સેનાને થશે મોટો ફાયદો
જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગને કિશ્તવાડ સાથે જોડવા માટે ‘સિન્થન ટોપ’ ટિ્વન ટનલનો પ્લાન અંતિમ તબક્કામાં છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીર, તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારત સરકાર હવે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદોને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે વ્યૂહાત્મક ટનલનું મોટું જાળ બિછાવવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પૂર્વોત્તર રાજ્યો સુધી બનનારી આ ટનલ માત્ર સેનાની તાકાત જ નહીં વધારે, પરંતુ હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં દરેક સિઝનમાં કનેક્ટિવિટી પણ પૂરી પાડશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આવી છ મોટી ટનલ પરિયોજનાઓના રિપોર્ટને ફાસ્ટ ટ્રેક પર લાવવા નિર્દેશ આપ્યા છે.આ પ્રોજેક્ટમાં સૌથી મહત્ત્વની બાબત લદ્દાખમાં બનનારી ૪.૧ કિલોમીટર લાંબી ‘શિંકુ લા’ ટનલ છે. ૧૫,૮૦૦ ફૂટની ઊંચાઈ પર બનનારી આ ટનલ વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. આ ટનલના નિર્માણથી લદ્દાખને નિમ્મુ-પદમ-દારચા માર્ગ દ્વારા ત્રીજો વૈકલ્પિક ‘ઓલ-વેધર રૂટ’ મળશે. બોર્ડરથી સુરક્ષિત અંતરે હોવાને કારણે વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ માર્ગ અત્યંત સંવેદનશીલ અને સુરક્ષિત માનવામાં આવે છે. આ વર્ષના મધ્ય સુધીમાં તેનું પ્રારંભિક કામ શરૂ કરવાનું લક્ષ્ય છે.અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બનનારી ટનલ ભારતીય સેના માટે ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે. તેનાથી ભારે તોપખાના અને મિસાઈલ સિસ્ટમને સેટેલાઈટની નજરથી બચાવીને સીધી ન્છઝ્ર(લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) સુધી પહોંચાડી શકાશે. મણિપુરમાં મોરહે-થુઈબુલ ટનલ દક્ષિણ-પૂર્વ એશિયા સાથેના વેપારને નવી ગતિ આપશે. આ ઉપરાંત, મંત્રાલય મહારાષ્ટ્ર અને કેરળમાં પણ મોટી ટનલનું નિર્માણ કરી રહ્યું છે. કેરળના વાયનાડ અને મલપ્પુરમ વચ્ચે પર્યાવરણને અનુકૂળ એવી ‘ઈકો-સેન્સિટિવ’ ટનલ બનાવવામાં આવશે, જેથી હાથીઓના કોરિડોરને કોઈ નુકસાન ન પહોંચે.જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગને કિશ્તવાડ સાથે જોડવા માટે ‘સિન્થન ટોપ’ ટિ્વન ટનલનો પ્લાન અંતિમ તબક્કામાં છે. અંદાજે ૧૦-૧૨ કિલોમીટર લાંબી આ ટનલ શિયાળામાં ભારે હિમવર્ષા દરમિયાન પણ જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે સુરક્ષિત સંપર્ક જાળવી રાખશે. હાલમાં શિયાળામાં સિન્થન ટોપ પાસ બંધ થઈ જતો હોવાથી આ ટનલ ત્યાંના લોકો અને સેના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારના આ આક્રમક અભિગમથી ભારતની રક્ષણાત્મક અને આર્થિક સ્થિતિ બંને મજબૂત થશે.

