Nirmal Metro Gujarati News
article

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ

 

 

સેજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે.

આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે.

પૂ. મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ જેમ માઘપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાના મહંતો, વિવિધ સ્થાનના ગાદીપતિઓ, સેવકો અને ભક્તજનોની ઉપસ્થિતિમાં જગ્યા-ટ્રસ્ટના પ્રતિનિધિને તિલક, સૂત્રમાલા,શાલ, સ્મૃતિ ચિન્હ (એવોર્ડ) અને રૂપિયા સવા લાખની એવોર્ડ રાશિ અર્પણ કરીને વંદના કરવામાં આવશે….!

આ એવોર્ડની અર્પણ વિધિ તા.12, ને બુધવારે સેંજળધામ ખાતે સવારે 9:30 કલાકે થશે.

સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની,સમાજની અનન્ય સેવા કરતી આવી છે… “જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો” ના સુત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે. વિખરાતા સમાજને રોટલાથી જોડ્યો છે…! અભાવગ્રસ્તોના હામી થઈને આંસુ લુછયા છે… સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્યાઓને આ એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ સેંજળધામ (સાવરકુંડલા) ખાતે છેલ્લા 17 વર્ષથી પૂ.મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં રચાય છે.

નિમ્બાર્કાચાર્ય શ્રીહરિવ્યાસજી મહારાજના શિષ્ય પૂ.ધ્યાનસ્વામીએ વ્રજમાંથી વિચરણ કરીને વર્ષો પહેલા સૌરાષ્ટ્રના સેંજળ ગામને પોતાની સાધના ભૂમિ બનાવેલી. આજે ત્યાં એમની ચેતન સમાધિ છે. તેઓ મોરારીબાપુની ભક્તિ પરંપરાના મૂળ પુરુષ છે. તેમના અધિકારી શિષ્ય પૂ.જીવનદાસજીના વંશમાં મોરારીબાપુનો જન્મ થયો. એ મૂળ પુરુષના પુણ્ય સ્મરણ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્યું છે.

સને 2011 થી પ્રતિ વર્ષ આ ઉપક્રમ એક દેહાણ જગ્યાની વંદના માટે યોજાય છે.

ઉલ્લેખની છે કે, આ દિવસે પૂ.મોરારીબાપુ દ્વારા સેંજળ ધામ ખાતે સમગ્ર ગુજરાતના વૈષ્ણવ સાધુ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન પણ યોજાય છે. ચાલુ સાલે પણ 39 દીકરીઓઓ પણ આ સમૂહ લગ્નના માધ્યમથી ગ્રહસ્થાશ્રમ ધન્ય કેડી પર ડગ મૂકશે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

Related posts

100th Tansen Sangeet Samaroh establishes Guinness World Record

Reporter1

Get ready for an action-packed race weekend at Yas Island

Reporter1

કથા સાધન નહીં સાધ્ય છે

Reporter1
Translate »