Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં

બેંકો, ગ્રામીણ બેંકો, NBFC અને સહકારી બેંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન રિકવરી પ્રક્રિયાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. છેલ્લા ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા અમાનવીય વ્યવહાર અને ગેરકાયદેસર હેરાનગતીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બેંકો, ગ્રામીણ બેંકો, NBFC, અને સહકારી બેંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે, બેંકોએ હવે રિકવરી એજન્ટોની નિમણૂક માટે એક સ્પષ્ટ નીતિ બનાવવી પડશે. આ નીતિમાં એજન્ટોની યોગ્યતા, તેમની ઓળખની તપાસ અને આચારસંહિતાનો સમાવેશ કરવો ફરજીયાત છે. ગ્રાહકો પર કોઈપણ પ્રકારનું અયોગ્ય દબાણ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે ગ્રાહક કોઈ ફરિયાદ નોંધાવે, ત્યારે જ્યાં સુધી તેનું નિવારણ ન આવે ત્યાં સુધી બેંકે રિકવરીની પ્રક્રિયા અટકાવવી પડશે. જો ગ્રાહકની ફરિયાદ ખોટી હશે તો પ્રક્રિયા ચાલુ રખાશે. આ ઉપરાંત, બેંકોએ પોતાની વેબસાઈટ અને શાખાઓ પર એજન્ટોની અપડેટેડ યાદી પણ જાહેર કરવી પડશે જેથી ગ્રાહકો છેતરાય નહીં.

રિકવરી એજન્ટ પાસે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ એન્ડ ફાઈનાન્સ (IIBF) નું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. નિમણૂક પહેલા એજન્ટની ઓળખની કડક તપાસ કરવી પડશે અને તેમની પાસેથી નીતિઓના પાલન માટે લેખિત સંમતિ લેવી પડશે. જો કોઈ એજન્ટ નિયમ તોડે તો બેંકે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવા જેવી દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે. એજન્ટો ગ્રાહકનો સંપર્ક માત્ર સવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધી જ કરી શકશે. જો ગ્રાહક કોઈ ચોક્કસ સમયે કોલ ન કરવા વિનંતી કરે, તો તેનું સન્માન કરવું પડશે. પરિવારમાં મૃત્યુ, લગ્ન કે તહેવાર જેવા પ્રસંગોએ ગ્રાહકની મુલાકાત લેવા કે કોલ કરવા પર મનાઈ છે. ગ્રાહક સાથે થતી તમામ વાતચીતનું રેકોર્ડિંગ કરવું અનિવાર્ય રહેશે અને ગ્રાહકને તેની જાણ કરવાની રહેશે. એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે

ગાળાગાળી, ધમકી કે શારીરિક હિંસાના કોઈપણ કૃત્ય પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને કે ગ્રાહકના પરિવાર અને મિત્રોને પરેશાન કરી શકાશે નહીં. રિકવરી માટે ગ્રાહકની બે વખતની પસંદગીની જગ્યાએ જવું પડશે, જો ન આવે તો ઘર કે કાર્યસ્થળ પર જઈ શકાશે. ગ્રાહકની માત્ર કેટલીક જ વિગતો એજન્ટ સાથે શેર કરી શકાશે, તેની ગુપ્તતા જાળવવી બેંકની જવાબદારી રહેશે. રિકવરી કેસ સોંપતા પહેલા બેંકે ગ્રાહકને લેખિત નોટિસ, SMS કે ઈમેલ દ્વારા એજન્ટની સંપૂર્ણ વિગતો આપવી પડશે.

Related posts

બે રાજ્યોમાંથી ૮ શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

Master Admin

બેંગ્લુરુમાં ૩૦ વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે

Master Admin

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે

Master Admin

Leave a Comment

Translate »