનેટ બનાવવાની તૈયારીમાં

Master Admin

અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં ઉતાર્યું સુપરસોનિક બોમ્બર વિમાન

Master Admin

હું પીએમ મોદીનું રાજકીય કરિયર ખતમ કરવા નથી માંગતો : ટ્રમ્પ

Master Admin

Leave a Comment

Translate »