મારા માટે નીજ જીવનમાં દ્વાદશ જ્યોતિર્લિંગોનું અદકેરું મહત્વ છે.
સન્માન આપવામાં પણ સાવધાન,સન્માન મેળવવામાં પણ સાવધાન.
સાધુ સંત મહાપુરુષોની ચર્ચામાં સાવધાન રહો.
કોઈ સાથે સંઘર્ષમાં પણ સાવધાન.
જે સાવધાન રહે છે એ સાધુ છે
મારા માટે સ્વયં ત્રિભુવનદાદા એ મહાદેવ છે,જ્યોતિર્લિંગ છે.
ગુરુ શિવરૂપ હોય છે.
સાવધાન મહામંત્ર છે.
આજે શ્રાવણ માસ ભારતમાં શરૂ થયો ત્યારે આપણે ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ શા માટે છે? આપણી વૈદિક શાશ્વત સનાતન પરંપરામાં ‘બાર’નું શું મહત્વ છે એની વાત કરતા સાતમા દિવસની કથાનો દાવોશના રમણીય સ્થળેથી આરંભ કરીને બાપુએ કહ્યું જેમ દ્વાદશ અક્ષર મંત્ર છે એમ વનવાસ પણ ૧૪ ને બદલે ૧૨-વર્ષ હોય છે.પાંડવો ૧૨-વર્ષનો વનવાસ ભોગવી અને તેરમાં વર્ષે અજ્ઞાતવાસમાં ગયા હતા.
આપણે ત્યાં દ્વાદશ ગુરુઓની પણ પરંપરા છે.દ્વાદશ વૈષ્ણવોનું પણ લિસ્ટ છે.શિવ સાધનાનાં કેન્દ્રમાં બાર શિવલિંગ છે.
બાપુએ પોતાના બાળપણની વાત કરતા કહ્યું કે રામથી વધારે બાળપણમાં શિવને ભજ્યો છે.રામજી મંદિરમાં આરતી પૂજન કરતો.મંત્ર રામનો પણ સેવ્ય સ્વરૂપ શિવનું રહ્યું.ત્યારે દાદા હતા.રૂપાવા નદીમાં સ્નાન કરીને બાવળનાં ઝૂંડની નીચે એકદમ માસુમ રેતીનું શિવલિંગ બનાવી અને સાવિત્રી મા એ ખોદેલી માટીનો લેપન કરી આવળ-બાવળ અને કરેણનાં ફૂલ અને બીલીપત્ર ચડાવી અને બેસતો.શિવ સ્મરણ કરતો.અહીં દાદાનો પ્રસંગ,એ ચમત્કાર નથી પણ થયું તો જરૂર છે.દાદા જર્મન ધાતુનાં પાત્રનાં લોટામાં પૂજા કરતા ,સ્નાન માટે પાણી લેતા અને એ લોટામાં અચાનક વહેતા વહેતા એક શિવલિંગ આવી ગયું. દાદા શિવલિંગ નોતીં રાખતા,શાલીગ્રામ રાખતા હતા પણ હરિપૂજન કરતા હતા અને હર નિંદક ન હતા. એણે કહ્યું કે શિવલિંગ તું રાખ,શ્રાવણ મહિનો પતે પછી એની પૂજા કરજે અને આજે એ શિવલિંગ મારી પૂજામાં છે.જેનું નામ ત્રિભુવનેશ્વર મેં રાખ્યું છે શ્રાવણ મહિનો શરૂ થયો છે ત્યારે આવા પ્રસંગ યાદ આવે છે કે ધીરુકાકા અને હું કાંટાઓ અને કીચડમાં ભૂતનાથ જતા હતા.વર્ષો સુધી શિવ અભિષેક કર્યો. મારા માટે દ્વાદશ જ્યોતિર્લિંગ તો મહાન છે જ પણ નીજ જીવનમાં પણ દ્વાદશ જ્યોતિર્લિંગનો મહિમા પણ છે.ચાર વિશેષ શિવલિંગમાં પહેલા સોમનાથ, પછી કાશી વિશ્વનાથ મહાદેવ,મહાકાલનું મંદિર અને રામેશ્વરમ અને એ પછી વિશિષ્ટ અને અદભુત કથા માનસ-૯૦૦ થઈ એની વાત કરી.
એ સાથે તલગાજરડામાં વિશ્વનાથ,વ્રજનાથ અને ત્રિલિંગ મહાદેવ,રામજી મંદિરમાં જીવનેશ્વર મહાદેવ પ્રભુદાસ બાપુને જુનાગઢમાં એક સાધુએ આપેલું શિવલિંગ-પ્રભુનાથ મહાદેવ,ત્રિભુવનેશ્વર મહાદેવ, સેંજલનું ધ્યાનેશ્વર મહાદેવ અને ૧૨મું મારા માટે સ્વયં ત્રિભુવનદાદા એ મહાદેવ છે,જ્યોતિર્લિંગ છે. ગુરુ શિવરૂપ હોય છે.
જેનું સંપૂર્ણ જીવન અવિરોધ હોય,કોઈ અનુરોધ ન હોય પ્રતિશોધથી મુક્ત હોય.
બાપુએ શ્રાવણ મહિનાની વધાઈ સાથે ક્રિકેટર પંત વિશેનો ફુલછાબના લેખનો ઉલ્લેખ કરીને કહ્યું કે મર્દ કો કભી દર્દ નહીં હોતા!
આજનો મંત્ર કહેતા કહ્યું સાવધાન મહામંત્ર છે. સાવધાનનો અર્થ છે સચેત,હોશમાં રહેવું,જાગૃત રહેવું. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં કહીએ તો:અવેરનેસ. સાવધાન મહામંત્રના આચાર્ય લક્ષ્મણ છે.માનસ સાવધાન કથા પણ થઈ છે.રામચરિત માનસમાં સાવધાન શબ્દ જ્યાં જ્યાં આવ્યા એ ગાઇને બાપુએ કહ્યું કે સાંભળનાર અને બોલનાર સાવધાન રહે.કોઈની ચેતનાએ આપને નિમંત્રણ આપ્યું છે એટલે આપ કથામાં છો અને આવી ઘટના વારંવાર ઘટતી નથી,આ અવસર છે.
પરમ ત્યાગી સમાન કોઈ ધનવાન નથી.
ભુશુંડી અને ગરુડની ચૈતસિક એકતાની વાતો કહીને કહ્યું કે બંને એકબીજાને તાત કહે છે. હું પણ આપને બાપ કહું છું એનો મતલબ પિતા અને બાળક બંને થાય છે.સન્માન આપવામાં પણ સાવધાન,સન્માન મેળવવામાં પણ સાવધાન.સાધુ સંત મહાપુરુષોની ચર્ચામાં સાવધાન રહો.કોઈ સાથે સંઘર્ષમાં પણ સાવધાન.જે સાવધાન રહે છે એ સાધુ છે.શરીરમાં પણ સાવધાન રહો જ્યાં ત્યાં હાથ અને દ્રષ્ટિ ન જાય મનમાં પણ સાવધાન રહો.બુદ્ધિ અને ચિત્તમાં પણ સાવધાન રહો અને દાદા કહેતા કે અહંકારથી પણ સાવધાન રહો.
કથા પ્રવાહમાં સંક્ષિપ્તમાં વિશ્વામિત્ર સાથે રામ લક્ષમણ દ્વારા તાડકાનો ઉધ્ધાર,અહલ્યા ઉધ્ધારની કથાનું ગાન થયું