ગૌમાતા સોળ કળાથી પરિપૂર્ણ છે.
રામચરિતમાનસના દરેક કાંડમાં પ્રગટ-અપ્રગટ રૂપમાં ગૌમાતાનું દર્શન છે.
સુખમૂળ આપણા શાસ્ત્રમાં ક્યાંક હોય છે.
આપણે પણ મૂળમાં ગાય સુધી જવું પડશે.
ચિત્રકૂટધામ હનુમાનજીની પ્રસાદી રૂપે પાંચ લાખની રાશિ ગૌસેવા માટે અર્પણ થશે.
બીજ પંક્તિઓ:
જેહિ જેહિ દેસ ધેનુ દ્વીજ પાવઇ;
નગર ગાંવ પુર આગ લગાઇ
ધેનુ રુપ ધરિ હ્રદય બિચારિ;
ગઇ તંહ જહાં સુરમુનિ ચારિ
-બાલકાંડ
ગૌસેવા અને ગૌ-વંશ સેવાના મુખ્ય હેતુથી માતાજી ગૌશાળા કે જ્યાં બે ગાયોમાંથી આજે ૬૫૦૦૦થી વધારે ગાયોનું પાલનપોષણ પદ્મશ્રીથી વિભૂષિત પરમ વિરક્ત સંત શ્રી રમેશ બાબાજી દ્વારા થઈ રહ્યું છે એ ભૂમિ,વૃષભાનુનંદિની રાધારાણીજીની પ્રાગટ્ય ભૂમિ,બરસાના ધામ(મથુરા)ખાતે આજથી શારદીય નવરાત્રિની વેળાએ મોરારિબાપુએ માનસમાંથી આ પંક્તિઓ ઊઠાવીને કથાનો આરંભ કર્યો.
એ પૂર્વે મલૂક પીઠાધિશ્વર રાજેન્દ્રદાસજી તેમજ બલરામ મહારાજ,ગુરુ શરણાનંદજી-રમણ રેતીધામ તથા કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યાએ પોત-પોતાનાં શબ્દ ભાવ રાખ્યા.
મનોરથી હરેશ નટવરલાલ સંઘવી (વીણા ડેવલપર્સ-મુંબઇ)એ ગૌસેવાની વાત જણાવી.
કથામાં સંત શ્રી રમેશ બાબાજીની વિશેષ ઉપસ્થિતિ
રહી.
કથા વિષયને ઉજાગર કરતા બાપુએ કહ્યું કે રાધેજૂંની પરમ કૃપાથી,ગૌમાતાની પુકાર અને વ્રજ મંડળની પ્રગટ-અપ્રગટ ચેતનાઓની કૃપાથી અહીં કથાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે,બધાને પ્રણામ કરીને સૌથી મહત્વની વાત કથા મનોરથી હરેશભાઈએ આ કથાનાં ઉપ લક્ષમાં માતાજી ગૌશાળામાં પાંચ કરોડ ચાર લાખ રૂપિયાની રાશિ અર્પણ કરી એને બાપુએ સાધુવાદ આપ્યો.
ગાય માટે,યમુનાજી માટે ક્યારેક સોમયજ્ઞ એવા અનેક સેવા કાર્યોમાં નિમિત બનનાર પર યમુનાજી, રાધેજૂં અને ગૌમાતાની કૃપા ઉતરી છે.આપના ઘરમાં સેવા ત્રિવેણી વહી રહી છે એવું બાપુએ કહ્યું.
રમેશ બાબાજી વિશે કહ્યું કે વર્ષો પહેલા અહીં આવેલો ત્યારે એને મળવા ગયો અને એ આ ભૂમિ ઉપર વિચરણ કરતા હતા.એણે કહ્યું કે એક વિશેષ સ્થાન ઉપર તમને લઈ જાઉં પણ ત્યાં આપણે માત્ર બે જ હોઈએ,ત્રીજું કોઈ ન હોય.કૃપા કરીને ત્યાં લઈ ગયા જ્યાં બાબાને અનુભૂતિ અને દર્શન થયેલા. એવા બે-ત્રણ સ્થાનો દેખાડ્યા જે મેરી આંખથી જોયા,એની રજને શિરોધાર્ય કરીને ધન્યતા મહેસૂસ કરી.આપણી આંખ તો ક્યાં જોઈ શકે છે પણ અહીં રાધા સિવાય બીજું કંઈ નથી.
ગત વખતે અહીં માનસ રાધાષ્ટકનું ગાન થયેલું એટલે અજ્ઞાત ચેતના અથવા તો ગૌમાતા એ મનમાં આદેશ કર્યો તેથી કથામાં અથર્વવેદમાં એક ગૌ સૂક્ત આવ્યું છે એ વિષય પર સંવાદ કરીશું.
રામચરિતમાનસના દરેક કાંડમાં પ્રગટ કે અપ્રગટ રૂપમાં ગૌમાતાનું દર્શન છે.
રામકથાને સુરધેનું કહેલી છે.ગૌમાતાનાં ચાર ચરણ, ચાર આંચળ,પૂંછ,મુખ,બે આંખો,બે કાન,બે શિંગને મેળવીએ તો ગૌમાતા સોળકળાથી પરિપૂર્ણ છે. પાશ્ચાત્ય ઇતિહાસકારોનાં મત પ્રમાણે ઉત્ક્રાંતિવાદના આધાર ઉપર માનવજાત વાનરમાંથી ઉપર આવી છે સૌરાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ અન્ય પ્રદેશમાં જે વિખ્યાત છે એવા મહાપુરુષ પાંડુરંગ આઠવલેએ ઉત્ક્રાંતિવાદને દશાવતાર સાથે પણ જોડેલો છે.ઓશોએ પણ કહ્યું કે આપણે વાંદરામાંથી વિકસિત થયા હોય એના કરતાં લાગે છે કે આદિકાળમાં આપણે ગૌમાતા રૂપમાં હતા.
એ પણ કહ્યું કે માણસને આંખ ગાય તરફથી મળેલી છે.ગાયના દેહમાં અને અન્ય રીતે ૧૬ વસ્તુ આપણને ક્યાં ક્યાં પ્રેરિત કરે છે એ સંવાદ કરીશું.
વિજ્ઞાન,વિચારકો,ઇતિહાસકારો કંઈ પણ કહે પણ છેલ્લું મૂળ વેદથી લઈ અને રામચરિત માનસમાં જોવું પડશે.કારણ કે સુખમૂળ આપણા શાસ્ત્રમાં ક્યાંક હોય છે.
આપણે પણ મૂળમાં ગાય સુધી જવું પડશે.
ત્યારે રાવણનું શાસન હતું એ વખતે ગાય અને દ્વિજ એટલે કે કૃષિ અને ઋષિની વચ્ચે ક્યાંક પરમ તત્વ પડ્યું છે એ નષ્ટ કરવા માટે રાક્ષસો આવા નગરો ગામો અને કુળને આગ લગાવતા એ બે પંક્તિઓ બાલકાંડમાંથી ઉઠાવેલી છે.
પરમ સદગ્રંથ વિશેનો મહિમા,ગ્રંથ પરિચય જેમાં શરૂઆતમાં મંત્રો,વંદના પ્રકરણ મંગલાચરણનાં શ્લોક વગેરેનું ગાન કરીને બાપુએ કહ્યું કે કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યાએ પણ રાશિ અર્પણ કરી.
ચિત્રકૂટ ધામનાં હનુમાનજીનાં પ્રસાદ રૂપે પાંચ લાખની ગૌસેવાની રાશિની જાહેરાત પણ કરી અને કહ્યું કે હું અપીલ તો નથી કરતો પણ હંમેશા ભાવ રાખતો હોઉં છું.
ગૌ સેવા માટે અહીંની માતાજી ગૌશાળા માટે આપની રીતે આપ પણ દાન કરી શકો છો.
વિવિધ વંદનાઓ,સિતારામજીની વંદના,ગુરુ વંદના બાદ હનુમંત વંદનાને અંતે આજની કથાને વિરામ અપાયો.