જામનગરમાં પટેલ કોલોનીની ઘટના
પોલીસે રૂ.૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર,તા.૭ ઓગસ્ટ ૨૦૨૬ — જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ૯ વિસ્તારમાં આવેલી આશાપુરા પાન મસાલાની દુકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હોવાની ખાનગી બાતમીના આધારે સિટી ’બી’ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી ઇંગ્લિશ દારૂના ૧૮૦ એમએલના કુલ ૧૦ પ્લાસ્ટિક પાઉચ મળી આવતા પોલીસે રૂ.૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ તા.૬ ઓગસ્ટના રોજ પોલીસ સ્ટાફ હનુમાન ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સાંજે આશરે ૭ઃ૩૦ વાગ્યે પટેલ કોલોની શેરી નં. ૯ પાસે ખાનગી બાતમી મળી હતી કે આશાપુરા પાન મસાલાની દુકાનમાં વિદેશી દારૂ વેચાણ અર્થે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બે પંચોને સાથે રાખી સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન દુકાનમાં હાજર ખોડુભા શીલુભા ચુડાસમા (ઉ.વ. ૪૭, રહે. મચ્છરનગર, શેરી નં. ૨, આશાપુરા માતાના મંદિર પાસે, જામનગર)ની પૂછપરછ કરી દુકાનની તપાસ કરતાં પ્લાસ્ટિકની કોથળીમાંથી ઈંગ્લીશ દારૂના ૧૮૦ એમએલના ૧૦ સીલબંધ પ્લાસ્ટિક પાઉચ મળી આવ્યા હતા. દરેક પાઉચની કિંમત રૂ.૩૦૦ મુજબ કુલ રૂ.૩,૦૦૦નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
આરોપી પાસે દારૂ રાખવા માટે કોઈ પાસ-પરમીટ ન હોવાથી પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫, ૬૫(એ)(એ) અને ૧૧૬(બી) હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
