*ભરતજી પ્રેમપથનાં માર્ગી છે.*
*કપિ અને કવિ પણ સતત માર્ગી છે.*
*આસક્તિ અનંત હોય છે,આયુષ્ય સિમિત હોય છે.*
*સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાનમાર્ગી,આકાશમાર્ગી ગગનમાર્ગી છે.*
*કાગભુશુંડી કથામાર્ગી છે.*
*મંગલ શબ્દ રામચરિત માનસનો સાવિત્રી મંત્ર છે.*
પ્રાકૃતિક સુંદરતાથી ઓપતાં દક્ષિણ અમેરિકી પ્રાંત આર્કાન્સામાં લિટલ રોકનાં સ્ટેટ હાઉસ કન્વેન્શન સેન્ટર મારખમ સ્ટ્રીટથી મોરારિબાપુનાં શ્રી મુખેથી ૯૫૯મી રામકથાનો આરંભ સાદગી સભર દિવ્યતાથી થયો.
કથા મનોરથી ડોકટર સાહેબ,કમલેશભાઇ તથા પુત્રીઓ શાલુ અને પુત્ર સાગરે પણ સદભાવ અહોભાવ દ્વારા સ્વાગત કર્યું.
*અતિ હરિકૃપા જાહિ પર હોઇ;*
*પાંઉ દેહિ એહિ મારગ સોઇ.*
*મિલેહૂં ગરૂડ મારગ મંહ મોહિ;*
*કવન ભાંતિ સમુજાઉં તોહિ.*
આ બીજ પંક્તિઓનું સમૂહગાન કરાવીને
કથાનું બીજ અને કથાનાં વિષય વિશે બાપુએ વાત કરતા કહ્યું કે:
પરમાત્માની અસીમ કૃપાથી ફરી એક વખત આ દેશમાં રામકથાના નાતે આવ્યા છીએ.થોડા દિવસોથી તલગાજરડા-ચિત્રકૂટ ખાતે વૈષ્ણવ સાધુ સમાજનાં અગ્રણીઓ કહેતા હતા કે માર્ગી-વૈરાગી સાધુ ઉપર સંવાદ કરો.આથી ‘માનસ માર્ગી’ શિર્ષક બનાવીને સંવાદ રચીએ છીએ ત્યારે યુવાનોને ખાસ કે માર્ગી શબ્દનો અર્થ પથિક,યાત્રી,પરિવ્રાજક, વિચરણ કરનાર,ચરૈવેતિ,સતત ચાલનાર,સતત યાત્રા કરનાર,ટ્રાવેલર્સ… એવા થઈ શકે.
એક વખત માનસ મારગ ઉપર મુંબઈમાં હરેશભાઈ સંઘવીને ત્યાં પણ કથાગાન કરેલું એને યાદ કર્યું. રામચરિત માનસમાં માર્ગી કોણ-કોણ છે એની દરેક કાંડમાં મુખ્ય-મુખ્ય પાત્રો વિશેની છણાવટ પણ કરીને કહ્યું કે આમ તો આપણે બધા જ માર્ગે છીએ. રામચરિત માનસના બાલકાંડમાં ચાર માર્ગી છે: ભગવાન વશિષ્ઠ-જે પ્રારબ્ધ માર્ગના,પ્રારબ્ધવાદી નસીબવાદી માર્ગી છે.મહર્ષિ વિશ્વામિત્ર પુરુષાર્થ માર્ગી અથવા કર્મમાર્ગી કહી શકાય.એ બધું જ કરી શકે છે.પુરાણોની કથા અનુસાર નવું સ્વર્ગ પણ એણે ખડું કરેલું.ત્રીજા ભગવાન શિવ માર્ગી છે.સતત ઘૂમે છે.ચોથા માર્ગી દેવર્ષિ નારદ છે.દરેક જગ્યાએ ઘૂમતા રહે છે.
અયોધ્યાકાંડમાં રામ,લક્ષ્મણ,જાનકી તો બ્રહ્મ છે અને બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.ભરતજી પ્રેમપથનાં માર્ગી છે.
શબરીને બુદ્ધમાર્ગી કહ્યા કારણ કે શબરી અહિંસક છે.પોતાના વિવાહ પ્રસંગ પર પિતાએ હિંસા કરવાની વાત કરી ત્યારે શબરી ભાગી ગઈ છે.શબરી યોગમાર્ગી પણ છે.કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ ભોગ માર્ગી છે.આસક્તિ અનંત હોય છે,આયુષ્ય સિમિત હોય છે.
સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાન માર્ગી,આકાશ માર્ગી ગગનમાર્ગી છે.લંકાકાંડમાં રાવણ આજકાલ જે રીતે માહોલ છે એવો યુદ્ધમાર્ગી છે ઉત્તરકાંડમાં કાગભુશુંડી કથામાર્ગી છે.
અહીં લીધેલી બે પંક્તિઓમાં એ જ વાત કરી છે. લંકાકાંડમાં ભગવાન બંધનમાં આવે છે ત્યારે ગરુડને સંદેહ થાય છે અને એ નારદ,બ્રહ્મા વગેરે પાસે ગયા બાદ શિવજીને માર્ગમાં મળે છે.
કથાની ભૂમિકા સ્પષ્ટ કર્યા પછી પ્રવાહી,પવિત્ર, પરોપકારી પરંપરાના ક્રમમાં રામચરિત માનસ વિશેની વાત કરતા સાત સોપાન,પહેલા સોપાન-બાલ્ય અવસ્થાથી શરૂ કરીને ઉત્તરાવસ્થા સુધીની યાત્રા છે. બધા જ સોપાનનાં તાત્વિક સાત્વિક અર્થ પણ છે. બાલકાંડનાં મંગલાચરણમાં સાત મંત્ર:
*વર્ણાનાં અર્થ સંઘાનાં રસાનાં છંદસામઅપિ*
*મંગલાનાં ચ કર્તારૌ વંદે વાણીવિનાયકૌ*
શરૂ કરતા બાપુએ જણાવ્યું કે મહાભારતમાં સાવિત્રી મંત્ર છે એમ રામચરિત માનસમાં મંગલ શબ્દ પ્રધાન છે.આ મંગલ શબ્દ રામચરિત માનસનો સાવિત્રી મંત્ર છે.વાણી અને વિનય જીવન માટે જરૂરી છે.વાણી બધા પાસે હોય,વિનય ક્યાંક-ક્યાંક ન પણ હોય! રામચરિત માનસ અને મહાભારતમાં માતૃશક્તિની ખૂબ જ ઈજ્જત કરી છે પરંતુ લોકો વગર વિચાર્યે એનો વિરોધ કરતા હોય છે.મહાભારતે પણ માતૃ શક્તિ અને નારી પાત્રોનું મહિમાગાન ખૂબ કર્યું છે. વિશ્વાસથી ભક્તિ,શ્રદ્ધાથી જ્ઞાન અને ભરોસાથી ભગવાન મળે છે.
ધ્યાન માર્ગી માટેનું ગુરૂમંત્ર પણ અહીં વંદના પ્રકરણમાં દેખાય છે.
અન્યતોપિ વસ્તુ એને જ મળે છે જે અનન્ય હોય છે પંચદેવની વંદનામાં પંચતત્વનો સંકેત છે.
શિવ પાર્વતી(વંદના)એ પૃથ્વી તત્વનો સંકેત છે.શિવ પૃથ્વીનો દેવ છે.વિષ્ણુ(વંદના)જળ તત્વ,સૂર્યની વંદના આકાશ તત્વ,ગણેશ વંદના વાયુ તત્વ અને ગુરુના વચન એ અગ્નિ તત્વની વંદના છે.
પાંચ સોરઠામાં પંચદેવની વંદના બાદ ગુરુ વંદનાથી તુલસીદાસજી કથાનો આરંભ કરે છે અને એ પછી હનુમાનજીની વંદનાનું ગાયન કરીને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.
*કથા વિશેષ:*
*કોણ છે માર્ગી?*
આપણે બધા જ માર્ગી છીએ.ચાંદ સૂરજ માર્ગી છે. આખું જગત માર્ગી છે.ભરદ્વાજ પાસે રામ માર્ગ પૂછે છે ત્યારે ભરદ્વાજ મનમાં હસતા-હસતા કહે છે કે આપના માટે તમામ માર્ગ સુલભ છે.છતાં પણ ચાર શિષ્યોને મોકલીને વેદનો માર્ગ બતાવે છે.
આપણે ત્યાં વામમાર્ગી અને કુમાર્ગી શબ્દો પણ છે. શંકરાચાર્ય પણ પરિવ્રાજક છે.શુકદેવજી જન્મ લેતાની સાથે જ યાત્રા પર નીકળી પડે છે.
કેટલા બધા રાહી,પથિક દેખાય છે.લોકો હવે પોતાની દીકરીઓનાં નામ માર્ગી રાખે છે એ પણ સારી વાત છે.
રામાયણ અને મહાભારતનો સંક્ષિપ્ત અભિપ્રાય કહેવો હોય તો કહી શકાય કે રામાયણ કયા માર્ગ પર ચાલવું જોઈએ એ બતાવે છે અને મહાભારત કયા માર્ગ પર ન ચાલવું એ બતાવે છે.
આપણે બધા જ જનમ-જનમના મુસાફીર,યાત્રી, માર્ગી છીએ.સનાતન માર્ગ,વૈદિક માર્ગ,રામાયણ ગીતાનો માર્ગ આપણો માર્ગ છે.
કૃપા તો બધા ઉપર થઈ છે એટલે જ મનુષ્ય જન્મ મળ્યો છે પણ અતિ કૃપા જેના પર થાય છે એવો જીવ માર્ગી બનીને ચાલે છે.
કપિ અને કવિ પણ સતત માર્ગી છે.